સ્વજાતિ-ભક્ષણ (cannibalism) : કેટલાંક પ્રાણીઓની પોતાની જ જાતિ(species)ના સભ્યોનું ભક્ષણ કરવાની ટેવ. અત્યાર સુધી કેટલાક માનવીઓ પણ એક વિધિ (ritual) તરીકે તેને અપનાવતા રહ્યા છે. સામાન્ય પ્રાણીઓમાં આવું ભક્ષણ જાતિ-સંખ્યા(population)ના નિયંત્રણમાં સહાયકારી નીવડે છે.

કેટલીક કીડીઓ સામાન્ય રીતે પોતાના જ અપક્વ (immature) અને ઈજા (wounded) પામેલાં બચ્ચાંનું ભક્ષણ કરતી હોય છે. ખોરાક દુર્લભ થતાં કેટલીક વસાહતોમાં રહેતી પુખ્ત કીડીઓ બચી જવા માટે સ્વજાતિ-ભક્ષણ કરતી હોય છે. ત્યાર બાદ અનુકૂળ સંજોગોમાં આ ટેવને લીધે ઘટતી વસ્તીને પૂરવા સંવનનપૂર્વક તેઓ નવા સભ્યોને પછી જન્મ આપે છે.

પુખ્ત વયના નર કરોળિયા સાથીને શોધવા નીકળે છે અને ઘણી વાર માદા કરોળિયા ભૂલથી તેને ખાઈ જાય છે. એક ભૂલભરેલી પરંતુ તથ્ય વગરની માન્યતા મુજબ સમાગમના અંતે માદા કરોળિયા પોતાના સાથીને ખાઈ જાય છે. જોકે અતિક્રામક કરોળિયા (pirate spiders) જાતિના સભ્યો સંપૂર્ણપણે અન્ય કરોળિયાને ખાઈને જીવન ગુજારે છે. વીંછીના ખોરાકમાં કીટકો અને કરોળિયા જેવાં પ્રાણીઓ ઉપરાંત અન્ય વીંછીઓનો પણ સમાવેશ થાય છે.

માછલીઘર(aquarium tank)માં ઉછેરાતી સાવ નાની એવી ગપ્પી (guppy) જાતિની માછલીઓ બહુપ્રજનક (prolific breeder) તરીકે જાણીતી છે. તેઓ પોતાની વસ્તીનો અતિરેક (overpopulation) ટાળવા પોતાનાં જ સંતાનોને ગળી જાય છે.

ઉંદરને મળતા હૅમ્સ્ટર નામે ઓળખાતા રોડેન્શિયા કુળનાં સસ્તનો વિક્ષુબ્ધ થતાં પોતાનાં બચ્ચાંને જ ભરખી જાય છે. સિંહનાં ટોળાં(pride)માં મોટી સંખ્યામાં સિંહણો હોય છે અને કેટલાંક નર બચ્ચાં હોય છે. બહારથી આવેલો નર સિંહ ટોળાં ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવા ભાવી હરીફ – નર બચ્ચાંને ખાઈ જાય છે.

લગભગ આજદિન સુધી પૃથ્વીના દરેક ખંડમાં વસતા કેટલાક માનવીઓમાં માનવ-ભક્ષણની પ્રથા જોવા મળે છે. આ પ્રથાને એન્થ્રોપોફેગી (anthropophagy) કહેવામાં આવે છે. આ માનવ-ભક્ષણની પ્રથાનું તેઓ પાલન કરતા  ખાસ કરીને પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના કેટલાક પ્રદેશો, ફિજી, ન્યૂગિની, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, પોલિનેશિયા, સુમાત્રા ઉપરાંત ઉત્તર અને દક્ષિણ અમેરિકાના કેટલાક વિસ્તારોમાં વસતા આદિવાસીઓ આ પ્રથાને અનુસરતા હતા.

ફિજી અને ન્યૂઝીલૅન્ડમાં વસતી માઓરી (Maori) પ્રજા યુદ્ધને અંતે મૃત યોદ્ધાના માંસનું ભક્ષણ કરતી હતી. સુમાત્રાના બાટક (Batak) આદિવાસીઓ ખુલ્લા બજારમાં પોતાની જાતિના માંસનું વેચાણ કરતા હતા. ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને અમેરિકાના કેટલાક આદિવાસીઓ ધાર્મિક વિધિના ભાગ રૂપે સગાંસંબંધી મૃતકના દેહનું ભક્ષણ કરતા હતા.

હાલમાં માનવ-ભક્ષણની પ્રથા સાવ બંધ થઈ ગઈ છે એમ કહી શકાય; પરંતુ ડિસેમ્બર, 2003માં કલ્પી પણ ન શકાય એવી એક ઘટના બની છે. વિકસિત દેશ જર્મનીની એક વ્યક્તિએ પોતાના કહેવા મુજબ અસાધ્ય રોગથી પીડાતા પોતાના મિત્રની તીવ્ર ઇચ્છાને વશ થઈને તેના જીવતા દેહના ટુકડા કરીને, તેના વીસેક કિલોગ્રામ માંસનું ભક્ષણ કર્યું હતું. આ વ્યક્તિએ પછી પોતાના આ અમાનુષી કૃત્ય બદલ પશ્ચાત્તાપની રીતે તીવ્ર વેદના પણ વ્યક્ત કરી.

મહાદેવ શિ. દુબળે