હૈફા : ઈશાન ઇઝરાયલમાં આવેલું શહેર, બંદર, મહત્ત્વનું ઉત્પાદક મથક, સાંસ્કૃતિક કેન્દ્ર તથા હૈફા પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 32° 50´ ઉ. અ. અને 35° 00´ પૂ. રે. પર માઉન્ટ કાર્મેલની તળેટીમાં તે વસેલું છે. તે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ છેડા ખાતે હૈફાના ઉપસાગર પર પથરાયેલું છે. વિસ્તાર : 854 ચોકિમી..

હૈફા શહેર ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે. માઉન્ટ કાર્મેલની આજુબાજુ પથરાયેલા તળેટી વિભાગમાં બંદરી સુવિધાઓ, ગોદામો, આવાસો અને છૂટીછવાઈ ઝૂંપડપટ્ટીઓ આવેલાં છે. પહાડી ઢોળાવો પર મુખ્ય ધંધાકીય વિભાગ છે. ઊંચાઈ પર આવાસો, ઉદ્યાનો અને બાગબગીચા આવેલાં છે.

હૈફામાંનાં ઘણાં ધાર્મિક સ્થળો ભૂમિચિહ્નો રૂપે જોવા મળે છે. તેમાં બહાઈ મંદિર, માઉન્ટ કાર્મેલની અવર લેડીનો મઠ તથા એલિજાહની ગુફા(પયગંબર એલિજાહ દુશ્મનોથી સંતાવા જેમાં રહેલો તે ગુફા)નો સમાવેશ થાય છે.

હૈફા બંદર

હૈફાના ઉદ્યોગોમાં તેલ-શુદ્ધીકરણ, સિમેન્ટ, રસાયણો, વીજાણુસાધનો, કાચ, કાપડ અને પોલાદના એકમો મુખ્ય છે. હૈફા જહાજવાડાનું તથા રેલમાર્ગનું કેન્દ્ર પણ છે. આ શહેરમાં બે યુનિવર્સિટીઓ પણ આવેલી છે.

હૈફાના સ્ટેલા મૅરિસ મઠ ખાતે નેપોલિયનના સૈનિકોનું સ્મારક

ઇતિહાસ : આજે જ્યાં હૈફા આવેલું છે ત્યાં 3000 વર્ષ અગાઉ પણ લોકો રહેતા હતા. 1100માં કેટલાક યોદ્ધાઓએ, 1799માં નેપોલિયને અને તે પછી 1839માં ઇજિપ્તે હૈફા લઈ લીધેલું. નેપોલિયનના શહીદ થયેલા સૈનિકોનું સ્મારક અહીં ઊભું કરવામાં આવ્યું છે. 1840માં ઇજિપ્તે હૈફા ટર્કીને સોંપી દીધેલું. ઓગણીસમી સદીના મધ્યભાગમાં હૈફા એક નાનકડું નગર હતું. એ વખતે તે માત્ર બંદર તરીકે ઉપયોગમાં લેવાતું હતું. 1918માં બ્રિટને તેનો કબજો મેળવેલો. 1922માં તે પેલેસ્ટાઇનના એક ભાગ તરીકે સ્વીકારાયું. 1948–49ની આરબ–ઇઝરાયલી લડાઈ દરમિયાન આરબોએ ઇઝરાયલ સામે શરણાગતિ સ્વીકારેલી.

2005 મુજબ હૈફાની વસ્તી 8,58,800 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા