અંતર્ભેદકો (instrusions) : જૂના ખડકોમાં અંતર્ભેદન પામેલા અગ્નિકૃત ખડકોનાં લાક્ષણિક સ્વરૂપો. મૅગ્માજન્ય અગ્નિકૃત ખડકોની ઉત્પત્તિ અને સ્થિતિ અન્ય ખડકપ્રકારો કરતાં જુદા પ્રકારની હોવાથી તેમનાં સ્વરૂપો પણ મૂળભૂત રીતે જ નિરાળાં હોય છે. તે ખડકો સ્તરરચનાવાળા ન હોવાથી તેમનાં વલણો જળકૃત ખડકોની જેમ નમનકોણવાળાં કે સ્તરનિર્દેશન દર્શાવતાં હોતાં નથી, તેથી તેમને તે મુજબ માપી કે મૂલવી શકાતાં નથી. ભૂસંચલન-ઘટનાઓ દરમિયાન તેમાં સંડોવાતા પોપડાના ખડકોમાં વિક્ષેપ પડે છે, વિરૂપતા ઊભી થાય છે. પરિણામે તડો, ફાટો, સાંધા, ખડકસંભેદ, સ્તરભંગ વગેરે ઉત્પન્ન થાય છે. આ પ્રકારની નબળી તલસપાટીઓ કે પોલાણોમાં જો મૅગ્મા ઘૂસી જાય તો પ્રાપ્ય પોલાણોના આકાર, કદ કે પરિણામ મુજબનાં મૅગ્માસ્વરૂપો તૈયાર થાય છે; ક્યારેક તો, મૅગ્મા અત્યંત ગરમ હોવાથી તેને મળી રહેલા દાબના બળ અનુસાર મૅગ્મા આગળ વધતો જઈ પોતાનો માર્ગ મોકળો કરે છે, ત્યારે પોલાણોનાં આકાર, કદ અને પરિણામમાં ફેરફાર લાવી મૂકે છે. ક્યારેક મૅગ્માજન્ય ખવાણ (magmatic stopping) થાય છે. પ્રાદેશિક ખડકો તેમાં ભળતા જાય છે, અભિશોષણ-આત્મસાતીભવન થાય છે, આગંતુક ખડકરચનાઓ થાય છે, સંકર ખડકો પણ બને છે; સંજોગોવશાત્ મૅગ્મા જો પુષ્કળ પ્રમાણમાં તૈયાર થાય અને એ મૅગ્માનું ઉત્પત્તિસ્થળે જ સ્થાનીકરણ, ઘનીભવન ને સ્ફટિકીકરણ થાય તો અત્યંત વિશાળ કદનાં સ્વરૂપો પણ તૈયાર થઈ શકે છે. મૅગ્મા દ્વારા તૈયાર થતાં આ પ્રકારનાં કદ, આકાર અને પરિમાણવાળાં નાનાં-મોટાં સ્વરૂપોને અંતર્ભેદકો કહેવાય છે. ડાઇક, સિલ, લેકોલિથ, લોપોલિથ, બેથોલિથ, બોસ, સ્ટૉક, ફેકોલિથ, ચોનોલિથ વગેરે ભિન્ન ભિન્ન પ્રકારના અંતર્ભેદકોનાં ઉદાહરણો છે. ઉષ્ણજળજન્ય દ્રાવણોથી થતી કણશ: વિસ્થાપનની પરિણામી પેદાશો અંતર્ભેદક સ્વરૂપોની જેમ જ વર્તતી હોવાથી એને માટે અંતર્ભેદક પર્યાય વાપરી શકાય નહિ.
અંતર્ભેદકોનું વર્ગીકરણ
સ્થાનીકરણના
સંજોગો |
ક્ષિતિજ–સમાંતર કે ઓછાવત્તા
નમનવાળા તેમજ ઓછા ગેડી– કરણવાળા વિસ્તારો સાથે સંકળાયેલા અંતર્ભેદકો |
વધુ ગેડીકરણવાળા
વિસ્તારો સાથે સંકળાયેલા અંતર્ભેદકો |
|
પ્રકાર | |||
સંવાદી | સિલ | લેકોલિથ | ફેકોલિથ |
રિંગડાઇક | લોપોલિથ | ||
વિસંવાદી | ડાઇક | બેથોલિથ | |
રિંગડાઇક | |||
કોન શીટ્સ | |||
જ્વાળામુખી કંઠ/દાટો | |||
અન્ય | ચોનોલિથ |
અંતર્ભેદકોનાં વિવિધ સ્વરૂપો તૈયાર થવાનો આધાર, મૅગ્મા જે ખડકોને ભેદે છે તેમનાં પ્રકૃતિ અને પ્રકાર; તેમાં મળી રહેતાં પોલાણોનાં આકાર, કદ અને પરિમાણ, તેમજ મૅગ્માની સ્નિગ્ધતા, તરલતા અને બંધારણ પર રહેલો છે. અંતર્ભેદિત ખડકો સાથે આ સ્વરૂપો સ્તર-સમાંતર કે સ્તર-ભેદિત પૈકી કેવા પ્રકારનો સંબંધ ધરાવે છે તેના પરથી અંતર્ભેદકોને સંવાદી અને વિસંવાદી એવા બે મુખ્ય પ્રકારોમાં, તેમજ આ સ્વરૂપો ક્ષિતિજસમાંતર, ઓછાવત્તા નમનવાળી ગેડીકરણ રહિત સ્તરશ્રેણીમાં મળે છે કે જટિલ ગેડીકરણ પામેલા પર્વતીય વિસ્તારોમાં મળે છે આ બંને સંજોગોના સંબંધક સંદર્ભમાં તેમને ભિન્ન ભિન્ન રચનાત્મક પ્રકારોમાં વર્ગીકૃત કરેલા છે, જે ઉપરના કોઠા પરથી સ્પષ્ટ થાય છે.
ગિરીશભાઈ પંડ્યા