સ્વીટ વીલીઅમ : દ્વિદળી વર્ગમાં આવેલા કેર્યોફાઇલેસી કુળની એક શોભન વનસ્પતિની જાત. તેનું વૈજ્ઞાનિક નામ Dianthus barbatus chinensis છે. ‘ડાયન્થસ’ કે ‘પિંક’ તરીકે જાણીતી જાતિ કરતાં થોડી અલગ વનસ્પતિ છે. તેની બહુવર્ષાયુ જાત ગુજરાતમાં સારી રીતે થતી નથી; પરંતુ એકવર્ષાયુ જાત શિયાળામાં ઉછેરી શકાય છે. તે શિયાળુ છોડ તરીકે થાય છે. તેને ઠંડા કે મધ્યમ ઠંડા પ્રદેશો વધારે અનુકૂળ આવે છે.

આ છોડ 50થી 60 સેમી. ઊંચા થાય છે. તેનાં પર્ણો ‘પિંક’નાં પર્ણો કરતાં વધારે પહોળાં હોય છે. તેનાં પુષ્પો ગુલાબી કે અન્ય આકર્ષક રંગોમાં લાંબી દાંડી ઉપર ઉત્પન્ન થાય છે.

આ જાતનાં ભીનાં ધરુ કરી પછી કાયમના ક્યારાઓમાં રોપવામાં આવે છે. રોપ્યા પછી 2થી 3 માસમાં પુષ્પનિર્માણ થાય છે અને પુષ્પો 2થી 3 માસ સુધી ટકે છે.

આ છોડને જમીનમાં ચૂનાનું પ્રમાણ સામાન્ય કરતાં થોડું વધારે હોય તો વધારે અનુકૂળ આવે છે. તેને ખાતર અને પાણી સારા પ્રમાણમાં જરૂરી હોય છે. તેને રોગ કે જીવાત લાગવાનો ભય રહે છે. તેથી એવું કંઈ પણ જણાય તો તેનો તરત જ ઉપાય કરવો પડે છે. આ જાતને પૂરો તડકો જોઈતો હોવાથી તેને ઘણો છાંયો રહેતો હોય તેવી જગાએ રોપવામાં આવતી નથી.

પુષ્પનિર્માણની ઋતુમાં બે હરોળની વચ્ચે ખાતર વિખેરવામાં આવે તો પુષ્પની સંખ્યા વધી જાય છે. આ છોડને ક્યારામાં વાવી તેની સીમા (border) બનાવતાં ઉદ્યાનની શોભા ઓર વધી જાય છે. તેને કૂંડામાં પણ ઉછેરી શકાય છે.

વિદેશથી મંગાવેલાં બીજ કરતાં ભારતમાં થયેલાં બીજ સારું પરિણામ આપે છે.

મ. ઝ. શાહ