સ્ટુઅર્ટ, જ્હૉન મૅકડોઅલ (. 1815; . 1866) : સ્કૉટલૅન્ડવાસી. ખૂબ જ હિંમતબાજ અને સહિષ્ણુ અભિયાનકાર. તેમણે 1862માં ઑસ્ટ્રેલિયા ખંડનું દક્ષિણથી ઉત્તર તરફનું અભિયાન કરેલું. આ અગાઉ 1858માં દક્ષિણ ઑસ્ટ્રેલિયાના દક્ષિણ ભાગને પણ તેઓ ખૂંદી વળેલા. આ અભિયાનને પરિણામે 1863માં દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યે નૉર્ધર્ન ટેરિટરીનો કબજો મેળવેલો. તે પછીથી જે માર્ગે સ્ટુઅર્ટે પ્રવાસ ખેડેલો તે માર્ગ પર ભૂમિગત ટેલિગ્રાફની લાઇન જોડવામાં આવેલી.

1850 અને 1860ના દાયકાઓ દરમિયાન, જ્હૉન મૅકડોઅલ સ્ટુઅર્ટે કરેલું મધ્ય ઑસ્ટ્રેલિયાનું અભિયાન. તે 1862માં આ ખંડને દક્ષિણથી ઉત્તર સુધી ખૂંદી વળેલો.

1861ના જાન્યુઆરીની પહેલી તારીખે સ્ટુઅર્ટ તથા તેની અગિયાર માણસોની ટુકડીએ ઑસ્ટ્રેલિયા ખંડના ઉત્તર તરફના છેડે આવેલી ચેમ્બર્સની ખાડી પરથી પ્રયાણ શરૂ કરી ખંડની આરપાર જવાનો પ્રયાસ કરેલો. સ્ટુઅર્ટ પોતે એક વ્યાવસાયિક અભિયાનકાર હતા. દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યની સરકારે જે કોઈ વ્યક્તિ આ અભિયાન પૂર્ણ કરશે તેને 2,000 બ્રિટિશ પાઉન્ડનો પુરસ્કાર અર્પણ કરશે એવું જાહેર કરેલું, તેને જીતવાની સ્ટુઅર્ટને આશા હતી. આ અભિયાનમાં 49 ઘોડા રાખેલા અને 30 સપ્તાહ જેટલા સમયમાં તેને પૂર્ણ કરવાની યોજના ઘડેલી. સ્ટુઅર્ટ સ્ટર્ટના મેદાન સુધી તો પહોંચી ગયેલો; પરંતુ અગિયાર પ્રયાસો આદરવા છતાં તેઓ ઉત્તર તરફ વિક્ટોરિયા નદી સુધી જવાનો જળમાર્ગ શોધી કાઢવામાં નિષ્ફળ રહેલા. મોડા પડવાને કારણે તેમને જરૂરિયાતો ઘટાડી દેવી પડી, નિષ્ફળતાને લીધે મેદાન પસાર કરવામાં તેમને ખૂબ શ્રમ પડ્યો અને તેમની ટુકડીને એડીલેડ પાછા ફરવું પડ્યું.

1861ના ઑક્ટોબરમાં સ્ટુઅર્ટે ઉત્તર કાંઠા સુધી પહોંચવા માટે બીજો પ્રયાસ આદર્યો. આ અભિયાન વખતે તેમણે પોતાની સાથે 9 માણસો, 71 ઘોડા અને જરૂરિયાતના પુરવઠાનો મોટો જથ્થો રાખેલો. સ્ટુઅર્ટ અને તેમની ટુકડીએ આ વખતે ખંડની મધ્યમાં આવેલો માર્ગ પસંદ કરીને સફર કરી, ઍટૅક ખાડી, ન્યૂ કૅસલ વૉટર્સ અને ડાલી વૉટર્સના માર્ગે સફર ચાલુ રાખી. અહીંની પ્રચંડ ગરમીએ અભિયાનમાં અવરોધો ઊભા કરેલા, ઘણા ઘોડા મરી ગયા, ઘણી જરૂરિયાતો ઓછી કરી દેવી પડેલી. સ્ટર્ટના મેદાન ખાતે કાંટાળા છોડવાઓથી પાણીની કોથળીઓ ફાટી ગયેલી અને સફરીઓની ચાલવાની ગતિ એક કલાકે એક કિમી. જેટલી રહી. છેવટે 1862ના જુલાઈની 24મી તારીખે આ ટુકડી ઉત્તરમાં આવેલી એડીલેડ નદીના દરિયાકાંઠે પહોંચી.

ટુકડીને પાછા ફરવામાં ઘણી મુશ્કેલીઓ નડેલી. તેમણે માનસિક હતાશા અનુભવેલી. જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં હતી નહિ, ઘોડા નબળા પડી ગયા હતા, તેથી ધીમે ધીમે જવું પડતું હતું. થાકેલાં પ્રાણીઓને પણ છોડી દેવાં પડતાં હતાં. સ્ટુઅર્ટ પોતે સ્કર્વીના રોગથી તેમજ આંખોના ચેપી રોગથી માંદા પડી ગયેલા. તેમને વારંવાર ઝોળીમાં લઈ જવા પડતા હતા. ટેનાન્ટની ખાડીની દક્ષિણે, જળમાર્ગો સુકાઈ ગયેલા હતા, તેમ છતાં તેમણે અભિયાન ચાલુ રાખેલું. ટુકડીના કોઈ પણ સભ્યનું મોત થયું ન હતું. તેઓ છેવટે 1862ના ડિસેમ્બરની 17મી તારીખે એડીલેડ શહેર ખાતે પાછા પહોંચ્યા  આ રીતે આ અભિયાન પૂર્ણ થયું.

1863માં દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યે નૉર્ધર્ન ટેરિટરીનો કબજો મેળવ્યો.

સ્ટુઅર્ટનો જન્મ સ્કૉટલૅન્ડમાં થયેલો, અભ્યાસ એડિનબરો ખાતે કરેલો. ત્યાર બાદ તેમણે ઑસ્ટ્રેલિયામાં સ્થળાંતર કર્યું અને ત્યાં સર્વેક્ષક તરીકે કામગીરી શરૂ કરી. તેમની મહેચ્છા હતી કે તેઓ નવા ખંડને ખૂંદી વળે. 1844માં તેઓ ચાર્લ્સ સ્ટર્ટની ટુકડીમાં જોડાયા અને મરે-ડાર્લિંગના સંગમથી આયરની ખાડી સુધી ઉત્તર તરફ સફર ખેડી. 1858માં દક્ષિણ ઑસ્ટ્રેલિયાના ઓરાટુંગાથી સફર ખેડીને ટૉરેન્સ સરોવર અને આયર સરોવરના પશ્ચિમ ભાગને ખૂંદી વળ્યા. 1859માં દક્ષિણ ઑસ્ટ્રેલિયાની ઉત્તર સીમાથી 160 કિમી. સુધી ઉત્તર તરફની તેમણે સફર કરી. 1859 અને 1860માં ખંડના અંતરિયાળ ભાગોમાં પણ તેમણે બે સફરો ખેડેલી. દક્ષિણ ઑસ્ટ્રેલિયાની સરકારે તેમને આ ખંડને વીંધતી સફર માટે જાહેર કરેલા 2,000 બ્રિટિશ પાઉન્ડ અર્પણ કર્યા. ત્યાર બાદ સ્ટુઅર્ટ બ્રિટન પાછા ફરેલા.

ગિરીશભાઈ પંડ્યા