અખાના છપ્પા : છ-ચરણી (ક્વચિત્ આઠ ચરણ સુધી ખેંચાતી) ચોપાઈનો બંધ ધરાવતા અને વેશનિંદા, આભડછેટ, ગુરુ વગેરે 45 અંગોમાં વહેંચાઈને 755 જેટલી સંખ્યામાં મળતા અખા ભગતકૃત છપ્પા. એમાં વિધાયક તત્ત્વવિચારની સામગ્રી ભરપૂર છે, છતાં એની લોકપ્રિયતા વિશેષપણે એમાંનો નિષેધાત્મક ભાગ, જેમાં ધાર્મિક–સાંસારિક આચારવિચારોનાં દૂષણોનું વ્યંગપૂર્ણ નિરૂપણ મળે છે, તેને કારણે છે.
છપ્પાઓમાં અખા ભગત બ્રહ્મની સર્વવ્યાપિતા, અખંડતા, અવિકાર્યતા અને અનિર્વચનીયતા દર્શાવી એનું સ્વરૂપ સ્ફુટ કરે છે; જગતપ્રપંચનું મિથ્યાત્વ સમજાવે છે અને માયા જીવોને કેવી રીતે રમાડે છે તેનું વર્ણન કરી ‘અ-મન’ અંતરમાં અકર્તા થઈને રહેવાનું સૂચવે છે.
ટીલાંટપકાં, નામસ્મરણ, વેશટેક, તીર્થાટન, કથાશ્રવણ, કાયાક્લેશ – આ બધા બાહ્યાચારોને તો અખા ભગત વારંવાર પોતાના પ્રહારનાં નિશાન બનાવે છે, કર્મધર્મને – સત્કર્મને તેમ વિકર્મને — અધ્યાત્મમાર્ગમાં અંતરાયરૂપ ગણાવે છે અને પરબ્રહ્મપ્રાપ્તિનો ખરો માર્ગ જ્ઞાન, જેને એ ‘સૂઝ’ ‘વિચાર’ ‘અનુભવ’ એ શબ્દોથી ઓળખાવે છે, તે હોવાનું જણાવે છે. નિર્ગુણ પરમાત્મતત્ત્વનો સાક્ષાત્કાર થયા પછી માણસ સગુણભક્તિ તરફ વળે તો એ એમને ઇષ્ટ છે.
અખાનો ગુરુવિચાર ઘણો લાક્ષણિક છે. શાસ્ત્રની એક આંખવાળા, દેહાભિમાની, મતાંધ, સંસારાસક્ત, વેષધારી ગુરુઓને એ ચાબખા લગાવ્યે જાય છે; પણ સદ્ગુરુના શરણને એ આવશ્યક લેખે છે અને અંતે અંતર્યામી કે આત્મા એટલે કે પરમાત્માને જ ખરા ગુરુ તરીકે સ્થાપે છે. અખાની તર્કપૂર્ણ દૃષ્ટિ અને બૌદ્ધિક સ્વતંત્રતાનો આપણને પ્રભાવિત કરે એવો પુરાવો મળે છે તે વર્ણાશ્રમધર્મ, અસ્પૃશ્યતા, સતયુગ-કળિયુગની ઉચ્ચાવચતા, પૂર્વજન્મની માન્યતા, અવતારવાદ, જ્યોતિષ, ભૂતપ્રેતના વહેમ વગેરેનું વેધક કટાક્ષ અને દૃષ્ટાંતોની મદદથી એ જે અકાટ્ય ખંડન કરે છે એમાં.
‘‘જન્મજન્મનો ક્યાં છે સખા ?’’ એમ પરમતત્ત્વની આરત અને ‘‘છીંડું ખોળતાં લાધી પોળ’’ એમ અનાયાસપ્રાપ્તિનો આનંદ વ્યક્ત કરતું અખાનું કેટલુંક આત્મકથન પણ છપ્પાઓમાં નોંધાયું છે. અનેકવિધ ભાવમુદ્રાઓ અને તેમાંયે હાસ્યકટાક્ષનો બહોળો વિનિયોગ તત્ત્વજ્ઞાનને કવિતાની કોટિએ લઈ જવામાં ફાળો આપે છે.
છપ્પામાં તત્ત્વજ્ઞાન અને કવિતાનો મેળ વધુમાં વધુ બેઠો હોવાનું પ્રતીત કરાવતી બીજી વસ્તુ છે ઉપમાદૃષ્ટાંત અને લોકોક્તિઓનો બહોળો તથા ભારે કાર્યસાધક વિનિયોગ. ‘‘વેશ, ટેક તે આડી ગલી, પેઠો તે ન શકે નીકળી’’, ‘‘એક અફીણ, બીજો સંસારી રસ, અધિક કરે ત્યમ આપે કસ’’, ‘‘સાપને ઘેર પરોણા સાપ, મુખ ચાટી ચાલ્યો ઘેર આપ’’, ‘‘વઢે ઢીકે ને કટારી કડ્યે’’ વગેરે અખાના અનેકાનેક ઉદ્ગારો અવિસ્મરણીય બની ચૂકેલા છે.
જયંત કોઠારી