અંધા યુગ (1955) : ડૉ. ધર્મવીર ભારતી દ્વારા મુક્તછંદમાં લખાયેલું હિન્દી ગીતિ-નાટ્ય. પૌરાણિક કથા ઉપર આધારિત આ ઉત્તમ હિંદી નાટકમાં મહાભારતના અઢારમા દિવસની સંધ્યાથી પ્રભાસતીર્થમાં કૃષ્ણના મૃત્યુ સુધીની ઘટનાઓનો સમાવેશ છે. તેમાં કેટલાંક ઉત્પાદ્ય તત્વો અને સ્વકલ્પિત પાત્ર-પ્રસંગો પણ ધ્યાન ખેંચે છે. સમગ્ર કથાનકને નાટકકારે આધુનિક યુગ-ચેતનાના સંદર્ભમાં રજૂ કર્યું છે.
નાટકકારે કૌરવો અને પાંડવોમાંથી કોઈનો પક્ષ ન લેતાં ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય અને પાપ-પુણ્યનો તીવ્ર સંઘર્ષ રજૂ કર્યો છે. અસત્ય, અધર્મ અને પાપ વડે ચાલતો આ યુગ ક્ષીણ થઈને નાશ પામ્યો, તે એટલે સુધી કે અધર્મને આશરો આપનાર કૃષ્ણનો પણ નાશ થયો. કથાવસ્તુમાં આદિથી અંત સુધી તંગદિલી, નિરાશા, રક્તપાત, વૈરવૃત્તિ, વિકૃતિ, કુરૂપતા અને અંધત્વ વ્યાપ્ત છે. આખા નાટકનું વ્યક્તિત્વ જ આંધળું છે. સમાજ, પરિવાર, નૈતિકતા, આસ્થા સર્વ દૃષ્ટિહીન છે, અંધાયુગનું તત્વજ્ઞાન પણ !
લેખક મહાભારત અને બીજા વિશ્વયુદ્ધની તુલના કરતાં એવા નિષ્કર્ષ પર પહોંચે છે કે મહાયુદ્ધ પોતાની સાથે એવી ભયાનકતા લઈને આવે છે કે તે યુગને અંધા યુગની સંજ્ઞા આપી શકાય. સમગ્ર વિશ્વમાં છવાયેલા અંધકારનું મૂળ કારણ યુદ્ધ છે. તેનાથી જ વિશ્વમાં નિરાશા, તંગદિલી, ત્રાસ વગેરેનો ગાઢ અંધકાર છવાયેલો છે એમ વક્તવ્ય છે.
આ નાટકમાં પૌરાણિક કથાની યોજના એવી કુશળતાથી કરવામાં આવી છે કે મહાભારતની માન્યતાને આંચ ન આવે તે રીતે પાત્રો તેમની ચારિત્ર્યગત વિશેષતાઓની સાથે સાથે આધુનિક યુગની સમસ્યાઓ તથા મૂલ્યબોધને પણ ઉદ્ઘાટિત કરે છે.
વસ્તુરચનાની દૃષ્ટિએ ‘અંધા યુગ’ ‘સ્થાપના’ અને ‘સમાપન’ ઉપરાંત એક ‘અન્તરાલ’ તથા પાંચ અંકોમાં વિભાજિત કૃતિ છે. તેના પ્રત્યેક અંકને પ્રતીકાત્મક શીર્ષક આપવામાં આવ્યું છે, જેમ કે ‘કૌરવનગરી’, ‘અશ્વત્થામાનું અર્ધસત્ય’, ‘વિજય, એક ક્રમિક આત્મહત્યા’ અને ‘પ્રભુનું મૃત્યુ’. પાત્રો પણ પ્રતીકાત્મક છે. યુદ્ધની લાલસાવાળો યુયુત્સુ, ચતુર્મુખ રૂપમાં સમગ્ર વિશ્વયોજનાને જોનાર સંજય, જ્ઞાનમાં રત વિદુર, યુદ્ધમાં સ્થિર અને સ્થિતપ્રજ્ઞ યુધિષ્ઠિર, અશ્વ જેવું બળ ધરાવનાર વજ્રદેહી પરંતુ પરમ મિથ્યાચારી અને નિર્મમ પાપાચારી અશ્વત્થામા વગેરે. નાટકનું શીર્ષક પણ પ્રતીકાત્મક છે.
પૌરાણિક પાત્રો ઉપરાંત વૃદ્ધ યાચક, મૂક સૈનિક તથા પ્રહરી જેવાં પાત્રો કલ્પિત છે. બે પ્રહરીઓ ગ્રીક નાટકોમાંના કૉરસ જેવું કાર્ય કરે છે.
લોકનાટ્ય તથા શાસ્ત્રીય નાટ્યપરંપરાનો સમન્વય સાધીને નાટકનું સ્વરૂપ ઘડ્યું છે, ‘અંધા યુગ’ને લગભગ તમામ શૈલીઓ દ્વારા રંગમંચ ઉપર રજૂ કરવાનો પ્રયાસ થયો છે. બંધ થિયેટર કરતાં ખુલ્લા રંગમંચ ઉપર તેની રજૂઆત વિશેષ પ્રભાવશાળી બની છે. મુંબઈમાં સત્યદેવ દુબેએ ખુલ્લા આકાશ નીચે રજૂઆત કરી હતી. દિલ્હીમાં રાષ્ટ્રીય નાટ્યવિદ્યાલયના નિયામક ઇબ્રાહીમ અલ્કાઝીએ ફીરોઝશાહ કોટલા, તાલકટોકરાનાં ખંડેરો અને પુરાના કિલ્લા એમ ત્રણ જગ્યાએ ખુલ્લા રંગમંચ પર રજૂ કર્યું હતું. એમ. કે. રૈનાએ પારંપરિક તેમજ લોકનાટ્યનાં તત્વો લઈને તેની રજૂઆત કરી હતી. મોહન મહર્ષિએ મોરિશિયસનાં કલાકારો સાથે તેને બંધ પ્રેક્ષાગૃહમાં યથાર્થલક્ષી શૈલીમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદ ખાતે હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે ખુલ્લા મંચ પર તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ‘અંધા યુગ’ ઉપર ટી. એસ. એલિયટના ‘મર્ડર ઇન ધ કથીડ્રલ’ તથા સાર્ત્રના ‘લ મોશ’ (Les Mouches) નાટકની ઘેરી અસર જોવા મળે છે.
રામકુમાર ગુપ્તા
મહેશ ચંપકલાલ શાહ