અંજીર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus carica L. (સં. काकोदंबरिका, अंजीर; હિં. બં. મ. ગુ. અંજીર; અં. common fig. ફિગ) છે. તે પર્ણપાતી વૃક્ષ છે. તેનું મુખ્ય વાવેતર ભૂમધ્ય સમુદ્રના દેશોમાં, અફઘાનિસ્તાન અને અમેરિકામાં થાય છે. ભારતમાં પુણેની આસપાસ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં તેનું વાવેતર થાય છે. હાલમાં દુનિયાના અર્ધશુષ્ક (semi-arid) પ્રદેશોમાં તેનું વાવેતર થાય છે. વલસાડ જિલ્લામાં ફળાઉ ઝાડ તરીકે વવાય છે. મૂળ વતન દ. અરબસ્તાન. આદિમાનવે સંવર્ધિત કરેલ ફળોમાંનું આ એક છે.
ફળ ધારણ કરતું અંજીરનું વૃક્ષ 5 મીટરથી 8 મીટર સુધી ઊંચું હોય છે. પર્ણ ઘેરા લીલા રંગનાં ઊંડાં પંચખંડીય બરછટ હોય છે. તેનાં ફૂલ સામાન્ય રીતે નજરે ન ચડે તેવાં હોય છે, કારણ કે તે ગોળ માંસલ ઉદુમ્બરક(syconium)માં ગોઠવાયેલાં હોય છે, જે પરિપક્વ થયા પછી ફળમાં પરિણમે છે. પુષ્પાસન ઉપર એકલાં માદા ફૂલ જ હોય છે, ત્યારે તેના છિદ્ર પાસે નર પુષ્પો મળે છે, જે પરાગનયન (pollination) વિના ફળમાં પરિણમે છે. સ્મિર્ના પ્રકારના અંજીરમાં પણ એકલાં માદા ફૂલ હોય છે, પણ તેનું ફલિનીકરણ માદા પતંગિયા (Blastophaga psenes) પર લાગેલાં બીજાં જંગલી અંજીર(caprifig)ના પરાગ દ્વારા થાય છે. ફલિનીકરણ પછી માદા પતંગિયાનું શરીર ફળ સાથે એકરસ થઈ જાય છે. આ જાતની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલાં અંજીર મોટાં અને ઉત્તમ હોય છે. વ્યાપારિક જાત બીજ વગરની હોય છે, જે માટે પ્રસર્જન કટકાકલમથી થાય છે. તે ઉપરાંત ગુટીકલમ, પ્રકાંડ-ઉપરોપણ (grafting) તથા કલિકા-ઉપરોપણ(budding)થી પણ પ્રસર્જન શક્ય છે. પ્રસર્જન માટે જુલાઈથી સપ્ટેમ્બર, ફેબ્રુઆરી અને માર્ચ અનુકૂળ હોય છે. વધુ ફળના ઉત્પાદન માટે છાંટણી ઉપરાંત ડાળખીઓ ઉપર ઘીસી પાડવી (notching) જરૂરી હોય છે. ફળ પાકવાની શરૂઆત થાય ત્યારે છાલનો રંગ બદલાય છે. એપ્રિલ અને માર્ચ માસમાં આ પ્રક્રિયા ચાલે છે. સારા નિતારવાળી એક મીટર ઊંડાઈવાળી હલકી જમીનમાં વાવેતર સારી રીતે થાય છે. વધુ ભેજ સંઘરી શકે તેવી જમીન તેને માફક આવતી નથી. ખાતર જરૂરી છે. રસ્તાની બંને બાજુએ છાયાવૃક્ષ તરીકે ઉપયોગી.
અંજીરની જાતો : કેપ્રી (capri), સ્મિર્ના (smyrna), સફેદ સાન પૅડ્રો (San Padro) અને સામાન્ય એશિયાઈ. સ્મિર્ના અંજીર ઉનાળામાં ફળ આપે છે. સામાન્ય અને સાન પૅડ્રો પ્રકાર વસંતમાં પણ ફળ આપે છે, પણ તે માટે કૅપ્રીકરણ(caprification)ની જરૂર રહે છે. પાક વખતે વરસાદથી અંજીર બગડે છે. ભેજ વધુ હોય ત્યાં અંજીરનાં ફળ સુકાતાં નથી.
સામાન્ય અંજીરના ફળનો વિકાસ પરાગનયન (pollination) વિના થાય છે અને તેનું વાવેતર ભારતમાં કરવામાં આવે છે. ભારતમાં ખેતી થતી હોય તેવી વ્યાપારિક જાતોમાં મુખ્યત્વે પુણે અંજીર છે. અન્ય જાતોમાં બ્લૅક ઇલાયચી, બ્રાઉન તુર્કી, તુર્કિશ વ્હાઇટ, કાબુલ અને મિશન વગેરે છે.
પુણે વિસ્તારમાં તંદુરસ્ત ઝાડ ઉપરથી સરેરાશ 2૦થી 25 કિગ્રા. ફળ ઊતરે છે અને એક કિલો પાકાં અંજીરનો ભાવ રૂ. 15થી 25 રહે છે. હેક્ટરે સરેરાશ ઉત્પાદન 8,૦૦૦થી 1૦,૦૦૦ કિગ્રા. જેટલું મળે છે. લીલા અંજીરમાં પાણી 81 %; પ્રોટીન 12 %; તેલ ૦.4 %; કાર્બોહાઇડ્રેટ 16 %; વિટામિન એ, સી, થોડા પ્રમાણમાં બી1, બી2, બી6, નિકોટિનિક ઍસિડ, પૅન્ટોથેનિક ઍસિડ તથા પોટૅશિયમ, કૅલ્શિયમ, લોહ તથા ફૉસ્ફરસ હોય છે. સૂકા અંજીરમાં પાણી ઓછું હોય છે તેથી બીજા ઘટકોનું પ્રમાણ વધુ હોય છે, પણ વિટામિન-સી નાશ પામે છે. અંજીર રક્તવર્ધક, પાંડુતા મટાડનાર અને કબજિયાત દૂર કરનાર છે. વિશ્વમાં અંજીરનું વાવેતર 65,૦૦૦ હેક્ટરમાં (ઉત્પાદન 8,12,૦૦૦ ટન) અને ભારતમાં અંજીરનું વાવેતર લગભગ 4૦૦ હેક્ટરમાં થાય છે જેમાંથી ૩૦૦ હેક્ટરનો વિસ્તાર મહારાષ્ટ્રમાં (ઉત્પાદન 32,૦૦૦ ટન જેટલું થાય છે) છે.
જ. પુ. ભટ્ટ