હાપુર : ઉત્તરપ્રદેશ રાજ્યના ગાઝિયાબાદ જિલ્લામાં દિલ્હીથી ખૂબ જ નજીક આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 28° 43´ ઉ. અ. અને 77° 47´ પૂ. રે.. તે મેરઠ શહેરથી 28 કિમી. દક્ષિણે બુલંદશહર જતી પાકી સડક પર આવેલું છે. એમ કહેવાય છે કે આ નગરની સ્થાપના દસમી સદીમાં થઈ હતી. અઢારમી સદીના અંતભાગમાં સિંધિયાએ તેના ફ્રાન્સના જનરલ પેરાં(Perron)ને જાગીરના રૂપમાં આ નગર આપી દીધેલું. આ નગરનો જૂનો કોટ, તેની દીવાલો તથા ખાઈ હવે નાશ પામ્યાં છે, માત્ર પાંચ પ્રવેશદ્વારો (દરવાજા) અવશેષરૂપ રહી ગયાં છે. આ નગર ખાંડ, અનાજ, કપાસ, ઇમારતી લાકડાં, વાંસ તથા પિત્તળનાં વાસણોના વેપારનું મુખ્ય મથક બની રહેલું છે. આ નગરની વસ્તી અંદાજે 70,000 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા