અખ્યાતિ (પૂર્વમીમાંસા) : ભ્રાંતિજ્ઞાન. પ્રભાકર મિશ્ર નામના મીમાંસક ભ્રાંતિજ્ઞાનને ‘અખ્યાતિ’ કહે છે. તેઓ માને છે કે ભ્રાંતિ એ પ્રત્યક્ષજ્ઞાન અને સ્મૃતિજ્ઞાન એમ બે જ્ઞાનોનું મિશ્રણ છે. રજ્જુ-સર્પ અને શુક્તિ-રજત (છીપ-ચાંદી) એ તેનાં પ્રસિદ્ધ ઉદાહરણો છે. ‘આ રજત (રૂપું) છે (ઇદં રજતમ્). એ ભ્રાંતિજ્ઞાનના વિધાનમાં ‘આ’ (ઇદમ્-અંશ) તરીકે નિર્દિષ્ટ થતી વસ્તુ પ્રત્યક્ષનો વિષય બને છે. પરંતુ ‘રજત-અંશ’નો આંખરૂપી ઇન્દ્રિય સાથે સંનિકર્ષ થતો નથી. તેથી તે પ્રત્યક્ષનો વિષય બનતો નથી. અહીં ખરેખર ‘આ’ના પ્રત્યક્ષને પરિણામે રજતના ધર્મો સાથે સામ્ય ધરાવતા શુક્તિ(છીપ)ના ધર્મોનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. પરિણામે પૂર્વે અનુભવેલ રજતના સંસ્કાર જાગ્રત થવાથી રજતની સ્મૃતિ થાય છે. આમ ‘આ’ના પ્રત્યક્ષ અને ‘રજત’ની સ્મૃતિ વચ્ચે ઘણો સૂક્ષ્મ સમયગાળો રહે છે. તેથી બંનેના ભેદનું ગ્રહણ થતું નથી. આને પારિભાષિક રીતે ‘વિવેક-અગ્રહ’, ‘સ્મૃતિ-પ્રમોષ (લોપ)’ કે ‘અસંસર્ગાગ્રહ’ કહે છે. આ નિષેધમુખ જ્ઞાન છે. તેથી પ્રભાકર આને ખરા અર્થમાં ભ્રાંતિ ગણતા નથી, પણ તેને ‘અ-ખ્યાતિ’ કહે છે. આ કારણથી તેમણે ભ્રાંતિના અસ્તિત્વને સ્વીકાર્યું નથી.
મનસુખ જોશી