અંકલ ટૉમ્સ કૅબિન (1851) : ગુલામીની અમાનુષી પ્રથા વિશેની અમેરિકી નવલકથા. લેખિકા હૅરિયેટ બીચર સ્ટોવે (1811-1896). ‘નૅશનલ એરા’ સામયિકમાં હપતાવાર પ્રગટ થયેલી આ નવલકથાએ સાહિત્યજગતમાં સનસનાટી ફેલાવેલી. ગુજરાતી સહિત ભારતની અનેક ભાષાઓમાં તથા સંખ્યાબંધ વિદેશી ભાષાઓમાં તેના અનુવાદો પ્રગટ થયા છે. 1852માં આ નવલકથા પરથી જ્યૉર્જ એલ. ઐકીને તૈયાર કરેલ નાટક સો વર્ષ સુધી ભજવાયું હતું. આ નવલકથાને કારણે લેખિકા અમેરિકાના ઉત્તરનાં રાજ્યોની પ્રજાના પ્રેમ અને દક્ષિણનાં રાજ્યોની પ્રજાના ધિક્કારનું પાત્ર બન્યાં હતાં.
ટૉમકાકા આર્થર શેલ્બીની વાડી પર કામ કરનાર નિષ્ઠાવાન હબસી ગુલામ છે. તેની પત્ની રસોઈમાં પ્રવીણ છે. દેવું થઈ જવાથી શેલ્બીને ટૉમને ડાન હૅલી નામના ગુલામવિક્રેતાને વેચી દેવાની ફરજ પડે છે. ટૉમની સાથે હૅરી નામનો પાંચ વર્ષનો બાળક પણ વેચાય છે. હૅરીનો પિતા જ્યૉર્જ પત્ની અને બાળક સાથે નાસીને કૅનેડા જઈ સ્વતંત્ર થવા મથે છે. નાસી ગયેલાં ગુલામોને પકડવા માટે લૉકર અને માર્કસ નામના ગુંડાઓને રોકવામાં આવે છે. ભલા શેલ્બીને ત્યાંથી વેચાયેલાં ટૉમ અને તેની પત્ની નવા માલિકને ત્યાં પારાવાર જુલમો સહે છે. યાંત્રિક હોડી દ્વારા ન્યૂ ઑર્લિયન્સ જતાં મિસિસિપી નદીમાં ઈવા નામની છોકરીને ટૉમ બચાવે છે. ઈવા તેના પિતાને ટૉમને ખરીદી લેવા સમજાવે છે. ઈવા મૃત્યુ પામે છે. પછી તેના પિતાનું ઘર વેરાન થયું છે. ગુલામોની હરાજીમાં ટૉમ ફરી વેચાય છે. સાથે પંદર વર્ષની એમિલીના પણ વેચાય છે. નવો માલિક સિમોન લેગ્રી ક્રૂર છે. તે ટૉમને કામના બોજા નીચે કચડે છે. ટૉમ બાઇબલ વાંચીને આશ્વાસન લે છે. લેગ્રી તેના બે ગુલામો પાસે ટૉમને ચાબુકથી ફટકારાવે છે. એમિલીના લેગ્રીના પાશવી જુલમમાંથી પોતાને બચાવનાર કેસીના પ્રેમમાં પડે છે. બંને એક ભૂતિયા કહેવાતા ભંડકિયામાં સંતાઈ જાય છે. ટૉમ તેમની વાત જાણે છે, પણ ખૂબ માર પડવા છતાં કહેતો નથી. ટૉમનું મૃત્યુ થાય છે. જ્યૉર્જ શેલ્બી ટૉમને મુક્ત કરાવવા આવે છે, પણ મોડો પડે છે. નાસી જનારાં એમિલીના અને કેસીને શેલ્બી રક્ષણ આપે છે. સિમોન લેગ્રી ગાંડો થઈને મૃત્યુ પામે છે. જ્યૉર્જ શેલ્બી છેવટે પોતાની વાડીનાં બધાં ગુલામોને મુક્ત કરે છે. તેમાંનાં કેટલાંક પગારદાર નોકરો તરીકે રહે છે. શોષિત-પીડિત પ્રત્યે અનુકંપા જગાડતી આ નવલકથા સાદ્યંત વાચકના ચિત્તને જકડી રાખે છે. જગતની ઉત્તમ નવલકથાઓમાં તે સ્થાન પામેલી છે. અમેરિકામાં ગુલામીની પ્રથા નાબૂદ કરવા માટે આંદોલન જાગ્યું તેના એક કારણરૂપ આ નવલકથા પણ ગણાય છે.
સુરેશ શુક્લ
કૃષ્ણવદન જેટલી