અંગુલ : ઓડિસાના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન : 210. ૦૦’ ઉ. અ. અને 850 ૦૦’ પૂ. રે. આજુબાજુનો 6375 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સુંદરગઢ અને કેન્દુઝાર, પૂર્વમાં ધેનકાનલ, દક્ષિણમાં ફુલબાની, પૂરી અને કટક તથા પશ્ચિમમાં બાલાંગીર, સંબલપુર અને દેવગઢ જિલ્લાઓ આવેલા છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લો ત્રણ સ્પષ્ટ એકમોનો બનેલો છે. જિલ્લાની ઈશાન સરહદે 3૦૦થી 105૦ મીટર વચ્ચેની ઊંચાઈ ધરાવતી ટેકરીઓની હારમાળા છે. જિલ્લાની દક્ષિણ સરહદે વહેતી મહાનદીને સમાંતર ટેકરીઓની બીજી હારમાળાનો પ્રદેશ છે. આ બંને હારમાળાઓની વચ્ચે બ્રાહ્મણી નદીનો ખીણપ્રદેશ આવેલો છે. મલયગિરિ એ આ જિલ્લાનું 1187 મીટરની ઊંચાઈ ધરાવતું સર્વોચ્ચ શિખર છે. આ જિલ્લામાં પહાડોની સાથે સાથે સૂકાં, પર્ણપાતી પ્રકારનાં અયનવૃત્તીય જંગલો પણ આવેલાં છે. જંગલોની મુખ્ય પેદાશોમાં લાકડાં, વાંસ, અને કેન્દુનાં પાંદડાં તથા ગૌણ પેદાશોમાં લાખ, ગુંદર, મધ, મીણ, મહુડાનાં બીજ અને ફૂલ વગેરેનો સમાવેશ થાય છે. જિલ્લાની દક્ષિણ સરહદ રચતી મહાનદી અહીંની મુખ્ય નદી છે, બ્રાહ્મણી નદી જિલ્લાના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. આ બંને નદીઓને ઘણી શાખાનદીઓ પણ મળે છે.
ખેતી-સિંચાઈ-પશુપાલન : જિલ્લાની નદી-ખીણોમાં કાંપની જમીનો તૈયાર થયેલી છે. ત્યાંના મુખ્ય કૃષિ-પાકોમાં શેરડી, તમાકુ, ડાંગર, શાકભાજી તથા ફળોનો સમાવેશ થાય છે.
અહીંની કાળી જમીનોમાં તેલીબિયાં અને કઠોળ પણ થાય છે. ઊંચા ભૂમિભાગો તથા પહાડી ઢોળાવો પરની લાલ ગોરાડુ જમીનોમાં મગફળી, કપાસ, શકરિયાં, નારંગી અને લીંબુ થાય છે. રેતાળ, ગોરાડુ, કંકરયુક્ત જમીનોમાં રવી પાકો, કેરી, ડાંગર, મગ તેમજ શાકભાજી થાય છે. જિલ્લામાં નદી અને જળાશયોની સિંચાઈ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. તેથી મોટા ભાગની ખેતી વરસાદ ઉપરાંત કૂવાઓ મારફતે થાય છે.
જિલ્લામાં ભેંસ, બકરાં, તથા મરઘાં-ઉછેરનું પ્રમાણ સારું છે; થોડા પ્રમાણમાં ઘેટાં, ડુક્કર, ઘોડા અને ટટ્ટુઓ પણ છે. પશુઓ માટે જરૂરી સંવર્ધન-કેન્દ્રો, કૃત્રિમ ગર્ભાધાન-મથકો, પશુ-દવાખાનાં તેમજ ચિકિત્સાલયોની વ્યવસ્થા છે. મહાનદી અને બ્રાહ્મણી નદીની ખીણમાં આવેલું તાલ્ચીર કોલસા ક્ષેત્ર આર્થિક દૃષ્ટિએ મહત્વનું ગણાય છે. અહીંનો કોલસો રેલવેમાં, કાપડ અને કાગળની મિલોમાં, વીજઊર્જા-ઉત્પાદન-ક્ષેત્રમાં, સિમેન્ટ અને ખાતર-ઉદ્યોગોમાં ઉપયોગી બની રહે છે. અહીં લઘુ ઉદ્યોગ-એકમો પણ વિકસ્યા છે. જિલ્લામાં લાકડાનું રાચરચીલું, લોખંડનાં જડવાનાં ઉપકરણો (fittings), ખાતરો, પોશાકો, સાકર વગેરેનું ઉત્પાદન લેવાય છે; મગફળી, બીડી, લાકડાં, કોલસો, ખાતરો, લોખંડનાં જડવાનાં ઉપકરણો, પોશાકો વગેરેની નિકાસ તથા અનાજ, કરિયાણું, કાપડ, ખાંડ વગેરેની આયાત થાય છે.
પરિવહન : જિલ્લાનું પરિવહનક્ષેત્ર પૂરતા પ્રમાણમાં વિકસેલું નથી. મૂળ કોલસાની હેરફેર માટે વિકસાવાયેલો તાલ્ચીર રેલમાર્ગ 64 કિમી. લંબાઈનો છે. પહાડોને કારણે સડકમાર્ગો પણ વિકસ્યા નથી; તેમ છતાં જિલ્લાના તાલુકાઓ અને ઉપવિભાગો માર્ગોથી અન્યોન્ય જોડાયેલા છે. મહાનદી અને બ્રાહ્મણી નદી જળવ્યવહાર માટે ખૂબ ઉપયોગી બની રહેલી છે. મહાનદીનો 77 કિમી. જેટલો માર્ગ તથા બ્રાહ્મણી નદી જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ઉપયોગમાં લેવાય છે.
પ્રવાસન : આ જિલ્લો પ્રવાસનક્ષેત્રે ઠીક ઠીક પ્રમાણમાં વિકાસ પામેલો છે. (1) તિકરાપાડા : અંગુલ ઉપવિભાગનું એક નાનું ગામ. તે ઊંડા કોતરની બાજુમાં આવેલું છે. મહાનદી અહીં પહાડોની આજુબાજુ સર્પાકારે વહે છે. તેણે 22 કિમી. લાંબું ભારતનું મોટામાં મોટું કોતર રચ્યું છે; એટલું જ નહિ, દુનિયાભરમાં પણ તે ભવ્ય ગણાય છે. આ સ્થળ નૌકાવિહાર તેમજ અન્ય સાહસો માટે જાણીતું બનેલું છે. અહીંનાં જંગલોમાં જાતજાતનાં પ્રાણીઓ પણ વસે છે. તાજેતરમાં અહીં ઘડિયાળ(મગર)નું અભયારણ્ય બનાવવામાં આવેલું છે; આ બધાં કારણોથી તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે.
(2) તાલ્ચીર : ઓરિસાનું અગત્યનું કોલસાક્ષેત્ર. 1948 અગાઉ તે એક દેશી રાજ્ય હતું. વિલીનીકરણ બાદ અહીં જાતજાતના ઉદ્યોગો વિકસ્યા છે. નજીકનો 64 ચોકિમી.નો પ્રાણી-વનસ્પતિ ઉદ્યાન પ્રવાસીઓને માટે આકર્ષણનું સ્થળ બની રહેલો છે. ઉદ્યાનમાં પ્રવાસીઓ માટે માર્ગો સહિત દરેક પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે. ઉદ્યાન દીવાલથી આરક્ષિત છે. અહીં તાપવિદ્યુતમથક પણ તૈયાર કરવામાં આવ્યું છે. અહીંનું કૃત્રિમ ખાતરનું એકમ કદાચ દુનિયાભરમાં કોલસા-આધારિત મોટામાં મોટો એકમ ગણાય છે.
(૩) સારંગ : તાલ્ચીર નગરથી દક્ષિણે ૩ કિમી. અંતરે બ્રાહ્મણી નદીના જમણા કાંઠે સારંગ ખાતે શેષશાયી ભગવાન વિષ્ણુની મૂર્તિ છે, તેમના માથા પર નાગની ફેણ ફેલાયેલી છે. વિષ્ણુના નાભિકમળમાં બ્રહ્માજી પણ આસનસ્થ છે.
(4) ભીમાકંદ : તાલ્ચીરથી 29 કિમી. અંતરે ઉત્તરમાં વિષ્ણુની શેષશાયિની મૂર્તિ છે. સારંગ અને ભીમાકંદ બંને સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો બની રહેલાં છે.
(5) કુઆલો : તાલ્ચીરથી પૂર્વમાં 8 કિમી. અંતરે આવેલા કુઆલા ગામની બહાર કનકેશ્વર, બૈદ્યનાથ, પશ્ચિમેશ્વર બલુકેશ્વર અને કપિલેશ્વરનાં મંદિરો આવેલાં છે.
(6) દેવલાજહરિ : તાલ્ચીરથી 102 કિમી. તથા અથમલિકથી ૩ કિમી. અંતરે ઔષધીય મૂલ્ય ધરાવતો ગંધકયુક્ત ગરમ પાણીનો ઝરો આવેલો છે, જેનું ધાર્મિક મહત્વ પણ છે.
આ ઉપરાંત આ જિલ્લામાં શિવરાત્રિ, દોલયાત્રા, કાલિપૂજા, દુર્ગાપૂજા, બસંતીપૂજા, રામનવમી, અક્ષયતૃતીયા, સંક્રાન્તિપર્વ, ચંદનયાત્રા, રાજપર્વ, દશેરા જેવાં પર્વો કે મેળા અથવા ઉત્સવો ઊજવાય છે.
વસ્તી : આ જિલ્લાની વસ્તી 12,71,703 (2011) જેટલી છે. જિલ્લામાં ઉડિયા, હિન્દી તેમજ અંગ્રેજી ભાષાઓ બોલાય છે. જિલ્લાનાં લગભગ બધા નગરોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ છે. અંગુલ અને તાલ્ચીર ખાતે વિનયન અને વિજ્ઞાનના ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા પણ છે. જિલ્લાભરમાં જાહેર પુસ્તકાલયો, વાચનાલયો આવેલાં છે. તબીબી સેવા માટે હૉસ્પિટલો, કુટુંબનિયોજન-કેન્દ્રો તથા ક્ષય-ચિકિત્સાકેન્દ્ર છે.
વહીવટી સરળતા માટે જિલ્લાને ઉપવિભાગોમાં, તાલુકાઓમાં, સમાજવિકાસ ઘટકોમાં તેમજ ગ્રામપંચાયતોમાં વહેંચી નાખવામાં આવેલો છે.
ઇતિહાસ : 1993માં મૂળ ધેનકાનલ જિલ્લામાંથી અંગુલ, તાલ્ચીર, પલ્લાહરા અને અથમલિકના ઉપવિભાગોને લઈને અંગુલનો નવો જિલ્લો રચવામાં આવેલો છે, તેથી તેનો ઇતિહાસ ધેનકાનલ જિલ્લાની માહિતીમાં સમાવિષ્ટ છે.
ગિરીશભાઈ પંડ્યા