હંસપાશ (Cygnus Loop) : હંસમંડળ(Cygnus)માં આવેલી વાયુના ગોટાના ગોળ કવચ જેવી નિહારમયતા (nebulosity) ધરાવતી અથવા પાશ એટલે કે દોરડાના ગોળ ફાંસા (loop) જેવો આકાર ધરાવતી તંતુમય વિરાટ નિહારિકા. આ નિહારિકા ઉત્સર્જિત પ્રકારની (emission nebula) છે. હંસની નિહારિકાનો વ્યાપ અંદાજે 80 પ્રકાશવર્ષ જેટલો છે અને તે આપણાથી આશરે 2,500 પ્રકાશવર્ષ દૂર આવેલી છે.

હંસપાશ (Cygnus Loop)

 મંદાકિની તલ(galactic plane)થી 330 પ્રકાશવર્ષ ઉપર તે આવેલી છે. આ નિહારિકા ભૂતકાળમાં થયેલા પ્રચંડ તારાસ્ફોટ–સુપરનૉવા–નો અવશેષ હોવાનું મનાય છે. મૃત્યુ પામતા આ તારાનો આ સ્ફોટ આશરે 30,000 વર્ષ અગાઉ થયો હોવાનું મનાય છે. આ સ્ફોટને કારણે તારામાંથી ઉત્સર્જિત થતાં વાયુદ્રવ્ય વગેરે ફંગોળાઈને પ્રસરી જતાં એક પાશ જેવો આકાર સર્જાયો છે. નરી આંખે જોતાં આ પાશનો વ્યાસ લગભગ 3° જણાય છે. આજે પણ પ્રતિ સેકંડે 100 કિમી.ના દરથી આ વિસ્ફોટનું દ્રવ્ય અંતરિક્ષમાં ચોતરફ પ્રસરી રહ્યું છે. આ હંસપાશ નિહારિકાના વિવિધ ભાગોને ઓળખી શકાય તે માટે NGC 6960, 6979, 6992 અને 6995 જેવાં નામો કે સંજ્ઞાઓ આપવામાં આવી છે. આમાંથી NGC 6992 નામનો સુપરનૉવા અવશેષ સહુથી વધુ પ્રકાશિત છે. તેને ‘અવગુંઠન’ કે ‘બુરખા નિહારિકા’ (Veil Nebula) કહેવાય છે. સારા બાયનૉક્યુલરમાંથી તેને સહેલાઈથી જોઈ શકાય છે.

સુશ્રુત પટેલ