હમીદી હબીબુલ્લાહ કાશ્મીરી

February, 2009

હમીદી, હબીબુલ્લાહ કાશ્મીરી (જ. 29 જાન્યુઆરી 1932, બહોરી કદલ, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : ઉર્દૂ અને કાશ્મીરી વાર્તાકાર, નવલકથાકાર તથા વિવેચક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘યથ મિઆની જોએ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે ફારસીમાં બી.એ. ઑનર્સ અને અંગ્રેજી તથા ઉર્દૂમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી તેમજ ઉર્દૂમાં પીએચ.ડી. તથા સાહિત્યિક મૂલ્યાંકન(literary evaluation)ની ડિગ્રી મેળવી. તેઓ કાશ્મીર યુનિવર્સિટીમાં ઉર્દૂના અનુસ્નાતક વિભાગના પ્રાધ્યાપક અને વડા, આર્ટ્સ ઍન્ડ ઑરિયેન્ટલ લર્નિંગની વિદ્યાશાખાના ડીન તથા 1990થી 1993 સુધી કાશ્મીર યુનિવર્સિટીના કુલપતિ રહ્યા. 1998થી 2000 દરમિયાન તેઓ શેખ-ઉલ-આલમ યુનિવર્સિટીના અધ્યક્ષ રહ્યા.

તેઓ ઉર્દૂ, અંગ્રેજી અને ફારસીની જાણકારી ધરાવે છે. તેઓ વિવિધ શૈક્ષણિક, સાહિત્યિક સમિતિઓ, સંસ્થાઓ સાથે નિરંતર સંકળાયેલા રહ્યા છે. તેમણે ઉર્દૂમાં કુલ 27 ગ્રંથો આપ્યા છે. ઉર્દૂ, અંગ્રેજી, કાશ્મીરીમાં કાવ્યસંગ્રહ, નવલકથા-વિવેચન પ્રગટ કર્યાં છે. ઉર્દૂમાં : ‘વાડી કે ફૂલ’ (1957), ‘શરાબ’ (1959), ‘બર્ફ મેં આગ’ (1961) વાર્તાસંગ્રહો; ‘પિઘલતે ખાબ’ (1957), ‘અજનબી રાસ્તે’ (1958), ‘બુલંદિયોં કે ખાબ’ (1961) નવલકથાઓ; ‘દિલસોઝ કાશ્મીર’ (1951), ‘ગાલિબ કે તખલિક સરચશ્મે’ (1962), ‘જદીદ ઉર્દૂ નઝ્મ ઔર યૂરપી અસારત’ (1968) વિવેચનગ્રંથો; ‘ઉરૂસી તમન્ના’ (1961), ‘લા હર્ફ’ (1984), ‘શાક્કી જાફરાન’ (1993) કાવ્યસંગ્રહો અને કાશ્મીરીમાં : ‘નરસ અથ્વાસ’, ‘યથ મિઆની જોએ’, ‘સોદરે કોચ લદરે માલ’ કાવ્યસંગ્રહો છે.

હબીબુલ્લાહ હમીદી કાશ્મીરી

તેમણે 7 કાવ્યસંગ્રહો ઉર્દૂમાં, 27 વિવેચનાત્મક નિબંધસંગ્રહો, એક પ્રવાસકથા અને એક આત્મકથા આપ્યાં છે.

તેમને કાશ્મીર, ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ ઉર્દૂ અકાદમીઓના પુરસ્કાર, જમ્મુ અને કાશ્મીર અકાદમી ઑવ્ આર્ટ, કલ્ચર ઍન્ડ લૅંગ્વેજિઝ, શ્રીનગર; મીર અકાદમી, લખનઉના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘યથ મિઆની જોએ’ કાશ્મીરી ગઝલો અને કાવ્યોનો સંગ્રહ છે. તેમાં આજના કાશ્મીરના સમાજનું પીડાદાયક દૃશ્ય અને તેના લોકાચારોનું ચિત્રાંકન કરવામાં આવ્યું છે. તેમાંના કાશ્મીરી શબ્દોના ભાવોત્તેજક ઉપયોગ અને વિશિષ્ટ શૈલીને કારણે આ કૃતિ ધ્યાનપાત્ર રહી છે.

બળદેવભાઈ કનીજિયા