હંટિંગ્ટન, એલ્સવર્થ (Huntington, Ellsworth) (જ. 16 સપ્ટેમ્બર 1876, ઇલિનૉય, યુ.એસ.; અ. 17 ઑક્ટોબર 1947, કનેક્ટિકટ, યુ.એસ.) : મુખ્યત્વે ભૂગોળવિદ, તદુપરાંત તેઓ ભૌતિકશાસ્ત્રી, હવામાનશાસ્ત્રી, ભૂસ્તરવિદ તરીકે પણ જાણીતા બનેલા. તેઓ સંભવવાદમાં માનતા હતા.

એલ્સવર્થ હંટિંગ્ટન

તેમણે તેમની કારકિર્દીનો પ્રારંભ ભૌતિકશાસ્ત્રી તરીકે કરેલો. 1904માં તેમણે હવામાનશાસ્ત્ર પર ઊંડો અભ્યાસ કર્યો. તેમણે ‘આબોહવાની માનવશરીર અને માનવજીવન પર અસર’ પર સંશોધન કરેલું. તેમનાં ‘Meteorological impact on various civilizations’ પરનાં સંશોધનોથી તેઓ દુનિયામાં જાણીતા બન્યા. આ ઉપરાંત ભૂસ્તરશાસ્ત્ર અને હવામાનશાસ્ત્રની વિવિધ વિચારધારાઓને આધારે પુસ્તકો પણ પ્રગટ કર્યાં. તેમનું સર્વપ્રથમ પુસ્તક ‘The Pulse of Asia’ 1907માં પ્રગટ થયેલું, જેમાં મધ્ય એશિયામાં તેમણે કરેલી સફરનું વર્ણન છે. ત્યાર બાદ તેમણે યુ.એસ.ની યેલ યુનિવર્સિટીમાં 1907થી 1917 સુધી અધ્યાપનકાર્ય કર્યું, ત્યાં તેમણે ભૂગોળના સંશોધક તરીકે સેવાઓ આપેલી. આ ગાળા દરમિયાન (1910થી 1913) તેમણે વૉશિંગ્ટન ડી.સી.ના કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટમાં પણ મદદનીશ સંશોધક તરીકે સેવાઓ બજાવેલી. ત્યાં તેમણે યુ.એસ., મેક્સિકો અને મધ્ય અમેરિકાનાં આબોહવાત્મક અન્વેષણો પણ કરેલાં; જોકે અહીં તેમનું મુખ્ય કાર્ય ‘ભૂમિઆકારો, ભૂસ્તરીય અને ઐતિહાસિક ફેરફારો તેમજ માનવપ્રવૃત્તિઓ તથા સંસ્કૃતિના વિતરણના સંદર્ભમાં આબોહવા’ પર હતું.

1911માં ‘Palestine and its Transformation’ અને 1915માં ‘Civilization and Climate’ પુસ્તકો પ્રગટ કર્યાં. આ પુસ્તકમાં તેમણે સાબિત કરી આપ્યું કે World civilization અને Annual isotherm at 21° C on the boundaries of the tropic વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે. ‘Character of Races’ નામનું પુસ્તક પણ તેમણે બહાર પાડેલું. તેમનું છેલ્લું પુસ્તક ‘Main Springs of Civilization’ 1945માં પ્રગટ થયેલું. તેમણે તેમના જીવનકાળ દરમિયાન 29 પુસ્તકો, 27 પુસ્તકો સહલેખનમાં અને 180 જેટલાં સંશોધનપત્રો પ્રગટ કરેલાં.

નીતિન કોઠારી