હાર્વર્ડ કૉલેજ ઑબ્ઝર્વેટરી બૉસ્ટન (Harvard College Observatory or HCO)

February, 2009

હાર્વર્ડ કૉલેજ ઑબ્ઝર્વેટરી, બૉસ્ટન (Harvard College Observatory or HCO) : હાર્વર્ડ કૉલેજના ખગોળવિભાગ સાથે સંકળાયેલી વેધશાળા. અમેરિકામાં સ્થાપવામાં આવેલી પહેલી પ્રમુખ વેધશાળાઓમાંની એક. તેની સ્થાપના ઈ. સ. 1839માં થઈ હતી. કેમ્બ્રિજ મૅસેચૂસેટ્સમાં તે આવેલી છે. આ વેધશાળામાં ઈ. સ. 1847માં 38 સેમી.(15 ઇંચ)નું એક વર્તક દૂરબીન મૂકવામાં આવ્યું હતું, જે આજે પણ તેની મૂળ ઇમારતમાં એ જ સ્થિતિમાં જોવા મળે છે. આ વર્તક દૂરબીનને – મહાવર્તક (‘The Great Refractor’) નામ આપવામાં આવ્યું છે. તેને ગોઠવ્યા પછી આશરે 20 વર્ષ સુધી તેની કક્ષાનું અને એટલું મોટું એક પણ દૂરબીન અમેરિકામાં ન હતું. ઈ. સ. 1847 અને 1852ની વચ્ચેનાં વર્ષોમાં અગ્રેસર ફોટોગ્રાફર જ્હૉન એડમ્સ વ્હિપ્પલ (Jhon Adams Whipple : 1822–1891) અને ખગોળવિદ તથા વેધશાળાના પ્રથમ નિયામક વિલિયમ બૉન્ડે (William Cranch Bond : 1789–1859) ભેગા મળીને આ ટેલિસ્કોપ દ્વારા ચંદ્રના ફોટા પાડ્યા હતા. આ ફોટા એટલા તો સ્પષ્ટ હતા કે સન 1851માં લંડનના હાઇડ પાર્કમાં આવેલ ક્રિસ્ટલ પૅલેસ ખાતે ભરાયેલા ‘ગ્રેટ ઍક્ઝિબિશન’(Great Exhibition)માં તેમને ફોટોગ્રાફીની શ્રેષ્ઠ ટૅકનિક માટેનું પારિતોષિક પ્રાપ્ત થયેલું. આ બંનેની જોડીએ પછી 16–17 જુલાઈ, 1850ની રાતે વીણામંડળના અભિજિત તારાનો ફોટોગ્રાફ પાડ્યો. કોઈ પણ તારાનો પાડવામાં આવેલો તે પહેલો ફોટોગ્રાફ હતો. આ વેધશાળાના લઘુગ્રહ-કેન્દ્ર (Minor Planet Centre) દ્વારા કેટલાક લઘુગ્રહો પણ શોધવામાં આવ્યા છે. વેધશાળાના ચોથા નિયામક એડ્વર્ડ પિકરિંગ (Edward C. Pickering : 1846–1919) હતા. તેમના કાર્યકાલ દરમિયાન વેધશાળા ખગોલીય સંશોધનપ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર બની રહી. હાર્વર્ડ ઑબ્ઝર્વેટરીની ઐતિહાસિક અગત્ય એ છે કે તેની સાથે ભૂતકાળમાં અમેરિકાની અનેક મહાન મહિલા-ખગોળવિજ્ઞાનીઓ સંકળાયેલી રહી; દા. ત., એન્ની જમ્પ કૅનોન (Annie Jump Cannon : 1863–1941), હેન્રીએટ્ટા સ્વાન લેવિટ્ટ (Henrietta Swan Leavitt : 1868–1921), સેસિલિયા પાઇન-ગૅપોશ્ક્ધિા (Cecilia Pyane-Gaposchkin : 19001979). કૅનોન અને લેવિટ્ટ ગણિતની જટિલ અને લાંબી ગણતરીઓ માટે ‘કમ્પ્યૂટર’ તરીકે અને તારાઓના ફોટાઓનાં નિરીક્ષણ માટે કામ કરતી હતી, જ્યારે સેસિલિયા પાઇન તારાઓના વર્ગીકરણના સંશોધન(steallar classification research)-કાર્યમાં મહત્વના સ્થાને હતી. એન્ની કૅનોને તારાઓના તાપમાનને આધારે વર્ગીકરણ કરવામાં પણ અગત્યની ભૂમિકા ભજવી હતી.

હાર્વર્ડ કૉલેજ ઑબ્ઝર્વેટરીમાં આવેલું 38 સેમી.(15 ઇંચ)નું વર્તક (refractor) દૂરબીન. ‘ધ ગ્રેટ રિફ્રેક્ટર’ તરીકે ઓળખાતું આ દૂરબીન સન 1847માં ગોઠવવામાં આવેલું અને તે પછી 20 વર્ષ સુધી અમેરિકામાં તેની તોલે આવે તેવું કોઈ બીજું દૂરબીન ન હતું. હાર્વર્ડ વેધશાળાને મહત્વનું સંશોધનકેન્દ્ર બનાવવામાં આ ઐતિહાસિક દૂરબીનનો ફાળો ઘણો મોટો છે. આજે પણ તેને તેના મૂળ સ્થાને ગોઠવેલું જોઈ શકાય છે.

સન 1973થી આ વેધશાળા ‘સ્મિથસોનિયન ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી’ (Smithsonian Astrophysical Observatory : SAO) સાથે સંકળાઈ. બે સંસ્થાઓના જોડાણનો પ્રથમ તબક્કો ઈ. સ. 1955માં SAOનું મુખ્ય મથક જ્યારે કેમ્બ્રિજમાં (મૅસેચૂસેટ્સ) ખસેડવામાં આવ્યું ત્યારે થયો. આજે આ બે સંશોધનસંસ્થાઓ હાર્વર્ડ-સ્મિથસોનિયન સેન્ટર ફૉર ઍસ્ટ્રૉફિઝિક્સ (Harvard-Smithsonian Centre for Astrophysics : CfA)ના નામે ઓળખાય છે. આ સેન્ટરમાં જે સંખ્યાબંધ સંશોધનો થયાં છે, તેમાં લગભગ 20,000 તારાવિશ્વો (galaxies) ઉપરનું સંશોધન અને તેમના અંતરની ગણતરીનું કામ નોંધપાત્ર છે. આ સંશોધન ‘CfA Redshift Survey’ તરીકે ઓળખાય છે.

દક્ષિણ આફ્રિકામાં આવેલા બ્લોએમફૉન્ટેઇન શહેરથી 26 કિમી. દૂર ‘બૉયડેન ઑબ્ઝર્વેટરી’ (Boyden Observatory) આવેલી છે. અગાઉ આ વેધશાળા દક્ષિણ અમેરિકામાં પેરુમાં આવેલા લીમા શહેરની પાસે હતી.
ઈ. સ. 1887–1889માં તેની સ્થાપના હાર્વર્ડ કૉલેજ ઑબ્ઝર્વેટરીએ જ પોતાના દક્ષિણ ગોળાર્ધના નિરીક્ષક મથક તરીકે કરી હતી. તે પછી 1926–27માં દક્ષિણ આફ્રિકામાં જ્યાં હાલમાં છે તે સ્થળે તેને ખસેડવામાં આવી. ઈ. સ. 1954 સુધી બૉયડન વેધશાળાનું સંચાલન હાર્વર્ડ વેધશાળા કરતી હતી. તે પછી 1954થી 1976ના ગાળામાં તેનું સંચાલન વેધશાળાઓના આંતરરાષ્ટ્રીય જૂથના સહયોગથી થતું હતું. તે પછી ઈ. સ. 1976થી તેનું સંચાલન યુનિવર્સિટી ઑવ્ ફ્રી સ્ટેટ કરે છે.

સુશ્રુત પટેલ