હૈમશબ્દાનુશાસન

February, 2009

હૈમશબ્દાનુશાસન : સુપ્રસિદ્ધ ગુજરાતી જૈન લેખક આચાર્ય હેમચંદ્રે રચેલું વ્યાકરણ. એનું નામ મૂળમાં ‘સિદ્ધહેમચંદ્ર’ છે; પરંતુ તે ‘હૈમવ્યાકરણ’ કે ‘હૈમશબ્દાનુશાસન’ એવા નામે પ્રચલિત છે. ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહે ‘ભોજવ્યાકરણ’ જેવું વ્યાકરણ રચવાની પ્રેરણા કરવાથી આચાર્ય હેમચંદ્રે આચાર્ય પાણિનિની ‘અષ્ટાધ્યાયી’ મુજબ પોતાનું વ્યાકરણ લખ્યું એટલે રાજાના નામમાંથી सिद्ध શબ્દ અને પોતાના નામને જોડી ‘સિદ્ધહેમચંદ્ર’ નામ આપીને આ વ્યાકરણ લખેલું. આ વ્યાકરણને સોનાનાં પતરાં પર કોતરાવીને હાથીની અંબાડી પર મૂકી આખા પાટણમાં ફેરવીને બહુમાન કરેલું. આચાર્ય પાણિનિનો આધાર મુખ્યત્વે લેવા છતાં થોડાક ફેરફારો કરીને હેમચંદ્રાચાર્યે પોતાનું વ્યાકરણ રચ્યું છે. પાણિનિની વૈદિકી પ્રક્રિયા કાઢી નાખી સાત અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અને આઠમા અધ્યાયમાં પાંચ પ્રાકૃત ભાષાઓ અને અપભ્રંશ મળીને છ ભાષાઓનું વ્યાકરણ રજૂ થયું છે. વળી પાણિનિના સૂત્રક્રમમાં હેમચંદ્રે ફેરફારો કર્યા છે.

હૈમશબ્દાનુશાસનનો આરંભ અર્હતને નમસ્કાર કરી, સ્યાદ્વાદ અને લોકવ્યવહારમાંથી શબ્દોની સિદ્ધિ થાય છે એમ કહી કરવામાં આવ્યો છે. પ્રથમ અધ્યાયના પ્રથમ પાદમાં 24 સામાન્ય સંજ્ઞાઓ, બીજા પાદમાં સ્વરસંધિ, ત્રીજા પાદમાં વ્યંજનસંધિ અને અંતિમ ચોથા પાદમાં સ્વરાન્ત સ્યાદ્યન્તની વાત રજૂ થઈ છે. બીજા અધ્યાયના પહેલા પાદમાં વ્યંજનાન્ત સ્યાદ્યન્ત, બીજા પાદમાં કારક, ત્રીજા પાદમાં सत्व, ષત્વ, ણત્વ અને લત્વ અને વત્વ વિધિઓ, અને ચોથા પાદમાં સ્ત્રીપ્રત્યયની વાત છે. ત્રીજા અધ્યાયના પહેલા પાદમાં સમાસ, બીજા પાદમાં સમાસાન્ત કાર્યો, ત્રીજા પાદમાં દસ કાળના પ્રત્યયો અને ચોથા પાદમાં ધાતુઓના પ્રત્યયો અને ગણપ્રત્યયોની વાત છે. ચોથા અધ્યાયમાં પહેલા પાદમાં દ્વિત્વ અને કૃત્ય પ્રત્યયો, બીજા પાદમાં ધાતુવિકારો, ત્રીજા પાદમાં ગુણ, વૃદ્ધિ અને લોપ અને ચોથા પાદમાં ધાત્વાદેશનાં સૂત્રો રજૂ થયાં છે. પાંચમા અધ્યાયમાં પહેલા પાદમાં કૃદંતો, બીજા પાદમાં ભૂતકાળો, ત્રીજા પાદમાં ભવિષ્યકાળો અને ચોથા પાદમાં વર્તમાનકાળ અને सन् પ્રત્યયો ચર્ચવામાં આવ્યા છે. છઠ્ઠા અધ્યાયના પહેલા પાદથી માંડીને અંતિમ ચોથા પાદ સુધી તદ્ધિત પ્રત્યયો રજૂ થયા છે. સાતમા અધ્યાયમાં પહેલા પાદમાં य વગેરે તદ્ધિત પ્રત્યયો, બીજા પાદમાં સંજ્ઞા અને વિશેષણ બનાવનારા તદ્ધિત પ્રત્યયો, ત્રીજા પાદમાં સમાસોને લાગતા તદ્ધિત પ્રત્યયો અને ચોથા પાદમાં તદ્ધિત પ્રત્યયો લાગે પછી થતા ફેરફારો, પ્લુત અને પરિભાષા તથા સ્થાનીવદ્ ભાવની ચર્ચા કરી છે. અહીં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ સમાપ્ત થાય છે. આઠમા અધ્યાયમાં પ્રાકૃત (મહારાષ્ટ્રી), શૌરસેની, માગધી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ ભાષાઓના વ્યાકરણના નિયમો રજૂ કર્યા છે. એમાં અપભ્રંશનું વ્યાકરણ હેમચંદ્રનું મૌલિક પ્રદાન છે. આઠ અધ્યાયો અને 32 પાદમાં કુલ 5691 સૂત્રો છે તેમાં 1006 સૂત્રો ઉણાદિ સૂત્રો છે એ સંસ્કૃત ભાષા માટેનાં છે. આઠમા અધ્યાયના પ્રાકૃત ભાષાના વ્યાકરણનાં 1119 સૂત્રો છે અને સંસ્કૃત ભાષાના સાત અધ્યાયોની સૂત્રસંખ્યા 3566 છે.

પોતાનાં આ સૂત્રો પર હેમચંદ્રે પોતે જ બે વૃત્તિઓ લખી છે : (1) ‘लघुवृत्ति’ અને (2) ‘बृहतवृत्ति’. તદુપરાંત તેના પર હેમચંદ્રે ‘वृहन्न्यास’ લખ્યો છે અને हैमलिंगानुशासन સ્વતંત્ર રીતે હેમચંદ્રે લખ્યો છે તેના પર કલ્યાણસાગરે વ્યાખ્યા (ટીકા) લખી છે. ધાતુઓ વિશે પુણ્યસુંદરે ‘हैमधातुव्याख्या’ લખી છે. નંદસુંદરે ‘હૈમશબ્દાનુશાસન’ પર ‘અવચૂરિ વૃત્તિ’ લખી છે અને દેવેન્દ્રસૂરિએ ‘હૈમવ્યાકરણ’ પર ‘लघुन्यास’ લખ્યો છે. 17મી સદીમાં મેઘવિજયે ‘हैमकौमुदी’ રચી છે. આ વ્યાકરણ રચવામાં આચાર્ય હેમચંદ્રનો ઉદ્દેશ વ્યાકરણના નિયમોમાં સરળતા લાવવાનો છે. હેમચંદ્રે કેટલાંક સૂત્રો પાણિનિનાં સ્વીકાર્યાં છે. આ વ્યાકરણ ગુજરાતની કીર્તિ વધારનારું છે.

પ્ર. ઉ. શાસ્ત્રી