હરકુંવર શેઠાણી (જ. 1820, ઘોઘા, જિ. ભાવનગર; અ. 5 ઑક્ટોબર 1876, અમદાવાદ) : ગુજરાતનાં પ્રથમ મહિલા કેળવણીકાર, સ્ત્રી-ઉત્કર્ષનાં હિમાયતી અને સમાજસુધારક. તેઓ ગુજરાતના સમાજસુધારાની પ્રથમ પેઢીનાં પ્રતિનિધિ હતાં. ભાવનગર પાસેના ઘોઘા બંદરમાં એક ગરીબ જૈન કુટુંબમાં જન્મેલાં હરકુંવર શાળામાં માત્ર બેત્રણ ધોરણો સુધી જ ભણ્યાં હતાં. આમ છતાં તેઓ સંસ્કારસંપન્ન હતાં. 1832માં તેમનું લગ્ન અમદાવાદના વિખ્યાત વેપારી અને દાનેશ્વરી હઠીસિંઘ કેસરીસિંગ (1796–1846) સાથે થયું અને ત્યારથી તેઓ ‘હરકુંવર શેઠાણી’ તરીકે જાણીતાં બન્યાં.

હરકુંવર શેઠાણી

હઠીસિંઘ મોટા ગજાના વેપારી હતા અને ચીન સાથેના અફીણના વેપારમાંથી અઢળક દ્રવ્ય કમાયા હતા. તેમણે આજના સુવિખ્યાત ‘હઠીસિંઘનાં દહેરાં’નું બાંધકામ શરૂ કર્યું હતું, પણ તે પૂર્ણ થાય તે પહેલાં જ તેમનું અવસાન થયું. હરકુંવરે નાણાં ઉપરાંત શિલ્પ અને સ્થાપત્યના બાંધકામમાં અંગત રસ લઈને પતિના અધૂરા કાર્યને પૂર્ણ કર્યું. વળી તેમણે તે સમયના સમૃદ્ધ વેપારી મગનભાઈ કરમચંદનાં પત્ની જોઈતીબાઈના સહકારથી
રૂ. 20,000ને ખર્ચે 1855માં એક પાઠશાળાની સ્થાપના કરી. તેમાં સંસ્કૃત, પ્રાકૃત, જ્યોતિષ અને અલંકારશાસ્ત્ર શીખવવામાં આવતાં અને તેનો લાભ સ્ત્રીઓ અને પુરુષો સમાન રીતે લેતાં.

માત્ર 26 વર્ષની વયે વિધવા થયેલાં હરકુંવર નિ:સંતાન હતાં. તેમણે હવે ધર્મ ઉપરાંત સમાજસુધારામાં તેમનું ધ્યાન પરોવ્યું અને 1848માં શરૂ થયેલી સંસ્થા ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ને દાન આપ્યું. આ રીતે તેઓ મહીપતરામ રૂપરામ અને તેમનાં પત્ની પાર્વતીકુંવર, ભોળાનાથ સારાભાઈ અને કવિ દલપતરામ જેવા સમાજ-સુધારકોના પરિચયમાં આવ્યાં. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની પ્રવૃત્તિઓ સાથે તેઓ શરૂઆતથી જ સંકળાયાં હતાં. પ્રજાજનો તેમને ‘હરકોર શેઠાણી’ના લાડીલા નામથી ઓળખતા. 1850માં તેમણે રૂ. 12,000નું દાન આપીને એક કન્યાશાળાની શરૂઆત કરી અને તે ‘હરકોર શેઠાણીની કન્યાશાળા’ તરીકે લોકજીભે ચડી ગઈ. જે જમાનામાં કન્યાશિક્ષણની શરૂઆત પણ થઈ ન હતી તે સમયે તેમણે કન્યાશાળા સ્થાપીને સમાજસેવાનું ઉત્તમ કાર્ય કરી બતાવ્યું હતું. આ શાળામાં ગણિત, ગુજરાતી ભાષા, ઇતિહાસ અને ભૂગોળ ઉપરાંત ભરતગૂંથણ, સીવણ તથા ગરબીઓની તાલીમ આપવામાં આવતી હતી. હરકોર શેઠાણી સ્ત્રી-મેળાવડામાં ઉત્સાહપૂર્વક ભાગ લેતાં અને ઘણી વાર તો તેઓ પાર્વતીકુંવર ઉપરાંત ગોપાળ હરિ દેશમુખ અને સત્યેન્દ્રનાથ ટાગોર જેવા પ્રખર સમાજસુધારકોની પત્નીઓ સાથે છોકરીઓની પરીક્ષા લેવા જતાં. વળી તેઓ પોતાની હવેલીમાં કન્યાઓના મેળાવડા યોજતાં અને તેમને ઇનામો આપીને તેમનામાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ પ્રગટાવતાં. ઇંગ્લૅન્ડનાં વિખ્યાત કેળવણીકાર કુ. મૅરી કાર્પેન્ટરે 1867માં જ્યારે અમદાવાદની મુલાકાત લીધી ત્યારે તેઓ હરકોર શેઠાણીને મળ્યાં હતાં અને તેમની શાળા જોવા પણ ગયાં હતાં. તે સમયે મૅરી કાર્પેન્ટરે કેટલીક બાળવિધવાઓ સહિત 6થી 11 વર્ષની વયની 80 કન્યાઓને અભ્યાસ કરતી જોઈ હતી. હરકોર શેઠાણીએ આ સમયે શિક્ષિકાઓ તૈયાર કરવા માટેના વર્ગો પણ શરૂ કર્યા હતા અને તેમાં કેટલીક વિધવાઓ પણ જોડાઈ હતી. મૅરી કાર્પેન્ટરે આવી સુંદર કામગીરી બદલ હરકોર શેઠાણીની ઘણી પ્રશંસા કરી હતી.

હરકોર શેઠાણીનું એક મહત્વનું દાન તે પ્રજાજનો માટે તેમણે સ્થાપેલી હૉસ્પિટલ. સૈકાઓથી જૈનો પ્રાણીઓના નિભાવ માટે પાંજરાપોળ બંધાવતા. હરકુંવરે આ પરંપરાને માનવકલ્યાણ તરફ વાળી. આજની પ્રખ્યાત સિવિલ હૉસ્પિટલની શરૂઆત કરનાર હરકોર શેઠાણી અને અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ હતા. તેમનાં દાનોમાંથી સિવિલ હૉસ્પિટલ 1856માં શરૂ થઈ હતી. હરકુંવરે તેને માટે રૂ. 52,000નું અને નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈએ રૂ. 22,150નું દાન કર્યું હતું. આ હૉસ્પિટલમાં ઑપરેશન અને અન્ય તબીબી સારવાર મફત હોવાથી ગામડાંઓમાંથી પણ ગરીબ લોકો તેનો લાભ લેવા માટે સિવિલ હૉસ્પિટલમાં ઊમટી પડતા હતા. હૉસ્પિટલનું ઉદઘાટન કરવા મુંબઈના ગવર્નર લૉર્ડ એલ્ફિન્સ્ટન અમદાવાદમાં પધાર્યા હતા. ડૉ. કોલિયર જેવા નિષ્ણાત ડૉક્ટરો સિવિલ હૉસ્પિટલમાં તેમની સેવાઓ આપતા.

હરકુંવર શેઠાણી ધાર્મિક પ્રકૃતિનાં હતાં અને તેમણે પાઠશાળાઓ અને જૈન તીર્થધામોના જીર્ણોદ્ધાર માટે દાનો કર્યાં હતાં; પરંતુ તેઓ માત્ર ધાર્મિક દાનોથી જ સંતોષ પામ્યાં નહિ. તેમનાં સંખ્યાબંધ દાનોમાં ગુજરાત પ્રાંતની કૉલેજ માટે તેમણે 1856માં આપેલું દાન નોંધપાત્ર છે. આ કૉલેજ દ્વારા અમદાવાદમાં સૌપ્રથમ ‘લૉ-ક્લાસીસ’ શરૂ થયા હતા. આ કૉલેજ લાંબો સમય ચાલી નહિ અને ત્યાર બાદ ગુજરાત કૉલેજ 1879માં શરૂ થઈ. આમ છતાં ગુજરાતભરની સૌપ્રથમ કૉલેજ સ્થાપવામાં ફાળો નોંધાવનાર આ બાહોશ સ્ત્રી હતી. તેમની સેવાઓની કદર કરીને મુંબઈ સરકારે હરકોર શેઠાણીને 12 જૂન 1856ના રોજ સોનાના ચાંદ સહિત ‘નેક નામદાર સખાવતે બહાદુર’નો ઇલકાબ આપ્યો હતો. સરકારી ગૅઝેટમાં તેની જાહેરાત આ શબ્દોમાં થઈ હતી : ‘આ દેશમાં કોઈ રાજાની રાણીએ પણ હરકુંવરબાઈ જેવાં ઉદાર કામો કર્યાં નથી, તેથી આ ખિતાબ તેમને યોગ્ય છે.’ ગાયકવાડ સરકારે પણ તેમને છત્ર, શાલ, મશાલ અને પાલખી સહિત ‘ચોબદાર’નો ઇલકાબ આપ્યો હતો.

હરકુંવર આનંદી અને નિખાલસ સ્વભાવનાં હતાં. પૈસાનું અભિમાન જરાયે નહોતું. તેઓ આધુનિક ગુજરાતનાં સૌપ્રથમ મહિલા કેળવણીકાર અને સમાજસુધારક હતાં. તેમણે કેટલીયે કન્યાઓ અને વિધવાઓને પોતાના પગ પર બેઠી કરી હતી. તેમનું 56 વર્ષે અવસાન થયું ત્યારે અમદાવાદમાં શોક વ્યાપ્યો હતો અને તેમના માનમાં શાળાઓ બંધ રહી હતી. ગોપાળ હરિ દેશમુખે તેમને અંજલિ આપતાં કહ્યું હતું :

‘જાહેર સખાવતો અને સ્ત્રીકેળવણીની બાબતમાં નેક નામદાર સખાવતે બહાદુર હરકોરબાઈની હરીફાઈ કરી શકે તેવું ગુજરાતમાં હાલ બીજું કોઈ દેખાતું નથી. તેઓ માત્ર દાનો આપીને બેસી રહ્યાં નહોતાં. સ્ત્રી-ઉત્કર્ષની પ્રવૃત્તિઓમાં તેમણે ઊંડો રસ લીધો હતો.’

મકરન્દ મહેતા