હેત્વાભાસો : ખરેખર હેતુ ન હોવા છતાં હેતુ જેવા દેખાય તે હેત્વાભાસ. તર્કશાસ્ત્ર કે ન્યાયશાસ્ત્રમાં હેત્વાભાસ એ એક મહત્વનો વિષય છે. ન્યાયશાસ્ત્રના આધારભૂત ગ્રંથ ન્યાયસૂત્રમાં અક્ષપાદ-મુનિએ પ્રમાણ, પ્રમેય, સંશય વગેરે 16 પદાર્થો ગણાવ્યા છે (ન્યા. સૂ. 1–1–1). સોળ પદાર્થોમાં તેરમો પદાર્થ હેત્વાભાસ છે. મોક્ષપ્રાપ્તિના સાધનરૂપ તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે હેત્વાભાસના જ્ઞાનની પણ જરૂર છે.

બીજું, ન્યાયસૂત્ર(1–1–1)માં ગણાવેલા સોળ પદાર્થોમાં અંતિમ પદાર્થ નિગ્રહસ્થાન છે. નિગ્રહ એટલે પ્રતિવાદીને તેના તર્કમાં રહેલો દોષ બતાવીને પરાજિત કરવો. ન્યાયસૂત્ર(5–2–1)માં બાવીસ નિગ્રહસ્થાન ગણાવેલાં છે. તેમાં બાવીસમું નિગ્રહસ્થાન એ હેત્વાભાસ છે. આમ હેત્વાભાસોનો સમાવેશ નિગ્રહસ્થાન નામના પદાર્થમાં થતો હોવા છતાં હેત્વાભાસોને, ન્યાયસૂત્રમાં ગણાવેલા સોળ પદાર્થોમાં તેરમા સ્વતંત્ર પદાર્થ તરીકે પણ સ્થાન આપેલ છે; કારણ કે વાદ નામની વિશિષ્ટ ચર્ચામાં હેત્વાભાસોને સ્પષ્ટ રીતે બતાવી આપવાના હોય છે (निग्रहस्थानेभ्य: पृथक् उपदिष्टा: हेत्वाभासा: वादे चोदनीया: । ન્યાયભાષ્ય, ન્યાયસૂત્ર 1—1—1).

આ શબ્દમાં હેતુ અને આભાસ બે પદો છે. હેતુનો આભાસ તે હેત્વાભાસ  દુષ્ટ હેતુ (हेतुवद् आभासन्ते इति हेत्वाभासा: दुष्टहेतव: । તર્કસંગ્રહ ઉપરની, ગોવર્ધનકૃત ટીકા ન્યાયબોધિની). વ્યાપ્તિ સાથેના ઉદાહરણના આધારે સાધ્યને સિદ્ધ કરી આપનાર સાધનને હેતુ કહે છે. જેમ કે, જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ હોય એ વ્યાપ્તિ છે. રસોડામાં ધૂમ સાથે અગ્નિ પણ છે. આવા જ્ઞાન સાથે કોઈક પર્વત ઉપર ધૂમને જુએ તો ત્યાં અગ્નિ હોવો જોઈએ એવું અનુમાન કરે છે. અહીં ધૂમ એ, પર્વત ઉપર અગ્નિને સિદ્ધ કરી આપનાર સાધન અથવા હેતુ છે (उदाहरणसाधर्म्यात् साध्यसाधनं हेतु: ।। —  ન્યાયસૂત્ર 1—1—34).

સાચા હેતુનાં પાંચ લક્ષણો છે : (1) પક્ષસત્વ, ધૂમ હેતુ પર્વતરૂપી પક્ષમાં હોવો જોઈએ; (2) સપક્ષસત્વ, ધૂમ હેતુ જ્યાં નિશ્ચિત રીતે સાધ્ય અગ્નિ હોય તેવા સપક્ષમાં (રસોડામાં) હોવો જોઈએ; (3) વિપક્ષ-અસત્વ, વિપક્ષ એટલે કે જ્યાં સાધ્ય અગ્નિ નિશ્ચિત રીતે ન રહેતો હોય ત્યાં ધૂમ ન હોવો જોઈએ; (4) અસત્પ્રતિ-પક્ષત્વ અર્થાત્ સાધ્ય અગ્નિના અભાવને સિદ્ધ કરનાર બીજો તુલ્યબળવાળો હેતુ ન હોવો જોઈએ; (5) અબાધિતત્વ એટલે કે હેતુ પ્રત્યક્ષ વગેરે બીજા પ્રમાણથી બાધિત ન થવો જોઈએ. હેતુમાં આ લક્ષણો ન હોય ત્યારે હેત્વાભાસો રચાય છે.

અન્નંભટ્ટે તર્કસંગ્રહમાં સરલ રીતે હેત્વાભાસોનું નિરૂપણ કરેલું છે. હેત્વાભાસો પાંચ છે : (1) સવ્યભિચાર, (2) વિરુદ્ધ, (3) સત્પ્રતિપક્ષ, (4) અસિદ્ધ, (5) બાધિત. આ પાંચ હેત્વાભાસો વિશે આપણે ક્રમશ: વિચારીએ.

(1) સવ્યભિચાર હેત્વાભાસ : જે હેતુ વ્યભિચાર સાથે રહે તે સ-વ્યભિચાર. સાધ્ય(અગ્નિ)ની સાથે જ ધૂમ રહે તે હેતુનો સાધ્ય સાથેનો સહચાર કહેવાય. સાધ્ય ન હોય ત્યાં પણ જો હેતુ રહે તો હેતુનો સાધ્ય સાથેનો વ્યભિચાર કહેવાય. આ સવ્યભિચાર હેત્વાભાસને અનૈકાન્તિક પણ કહે છે. માત્ર એક જ (સાધ્ય) સાથે રહે તે ઐકાન્તિક હેતુ અને સાધ્યના અભાવ સાથે પણ રહે તે અનૈકાન્તિક હેત્વાભાસ.

આ સવ્યભિચાર હેત્વાભાસના ત્રણ પ્રકારો છે : (1) સાધારણ સવ્યભિચાર હેત્વાભાસ, (2) અસાધારણ સવ્યભિચાર હેત્વાભાસ, (3) અનુપસંહારી સવ્યભિચાર હેત્વાભાસ. તેમાં જે હેતુ સાધ્ય હોય ત્યાં રહે તદુપરાંત સાધ્યના અભાવવાળા સ્થાનમાં પણ રહે તે અનૈકાન્તિક સાધારણ હેત્વાભાસ. જેમ કે પર્વત અગ્નિવાળો છે; કારણ કે પર્વત પ્રમેય છે – પ્રત્યક્ષ પ્રમાણથી થતી પ્રમા કે જ્ઞાનનો વિષય બને છે. હવે આ અનુમાનમાં પ્રમેયપણું એ હેતુ તો, અગ્નિ ન હોય તેવા જલાશયમાં પણ રહે છે; કારણ કે જેમ પર્વત પ્રમેય છે તેમ જલાશય પણ આંખથી થતા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બને છે. તેથી પ્રમેયત્વ એ હેતુ પર્વત ઉપર અગ્નિ છે એમ સિદ્ધ કરી શકતો નથી. એટલે આ ઉદાહરણમાં પ્રમેયત્વ એ હેતુ નથી પણ સાધારણ અનૈકાન્તિક હેત્વાભાસ છે. સાધ્ય હોય ત્યાં અને સાધ્ય ન હોય ત્યાં બંને સ્થળે સમાન રીતે રહે તે સાધારણ. (पर्वतो वह्निमान् प्रमेयत्वात् इति प्रमेयत्वस्य वहिन-अभाववति हृदे विद्यमानत्वात् ।)

હવે સવ્યભિચાર હેત્વાભાસનો બીજો પ્રકાર તે અસાધારણ સવ્યભિચાર. જે હેતુ નિશ્ચિત રીતે સાધ્ય હોય ત્યાં સપક્ષમાં ન રહેતો હોય અને નિશ્ચિત રીતે સાધ્ય ન હોય ત્યાં વિપક્ષમાં પણ ન રહેતો હોય તે હેતુને અસાધારણ સવ્યભિચાર હેત્વાભાસ કહે છે. જેમ કે શબ્દ નિત્ય છે, કારણ કે શબ્દમાં શબ્દત્વ રહેલું છે. અહીં શબ્દ પક્ષ છે, નિત્યત્વ એ સાધ્ય છે અને શબ્દત્વ હેતુ છે. આ શબ્દત્વ હેતુ, જગતના કોઈ પણ નિત્ય અને અનિત્ય પદાર્થની સાથે રહેતો નથી. શબ્દત્વ હેતુ માત્ર એક શબ્દપદાર્થમાં જ રહે છે. તેથી અહીં શબ્દત્વ હેતુ શબ્દને નિત્ય સિદ્ધ કરી શકતો નથી અને જેમ શબ્દમાં રહે છે તેમ બીજે ક્યાંય સમાન રીતે રહેતો નથી તેથી આ અસાધારણ સવ્યભિચાર હેત્વાભાસ છે. (शब्द: नित्य: शब्दत्वात् ।)

સવ્યભિચાર હેત્વાભાસનો ત્રીજો પ્રકાર તે અનુપસંહારી. જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ હોય, જેમ કે રસોડું – આ અન્વય દૃષ્ટાંત અને જ્યાં અગ્નિનો અભાવ હોય ત્યાં ધૂમનો અભાવ હોય તે વ્યતિરેક (અભાવ) દૃષ્ટાંત. આવાં બંનેમાંથી એક પણ દષ્ટાંત વગરનો જે હેતુ હોય તે અનુપસંહારી સવ્યભિચાર હેત્વાભાસ. જેમ કે, સર્વ અનિત્ય છે, કારણ કે સર્વ પ્રમેય છે  પ્રમેય એટલે જ્ઞાનનો વિષય. અહીં ‘સર્વ’ એ પક્ષ છે. તેથી બધું સર્વમાં સમાઈ જતું હોવાથી દૃષ્ટાંત માટે કોઈ પદાર્થ બાકી રહેતો નથી. આમ જે હેતુ સાથે સાધ્યને રહેતું બતાવવા દષ્ટાંત ન મળે તે અનુપસંહારી સવ્યભિચાર હેત્વાભાસ. (सर्वम् अनित्यम् प्रमेयत्वात् ।)

(2) વિરુદ્ધ હેત્વાભાસ : જે હેતુ સાધ્યના અભાવથી વ્યાપ્ત હોય તે હેતુને વિરુદ્ધ હેત્વાભાસ કહે છે. જેમ કે શબ્દ નિત્ય છે, કારણ કે શબ્દ કૃતક છે – કૃતક એટલે પ્રયત્નરચિત છે. અહીં શબ્દ પક્ષ છે, નિત્યત્વ સાધ્ય છે અને કૃતકપણું હેતુ છે. હવે ખરેખર તો જે પદાર્થ ક્રિયા દ્વારા પ્રયત્નથી રચેલો હોય તે પદાર્થ હંમેશાં અનિત્ય જ હોય. જેમ કે ઘટ એ કૃતક છે તેથી અનિત્ય છે. આમ અહીં કૃતકત્વ હેતુ અનિત્યપણાથી વ્યાપ્ત છે. એટલે કૃતકત્વ હેતુ શબ્દને નિત્ય સિદ્ધ કરી શકે નહીં પણ નિત્યત્વથી વિરુદ્ધ અનિત્યત્વ શબ્દમાં સિદ્ધ કરે. તેથી અહીં કૃતકત્વ હેતુ, શબ્દને નિત્ય સિદ્ધ કરી આપવાની બાબતમાં વિરુદ્ધ હેત્વાભાસ છે. (शब्दः नित्यः कृतकत्वात् ।)

(3) સત્પ્રતિપક્ષ હેત્વાભાસ : જે હેતુની સામે, સાધ્યના અભાવને સિદ્ધ કરી આપનારો તુલ્યબળવાળો બીજો હેતુ વિદ્યમાન હોય તે હેતુને સત્પ્રતિપક્ષ હેત્વાભાસ કહેવાય (सत्-सन् विद्यमान: प्रतिपक्ष: यस्यस:). જેમ કે શબ્દ નિત્ય છે, કારણ કે શબ્દમાં શ્રાવણત્વ છે અર્થાત્ શ્રવણેન્દ્રિયથી સાંભળી શકાય તેવો ધર્મ છે. અહીં શબ્દ પક્ષ છે, નિત્યત્વ સાધ્ય છે અને શ્રાવણત્વ એ હેતુ છે. હવે બીજું અનુમાન શબ્દ અનિત્ય છે, કારણ કે શબ્દ કાર્ય છે. જે પદાર્થ કાર્યરૂપ હોય તે પદાર્થ અનિત્ય જ હોય, જેમ કે ઘટ.

પ્રથમ ઉદાહરણમાં શબ્દત્વ દૃષ્ટાંત છે. સામાન્ય અથવા જાતિ નિત્ય મનાય છે. એટલે શબ્દત્વ નિત્ય છે. ન્યાયશાસ્ત્રનો એક પ્રસિદ્ધ નિયમ છે કે જે ઇન્દ્રિયથી પદાર્થનું ગ્રહણ થાય તે જ ઇન્દ્રિયથી પદાર્થની જાતિનું પણ ગ્રહણ થાય. (येन इन्द्रियेण यद् गृह्यते तेन इन्द्रियेण तत्-निष्ठा जातिः गृह्यते ।) એટલે શબ્દ શ્રાવણ છે  શ્રવણેન્દ્રિયથી ગૃહીત થાય છે તેમ શબ્દત્વ પણ શ્રવણેન્દ્રિયથી ગૃહીત થાય છે. તેથી શબ્દત્વ શ્રાવણ છે અને નિત્ય છે તેમ શબ્દ પણ શ્રવણેન્દ્રિયથી ગૃહીત હોવાથી નિત્ય છે.

આમ અહીં શ્રાવણત્વ હેતુ શબ્દને નિત્ય સિદ્ધ કરે છે; પરંતુ તે હેતુની સામે તુલ્યબળવાળો બીજો હેતુ કાર્યત્વ એ, શબ્દને અનિત્ય સિદ્ધ કરે છે. તેથી શ્રાવણત્વ એ સત્પ્રતિપક્ષ હેત્વાભાસ છે.

(शब्दो नित्य: श्रावणत्वात् शब्दत्ववत् । शब्द: अनित्य: कार्यत्वात् घटवत् ।)

(4) અસિદ્ધ હેત્વાભાસ : આ હેત્વાભાસના 3 પ્રકાર છે : (i) આશ્રય-અસિદ્ધ, (ii) સ્વરૂપ-અસિદ્ધ, (iii) વ્યાપ્યત્વ-અસિદ્ધ.

(i) આશ્રયઅસિદ્ધ હેત્વાભાસ : જેમ કે આકાશ-કમલ સુગંધી છે, કારણ કે આકાશ-કમલ એ કમલ છે. અહીં આકાશ-કમલ પક્ષ છે, સુગંધીપણું સાધ્ય છે અને કમલ હોવું એ હેતુ છે. સરોવરમાં ઊગેલું કમલ સુગંધી હોય તેમ આકાશ-કમલ પણ એક કમલ હોવાથી સુગંધી છે – આ દૃષ્ટાંત છે. અહીં આકાશ-કમલ કમલપણું એ હેતુનો આશ્રય છે (જેમ પર્વત ધૂમરૂપી હેતુનો આશ્રય હોય તેમ); પરંતુ આકાશ-કમલનું અસ્તિત્વ જ નથી. આકાશમાં કદી કમલ ઊગતું જ નથી. એટલે ‘કમલપણાથી’ એ હેતુના આશ્રયરૂપ બનતું આકાશ-કમલ અસ્તિત્વમાં જ નથી. તેથી હેતુનો આશ્રય સિદ્ધ ન હોવાથી, ‘કમલપણાથી’ એ હેતુને આશ્રય-અસિદ્ધ હેત્વાભાસ કહે છે. (गगन-अरविन्दं सुरभि, अरविन्दत्वात्, सरोज-अरविन्द्रवत् ।)

(ii) સ્વરૂપઅસિદ્ધ હેત્વાભાસ : જે હેતુનું સ્વરૂપ સિદ્ધ ન હોય તે સ્વરૂપ-અસિદ્ધ હેત્વાભાસ. જેમ કે શબ્દ ગુણ છે, કારણ કે શબ્દ ચાક્ષુષ છે – ચક્ષુથી કે આંખથી જોઈ શકાય તેવો છે. અહીં શબ્દ પક્ષ છે, ગુણત્વ એ સાધ્ય છે અને શબ્દનું ચાક્ષુષપણું એ હેતુ છે. હવે શબ્દ તો ખરેખર શ્રાવણ છે – શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય છે, ચાક્ષુષ નથી  આંખથી શબ્દ દેખાતો નથી. તેથી ચાક્ષુષત્વ હેતુને શબ્દમાં રહેતો બતાવવો એ સ્વરૂપથી જ અસિદ્ધ છે. શબ્દનું સ્વરૂપ શ્રાવણ છે – શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય છે; ચાક્ષુષ નથી. તેથી અહીં ચાક્ષુષત્વ એ હેતુ સ્વરૂપ-અસિદ્ધ હેત્વાભાસ છે.

(iii) વ્યાપ્યત્વઅસિદ્ધ હેત્વાભાસ : અનુમાનના આધારરૂપ વ્યાપ્તિમાં સાધ્ય વ્યાપક (વધારે સ્થાનોમાં રહેતું) હોવું જોઈએ અને હેતુ વ્યાપ્ય (સાધ્ય રહે તે સ્થાનોનાં કરતાં ઓછાં સ્થાનોમાં રહેતો) હોવો જોઈએ. પ્રસિદ્ધ દૃષ્ટાંતમાં અગ્નિ વ્યાપક છે – જ્યાં ધૂમ રહે ત્યાં તો અગ્નિ રહે છે, ઉપરાંત જ્યાં ધૂમ ન હોય તેવા સ્થાનમાં – લોખંડના ધગધગતા ગોળામાં પણ અગ્નિ રહે છે. ધૂમ અગ્નિ કરતાં ઓછાં સ્થાનોમાં રહે છે તેથી વ્યાપ્ય છે. હેતુ વ્યાપ્ય તરીકે સિદ્ધ થાય તો જ તે હેતુ વ્યાપક એવા સાધ્યનું અનુમિતિજ્ઞાન ઉત્પન્ન કરી શકે. ધૂમ વ્યાપ્ય છે તેથી જ ધૂમને પર્વત ઉપર જોઈને ત્યાં અગ્નિ હોવો જોઈએ એવું અનુમિતિજ્ઞાન ઉત્પન્ન થાય; પરંતુ જ્યાં હેતુનું, સાધ્યની અપેક્ષાએ વ્યાપ્યત્વ સિદ્ધ ન થાય ત્યાં વ્યાપ્યત્વ – અસિદ્ધ હેત્વાભાસ બને છે. જેમ કે પર્વત ધૂમવાળો છે, કારણ કે પર્વત અગ્નિવાળો છે. અહીં પર્વત પક્ષ છે, ધૂમ સાધ્ય છે અને પર્વતનું અગ્નિવાળા હોવું અથવા અગ્નિ એ હેતુ છે. અહીં ધૂમ સાધ્યની અપેક્ષાએ, હેતુ અગ્નિનું વ્યાપ્યત્વ સિદ્ધ થતું નથી. એટલે પર્વત ઉપર અગ્નિને જોઈને ત્યાં ધૂમ હોવો જ જોઈએ એવું અનુમાન કરી શકાય નહીં, કારણ કે ધૂમ વગરનો અગ્નિ પણ હોઈ શકે. તેથી અહીં પર્વતનું અગ્નિયુક્ત હોવું એ હેતુવ્યાપ્યત્વ – અસિદ્ધ હેત્વાભાસ છે.

હવે જો અગ્નિને ધૂમની અપેક્ષાએ વ્યાપ્ય બનાવવો હોય તો અગ્નિની સાથે એક ઉપાધિ (પરિસ્થિતિ કે શરત) જોડવી પડે. એ ઉપાધિ છે આર્દ્રેન્ધન-સંયોગ – ભીના લાકડાનો અગ્નિ સાથે સંયોગ. આ ઉપાધિવાળા (સ + ઉપાધિક) હેતુથી સાચું અનુમાન રચી શકાય. પર્વત ધૂમવાળો છે, કારણ કે પર્વત ભીના લાકડાથી યુક્ત અગ્નિવાળો છે. આમ ઉપાધિની અપેક્ષા રાખે તેવા હેત્વાભાસને સોપાધિક વ્યાપ્યત્વ-અસિદ્ધ હેત્વાભાસ કહે છે. (पर्वतो धूमवान् वहिनमत्वात् इत्यत्र आर्देन्धनसंयोग : उपाधि: ।)

(5) બાધિત હેત્વાભાસ : જે હેતુથી સિદ્ધ કરવાના સાધ્યનો અભાવ બીજા પ્રમાણથી નિશ્ચિત થઈ જાય તે હેતુને બાધિત હેત્વાભાસ કહેવાય. જેમ કે અગ્નિ અન્-ઉષ્ણ છે – ગરમ નથી; કારણ કે અગ્નિ દ્રવ્ય છે. અહીં અગ્નિ પક્ષ છે, અનુષ્ણત્વ અર્થાત્ ગરમ ન હોવું એ સાધ્ય છે અને અગ્નિનું દ્રવ્યપણું એ હેતુ છે; પરંતુ અહીં દ્રવ્યત્વ હેતુ અગ્નિને અનુષ્ણ (અ-ગરમ) સિદ્ધ કરવા પ્રયુક્ત થાય તેની પહેલાં સ્પર્શ-પ્રત્યક્ષથી અગ્નિ ઉષ્ણ સિદ્ધ થઈ જાય છે. એટલે દ્રવ્યત્વ હેતુ અગ્નિને અનુષ્ણ સાબિત કરવામાંથી અટકી પડે છે – બાધિત થઈ જાય છે. સ્પર્શ-પ્રત્યક્ષ પ્રમાણ એ બાધક બને છે. અહીં દ્રવ્યત્વ હેતુને બાધિત હેત્વાભાસ કહે છે. આમ આપણે પાંચ હેત્વાભાસોના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કર્યો.

અક્ષપાદ (બીજું નામ ગૌતમ) સૂત્ર(ન્યાયસૂત્ર 124)માં પાંચ હેત્વાભાસો ગણાવે છે : (1) સવ્યભિચાર, (2) વિરુદ્ધ, (3) પ્રકરણસમ, (4) સાધ્યસમ, (5) કાલાતીત. આમાંના પ્રથમ બે તો અન્નંભટ્ટે આપેલા હેત્વાભાસની સાથે સમાન છે. પ્રકરણસમ એ જ અન્નંભટ્ટ દ્વારા નિરૂપિત સત્પ્રતિપક્ષ છે, તેમ જ સાધ્યસમ એ અસિદ્ધ હેત્વાભાસ છે અને કાલાતીત એ બાધિત હેત્વાભાસ છે. અગ્નિ અન્-ઉષ્ણ છે એમ સિદ્ધ કરવા દ્રવ્યત્વ હેતુ પ્રયોજાય તેની પહેલાં સ્પર્શ-પ્રત્યક્ષથી અગ્નિ ઉષ્ણ છે એમ સિદ્ધ થઈ ગયું હોય છે. એટલે દ્રવ્યત્વ હેતુને પ્રયોજવાનો કાલ અતીત થઈ ગયો – જતો રહ્યો છે તેથી અક્ષપાદ ન્યાયસૂત્રમાં બાધિત હેત્વાભાસને કાલાતીત કહે છે.

કોઈક કુતાર્કિક ભળતા હેતુને – હેત્વાભાસને આધારે કાંઈક વિપરીત સિદ્ધ કરી ન દે એ માટે વાદ-ચર્ચામાં હેત્વાભાસોનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. તર્કશાસ્ત્ર કે ન્યાયશાસ્ત્રનો કોઈ ગ્રંથ હેત્વાભાસોના નિરૂપણ વિના પૂર્ણ થઈ શકે નહીં.

લક્ષ્મેશ જોષી