હાર્વર્ડ યુનિવર્સિટી

February, 2009

હાર્વર્ડ યુનિવર્સિટી : અમેરિકાની સૌથી જૂની, સૌથી મોટી અને વિશ્વની અગ્રિમ પંક્તિની યુનિવર્સિટી. આ યુનિવર્સિટી મૅસેચૂસેટ્સ રાજ્યમાં કેમ્બ્રિજ, બૉસ્ટન પાસે અને ચાર્લ્સ નદીના કિનારે આવેલી છે. પ્રારંભમાં તેની સ્થાપના હાર્વર્ડ કૉલેજ તરીકે 10 ઑક્ટોબર, 1636માં જનરલ કૉર્ટ ઑવ્ મૅસેચૂસેટ્સ બે કૉલોનીના ઠરાવ પછી થઈ હતી. પ્રારંભમાં આ સ્થળનું નામ ન્યૂટાઉન હતું, જે બદલીને કેમ્બ્રિજ રાખવામાં આવ્યું. ઈ. સ. 1780માં તે હાર્વર્ડ યુનિવર્સિટીમાં રૂપાંતરિત થઈ. હાર્વર્ડ યુનિવર્સિટી નામ હાર્વર્ડ કૉલેજના પ્રથમ દાતા જ્હૉન હાર્વર્ડના નામ સાથે જોડાયેલું છે. જ્હૉન હાર્વર્ડે ઈ. સ. 1638માં મૃત્યુ પામ્યા તે પહેલાં તેમની અર્ધી મિલકત અને 400 પુસ્તકો હાર્વર્ડ કૉલેજને દાનમાં આપ્યાં હતાં. યુનિવર્સિટીનું સંચાલન સ્વતંત્ર કૉર્પોરેશન દ્વારા થાય છે. તેમાં પ્રમુખ, ખજાનચી અને પાંચ ફેલોનો સમાવેશ થતો હતો. આ પછી હોદ્દેદારોની નિમણૂક માટે 30 સભ્યોનું એક બોર્ડ રચવામાં આવ્યું. ઈ. સ. 1865 સુધી આ 30 સભ્યોની નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હતી; પરંતુ તે પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મંડળ (alumni) દ્વારા આ 30 સભ્યો નિયુક્ત થાય છે. આ યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓ પૈકી કેટલીક કેમ્બ્રિજ, કેટલીક બૉસ્ટન અને કેટલીક મૅસેચૂસેટ્સ રાજ્યના અન્ય ભાગોમાં અને કેટલીક સંસ્થાઓ કૉલોરાડો, ક્યૂબા અને દક્ષિણ આફ્રિકામાં છે. યુનિવર્સિટી આર્થિક અને શૈક્ષણિક રીતે સંપૂર્ણ સ્વાયત્ત છે, રાજ્યાશ્રિત નથી. યુનિવર્સિટી 4,938 એકરના વિસ્તારમાં આવેલી છે.

યૅન્ચિન્ગ ઇન્સ્ટિટ્યૂટ, હાર્વર્ડ યુનિવર્સિટી

આજે આ યુનિવર્સિટીમાં 2,497 તબીબી વિદ્યાશાખા સિવાયના અને 10,674 તબીબી વિદ્યાશાખાના અધ્યાપકો છે. શૈક્ષણિક વર્ષ 2006–07માં પૂર્વસ્નાતક–કક્ષાના 6,715; સ્નાતક-કક્ષા અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોના 12,424; વિસ્તરણ(extension)ના 975 વિદ્યાર્થીઓ મળી કુલ 20,042 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.

યુનિવર્સિટીના કુલચિહન-પ્રતીકમાં ધ્યેયમંત્ર VERITAS છે જે લૅટિન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ TRUTH – સત્ય છે. યુનિવર્સિટીના ગ્રંથાલયમાં 15.5 લાખ ગ્રંથો છે. વર્ષ 2006–07માં યુનિવર્સિટીની આવક 30 અબજ ડૉલર અને ખર્ચ પણ 30 અબજ ડૉલર હતું. વર્ષ 2006 સુધીમાં યુનિવર્સિટીનું નાણાભંડોળ 292 અબજ ડૉલર હતું.

યુનિવર્સિટીના હયાત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ(alumni)ની સંખ્યા 2,70,000 છે. યુનિવર્સિટીના ભૂતપૂર્વ અને હયાત અધ્યાપકોમાંથી 43ને નોબેલ પુરસ્કાર એનાયત થયા છે.

હાર્વર્ડ યુનિવર્સિટીમાં નીચેની વિદ્યાશાખાઓ અને સંસ્થાઓ કાર્યરત છે :

(1) ફૅકલ્ટી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સ (FAS)

         –   હાર્વર્ડ કૉલેજ (1636)

  • ગ્રૅજ્યુએટ સ્કૂલ ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સ (1782)
  • ડિવિઝન ઑવ્ એન્જિનિયરિંગ ઍન્ડ એપ્લાઇડ સાયન્સીઝ
  • ડિવિઝન ઑવ્ કન્ટિન્યુઇંગ એજ્યુકેશન (એક્સ્ટેન્શન સ્કૂલ,

         –  સમર-સ્કૂલ સહિત) (1871)

(2) ફૅકલ્ટી ઑવ્ મેડિસિન

        જનરલ મેડિસિન અને મેડિકલ સ્પેશિયાલિટીઝ, મેડિકલ રિસર્ચ.

        –  હાર્વર્ડ સ્કૂલ ઑવ્ ડેન્ટલ મેડિસિન, બૉસ્ટન (1867)

        –  હાર્વર્ડ મેડિકલ સ્કૂલ, બૉસ્ટન (1872)

(3) હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ (1908)

        –  બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન, મૅનેજમેન્ટ

(4) ગ્રૅજ્યુએટ સ્કૂલ ઑવ્ ડિઝાઇન (1935)

         –  આર્કિટેક્ચર, લૅન્ડ-સ્કેપ આર્કિટેક્ચર, અર્બન પ્લાનિંગ

(5) હાર્વર્ડ ડિવાઇનિટી સ્કૂલ (1819)

         – થિયૉલૉજી, વર્લ્ડ રિલિજિયન, મિનિસ્ટરિયલ સ્ટડીઝ

(6) હાર્વર્ડ ગ્રૅજ્યુએટ સ્કૂલ ઑવ્ એજ્યુકેશન (1920)

         – એજ્યુકેશન, એજ્યુકેશનલ પ્રૅક્ટિસ, હ્યૂમન ડેવલપમેન્ટ

(7) જ્હૉન એફ. કૅનેડી સ્કૂલ ઑવ્ ગવર્નમેન્ટ (1935)

         – પબ્લિક પૉલિસી ઍન્ડ ઍડ્મિનિસ્ટ્રેશન, પૉલિટિકલ ઇકૉનૉમી

(8) હાર્વર્ડ લૉ સ્કૂલ (1817)

        – કોન્સ્ટિટ્યૂશન, ક્રિમિનલ ઍન્ડ ઇન્ટરનૅશનલ લૉ, કૉર્પોરેટ ફાઇનાન્સ

(9) હાર્વર્ડ સ્કૂલ ઑવ્ પબ્લિક હેલ્થ (1922)

         – પબ્લિક હેલ્થ પૉલિસી, એપિડેમૉલૉજી, ન્યૂટ્રિશન, ઇન્ટરનૅશનલ હૅલ્થ.

આ ઉપરાંત અન્ય વિશિષ્ટ સંસ્થાઓમાં બૉટેનિકલ ગાર્ડન (1807), ગ્રે હર્બેરિયમ (1864), આનૉર્લ્ડ આર્બોરેટમ (જમૈકા-પ્લેઇન, 1872) યુનિવર્સિટી મ્યુઝિયમ (1859), પિઆબૉડી મ્યુઝિયમ ઑવ્ અમેરિકન આર્કિયૉલૉજી ઍન્ડ ઍથ્નૉલૉજી (1866), ફ્રૉગ આર્ટ મ્યુઝિયમ (1859), જર્મેનિક મ્યુઝિયમ (1902), ઍસ્ટ્રૉનૉમિકલ ઑબ્ઝર્વેટરી (1843) અને હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસનો સમાવેશ થાય છે.

હાર્વર્ડ યુનિવર્સિટીમાં કુલ 200 મકાનો છે. હાર્વર્ડ કૉલેજનું પ્રથમ મકાન 1637માં બન્યું હતું. આ પછી ઉમેરાયેલાં મકાનોમાં મૅસેચૂસેટ્સ હૉલ (1720), વર્ડ્ઝવર્થ હૉલ (1727), હોલ્ડન ચૅપલ (1744), હોલિસ હૉલ (1763) અને હાર્વર્ડ હૉલ(1766)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિડનર મેમોરિયલ લાઇબ્રેરી, ગ્રૅજ્યુએટ સ્કૂલ, પ્રોફેશનલ સ્કૂલ, હાર્વર્ડ યાર્ડ અને રેડક્લિફ યાર્ડ તેમાં ઉમેરાયાં હતાં.

ધ હેરી એટ્કિન્સ વિડનર મેમોરિયલ લાઇબ્રેરી

ચાર્લ્સ ડબ્લ્યૂ. ઇલિયટ(1869થી 1909)ના પ્રમુખપદ હેઠળ આ યુનિવર્સિટીએ ખૂબ નોંધપાત્ર કામગીરી કરી અને વિશ્વની ઉચ્ચ દરજ્જાની શિક્ષણસંસ્થા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. છેલ્લી બે શતાબ્દીઓ દરમિયાન આ યુનિવર્સિટીના સ્નાતકોએ અને અધ્યાપકોએ અમેરિકાના બૌદ્ધિક અને રાજકીય વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

અમેરિકાના છ પ્રમુખો આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા; જેમાં (1) જ્હૉન એડમ્સ, (2) જ્હૉન ક્વિન્સી એડમ્સ, (3) રુધરફૉર્ડ બી. હાઈસ, (4) થિયૉડૉર રુઝવેલ્ટ, (5) ફ્રેન્કલિન ડી. રુઝવેલ્ટ અને (6) જ્હૉન એફ. કૅનેડીનો સમાવેશ થાય છે.

અમેરિકાના રાજકીય ક્ષેત્રે નામાંકિત હોય એવા આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં (1) સેમ્યુઅલ એડમ્સ, (2) જ્હૉન હેન્કોક, (3) રાલ્ફ વાલ્ડો ઇમર્સન, (4) ઑલિવર વેન્ડેલ, (5) હોલ્મોસ (પિતા-પુત્ર), (6) હેન્રી ડેવિડ થૉરો, (7) વિલિયમ અને હેન્રી જેઇમ્સ અને (8) હેન્રી કિસિંજરનો સમાવેશ થાય છે.

સાહિત્યક્ષેત્રે આગવું પ્રદાન કરનાર આ યુનિવર્સિટીના વિદ્વાનોમાં રાલ્ફ વાલ્ડો ઇમર્સન, હેન્રી ડેવિડ થૉરો, હેન્રી જેઇમ્સ અને ઑલિવર વેન્ડેલ હોલ્મેસ, ઉપરાંત રૉબર્ટ ફ્રૉસ્ટ, ટી. એસ. એલિયટ, કોનરાડ આઇકેન, વૉલ્ટર લિપમૅન, જેમ્સ રસેલ લૉવેલ, હેન્રી એડમ્સ, ઇ. એ. રૉબિન્સન અને નૉર્મન મેઇલરનો સમાવેશ થાય છે.

વિજ્ઞાનક્ષેત્રે પ્રદાન કરનાર આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં બેન્જામિન પિયર્સ (ખગોળશાસ્ત્ર), ઑલિવર વૉલ્કોટ ગિબ્સ અને થિયૉડૉર ડબ્લ્યૂ. રિચાર્ડ્ઝ (રસાયણશાસ્ત્ર) તથા નાથેનિયલ શેલર (ભૂસ્તરશાસ્ત્ર) વગેરેનો સમાવેશ થાય છે.

હાર્વર્ડ યુનિવર્સિટીની તમામ વિદ્યાશાખાઓના અલગ અલગ રજિસ્ટ્રાર છે. પ્રત્યેક વિદ્યાશાખાની અલગ અલગ વેબસાઇટ છે, જેના દ્વારા પ્રવેશ, અભ્યાસક્રમો, એકૅડેમિક કૅલેન્ડર, પરીક્ષાઓનાં પરિણામો અને વિદ્યાર્થીઓનાં ગુણપત્રકો ઉપલબ્ધ થઈ શકે છે.

મૂળશંકર લ. જોષી