અગ્નિકર્મ : આયુર્વેદ પદ્ધતિ અનુસાર અગ્નિ દ્વારા સિદ્ધ કરવાનું કાર્ય. તેને તળપદી ભાષામાં ‘‘ડામ દીધો’’ કહે છે. હજુ પણ ભારતનાં ગામડાંમાં, કોઈ ઔષધ દર્દીને સ્વસ્થ કરી ન શકે ત્યાં ડામ દેવાની પ્રથા છે. પહેલી નજરે ડામ દેવો તે જરા જંગલીપણામાં ખપે, પણ આ ડામ દેવાની પદ્ધતિ પ્રાચીન કાળથી અપનાવાતી રહી છે. તેનું આધુનિક સ્વરૂપ તે અગ્નિકર્મ. આયુર્વેદ સિદ્ધાંત અનુસાર ઔષધચિકિત્સા, શસ્ત્રચિકિત્સા કે ક્ષારચિકિત્સાથી મટે નહિ તે રોગો અગ્નિકર્મથી મટાડાય છે. અગ્નિકર્મથી દહન કરેલા રોગો ફરીથી ઉત્પન્ન થતા નથી. આધુનિક વિજ્ઞાનમાં પણ અગ્નિકર્મની ઉપયોગિતા સ્વીકારેલ છે. વિદ્યુતપ્રવાહ દ્વારા ઉષ્ણતા ઉત્પન્ન કરી ઓજારને (સળિયાને) અગ્નિની જ્વાળામાં તપ્ત કરી વ્રણસ્થાનમાં પાક થવાનો સંભવ હોય ત્યાં અગ્નિકર્મ કરવાથી પાક થતો અટકે છે.
વાયુથી થનારા દુખાવામાં (વાતિકશૂળ) વેદનાગ્રસ્ત સ્થાન ઉપર સ્થાનિક અગ્નિકર્મથી સારાં પરિણામો મળે છે. અંડવૃદ્ધિ વૃષણપ્રદેશે સ્થાનિક, તેમજ સ્થાનાન્તરે હસ્ત-અંગુષ્ઠ-મૂળપ્રદેશે માત્ર બિંદુ સ્વરૂપે ત્વગ્ દગ્ધ કરવાથી ફાયદો થાય છે. અગ્નિકર્મ કરાવવા માટે દર્દી ત્રણ કર્મમાંથી પસાર થાય છે : પૂર્વકર્મ, પ્રધાનકર્મ અને પશ્ચાત્કર્મ. પૂર્વકર્મ કરાવતાં પહેલાં દર્દીને સંપૂર્ણ સાંત્વન આપીને ભયથી મુક્ત કરવામાં આવે છે.
પૂર્વકર્મ : (1) રોગીના મૂત્રની તપાસ કરાવીને તેને મધુપ્રમેહ નથી તેની ખાતરી કરવામાં આવે છે. (2) જે જગ્યાએ ડામ દેવાનો હોય તે સ્થાન બરાબર ધોઈ નાખીને તે જગ્યાએ વાળ ઊગેલા હોય તો કઢાવી નાખવામાં આવે છે અને એ જગ્યાએ × નિશાની કરવામાં આવે છે.
પ્રધાનકર્મ : અગ્નિતપ્ત સાધન વડે રોગની જગ્યાએ નિશ્ચિત કરેલી × નિશાની ઉપર ડામ બિંદુ આકારે ચિપકાવવામાં આવે છે.
સમ્યગ્ દગ્ધનાં લક્ષણો : (1) ‘ચર…ચર’ જેવો અવાજ થાય. (2) દુર્ગંધતા : ચામડી બળ્યાની ગંધ આવે. (3) ડામ દીધેલ સ્થાનથી ચામડી સંકોચાય.
પશ્ચાત્કર્મ : ડામ દીધેલ સ્થાન પર શંખજીરું અથવા ટૅલ્કમ પાઉડર છાંટવામાં આવે છે. શક્ય હોય તો વાતાનુકૂલિત સ્થાનમાં અથવા શીતળ પવન આવતો હોય તે સ્થાનમાં દર્દીને બેસાડવામાં આવે છે. ઘી અને મધ વડે દગ્ધ સ્થાન પર લેપન કરાય છે. ડામની જગાએ ત્રણ દિવસ સુધી પાણીનો સ્પર્શ ન થાય તેની કાળજી રખાય છે. શંખજીરું છાંટવાથી જીવાણુઓનો ઉપસર્ગ થતો નથી અને દગ્ધ વ્રણને રૂઝ આવે છે. નિષેધ : બીકણ, દુર્બળ, પિત્તપ્રકૃતિ, રક્તપિત્ત, બાળક, વૃદ્ધ અને ગર્ભિણી સ્ત્રીઓને અગ્નિકર્મ કરાવવું હિતાવહ હોતું નથી. શિયાળામાં અગ્નિકર્મ કરાવવું ઇચ્છવાજોગ છે.
ઇન્દુભાઈ દવે