અંબર (પ્રાણીશાસ્ત્ર) : સ્પર્મ વ્હેલ(Physeter catodon)ના આંતરડામાં અપાચ્ય ખોરાકની આસપાસ બનતો વિષ્ટારૂપ એક ઘન પદાર્થ. આ પદાર્થનું નિર્માણ એક સામાન્ય જૈવિક ક્રિયાને કારણે છે કે કોઈ વિકૃતિને લીધે છે તે અંગે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. અંબર દરિયામાં તરતું, દરિયાકિનારે તથા વ્હેલના પેટમાંથી મળે છે. સામાન્ય રીતે નાના ટુકડારૂપે તે મળે છે. મોટામાં મોટો ટુકડો 400 કિગ્રા. ઉપરનો મળ્યો છે. તાજું અંબર પોચું, કાળું અને દુર્ગંધવાળું હોય છે. સૂર્યના તાપ, હવા અને દરિયાના પાણીની અસરથી તે કઠણ, આછા રંગનું અને સુગંધીદાર બને છે. તે આયુર્વેદમાં ઔષધ તરીકે, કીમતી મસાલા તરીકે અને અત્તરોની બનાવટમાં સ્થાયીકર (fixative) તરીકે ઘણું વપરાય છે.
જયંતિલાલ જટાશંકર ત્રિવેદી