અખેગીતા : ચાર કડવાં અને એક પદ એવા દશ એકમોનો સુઘડ રચનાબંધ ધરાવતી, ચોપાઈ અને પૂર્વછાયામાં રચાયેલી અખાની કૃતિ (ર. ઈ. 1649 / સં. 1705, ચૈત્ર સુદ 9, સોમવાર). અખાના તત્ત્વવિચારના સર્વ મહત્ત્વના અંશો તેમાં મનોરમ કાવ્યમયતાથી નિરૂપણ પામ્યા છે. તે અખાની પરિણત પ્રજ્ઞાનું ફળ ગણાય છે. તેમાંના વેદાંતિક તત્ત્વવિચારના મુખ્ય વિષયો છે : બ્રહ્મતત્ત્વનું સ્વરૂપ અને એનું જીવ, ઈશ્વર અને જગત રૂપે પરિણમન; માયાનું સ્વરૂપ અને કાર્ય; માયામાંથી મુક્ત થવા માટેની સાધનત્રયી – વિરહવૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન; બ્રહ્મવાદ અને શૂન્યવાદ તેમજ ષડ્દર્શનો; અણલિંગી તત્ત્વજ્ઞાનીનાં લક્ષણો; સંતમહિમા વગેરે.
ત્રણ ગુણોને જન્મ આપી એની સાથેના સંયોગથી, ‘‘જનની થઈ જોષિતા’’ (પત્ની), સૃષ્ટિનો પ્રપંચ રચતી અને એ સૃષ્ટિનો પાછો ભક્ષ કરી જતી માયાનાં સ્વરૂપ, સ્વભાવ ને સામર્થ્યનું અત્યંત સચોટ ને સવિસ્તર ચિત્ર અખાએ આલેખ્યું છે તેમજ લાક્ષણિક દૃષ્ટાંતોથી બ્રહ્મતત્ત્વની નિર્લેપતા, અવિકાર્યતા તથા માયા વડે થતી અનંત રૂપમય સંસારની ઉત્પત્તિ સમજાવી છે. પણ હૃદયમાં વસી જાય એવું ચિત્ર તો છે વૈરાગ્યાર્તિની તીવ્રતા અને ભક્તિની આર્દ્રતા-મધુરતા અનુભવતા નરનું. તત્ત્વદર્શી સંતના પરોપકારપરાયણ સ્વભાવ અને એમની સંગતિના પ્રભાવનું અખાએ ગાન કર્યું છે તે પણ ભાવાર્દ્રતાભર્યું છે.
‘અખેગીતા’માં શાસ્ત્રીય કઠિનતા નહિવત્ છે અને અખાની વાણી વિગતભર્યાં ચિત્રો સર્જતી, દૃષ્ટાંતોનું પૂર વહાવતી, અનેક વાક્છટાઓ પ્રયોજતી, માર્મિક શબ્દપ્રયોગો વણી લેતી અને પ્રસંગે ભાવવિભોર થતી, નિરંતરાય ગતિ કરે છે. આથી જ ઉમાશંકર જોશી કહે છે તેમ, ‘અખેગીતા ગુજરાતી તત્ત્વકવિતાનું ઉચ્ચ શિખર છે.’
જયંત કોઠારી