હિપ્સોમીટર (Hypsometer) : ઊંચાઈ માપવાનું સાધન. તે વિમાનોમાં તેમજ ભૂમિ પરના સર્વેક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે. સમુદ્રસપાટીથી ઊંચાઈએ જતાં વાતાવરણનું દબાણ ઘટે છે, તે સિદ્ધાંત પર આ સાધન કાર્ય કરે છે. સમુદ્રસપાટીએ વાતાવરણનું દબાણ 760 મિમી. હોય છે, તે સૂત્રને આધારે ઊંચાઈ તેમજ દબાણમાં થતો વધારોઘટાડો જાણી શકાય છે.

પ્રવાહીના ઉત્કલનબિંદુ પર વાતાવરણના દબાણની અસર થતી હોય છે, તે મુજબ કામ કરતા સાધનને હિપ્સોમીટર કહે છે. આ સાધન નળાકાર હોય છે, તેમાં પ્રવાહી (મોટે ભાગે પાણી) ઉકાળવામાં આવે છે, નળાકાર પાત્રની ફરતે આવરણ તરીકે બીજું પણ એક પાત્ર રાખેલું હોય છે. તેમાં રાખેલા તાપમાપકની આજુબાજુ જળબાષ્પ ફરે છે, તાપમાપકમાંથી તાપમાન નોંધાય છે. જેમ ઊંચાઈ વધુ તેમ દબાણ ઓછું અને તાપમાન પણ ઓછું, તે મુજબ જળના ઉત્કલનબિંદુ પર અસર થાય છે. ઉત્કલનબિંદુના વ્યસ્ત પ્રમાણ પરથી ઊંચાઈ જાણી શકાય છે.

નીતિન કોઠારી