સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

January, 2009

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : ગુજરાતની સંલગ્ન કૉલેજ પ્રથા પર આધારિત એક યુનિવર્સિટી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના 23 મે, 1967ના રોજ થયેલી. રાજકોટ શહેરની પશ્ચિમે રૈયા અને મુંજકા ગામ વચ્ચેના ઉચ્ચ ભૂમિપ્રદેશમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ક્ષેત્રફળ 410 એકર હતું, જેમાંથી 50 એકર જમીન મેડિકલ કૉલેજ માટે અપાતાં હાલમાં (ઈ. સ. 2008માં) 360 એકર જમીનમાં યુનિવર્સિટી વિસ્તરેલી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં રાજકોટ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓનો સમાવેશ થાય છે.

યુનિવર્સિટીની સ્થાપના વખતે કૉલેજોની સંખ્યા 27 હતી, જે 31–3–2008ના રોજ 310 હતી. આરંભે ત્રણેક અનુસ્નાતક ભવનો હતાં, જેમાં ઉત્તરોત્તર વધારો થતાં યુનિવર્સિટીના નેજા હેઠળ નીચે મુજબનાં 27 અનુસ્નાતક ભવનો કાર્યરત છે : (1) ગુજરાતી, (2) અર્થશાસ્ત્ર, (3) સમાજશાસ્ત્ર, (4) ઇતિહાસ, (5) બાયૉસાયન્સ, (6) ભૌતિકશાસ્ત્ર, (7) રસાયણશાસ્ત્ર, (8) આંકડાશાસ્ત્ર, (9) ગણિતશાસ્ત્ર, (10) ઇલેક્ટ્રૉનિક્સ, (11) વાણિજ્ય, (12) શિક્ષણશાસ્ત્ર, (13) કાયદાશાસ્ત્ર, (14) ગૃહવિજ્ઞાન, (15) પત્રકારત્વ, (16) અંગ્રેજી અને તુલનાત્મક સાહિત્ય, (17) સંસ્કૃત, (18) મનોવિજ્ઞાન, (19) હિન્દી, (20) એમ.બી.એ., (21) ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાન, (22) કમ્પ્યૂટર-સાયન્સ, (23) માનવ-અધિકારો, (24) સમાજકાર્ય, (25) ફિલૉસૉફી, (26) ફાર્મસી અને (27) શારીરિક શિક્ષણ. આ ઉપરાંત યુનિવર્સિટીમાં એકૅડેમિક સ્ટાફ કૉલેજ તથા કમ્પ્યૂટર-સેન્ટર કાર્યરત છે. યુનિવર્સિટીની 40 જેટલી સંલગ્ન કૉલેજોમાં જુદી જુદી વિદ્યાશાખાઓના વિવિધ વિષયોનાં અનુસ્નાતક-કેન્દ્રો ચાલે છે. પ્રવેશવંચિત, વ્યવસાયને કારણે કે અન્ય પ્રતિકૂળતાઓને લીધે નિયમિત વિદ્યાર્થી તરીકે અભ્યાસ ન કરી શકતા વિદ્યાર્થીઓના હિતમાં વિનયન અને વાણિજ્ય વિદ્યાશાખામાં પ્રથમ વર્ષથી અનુસ્નાતક-કક્ષા સુધીના એક્સ્ટર્નલ અભ્યાસક્રમ–બાહ્ય પરીક્ષાની જોગવાઈ છે. વળી ઇન્દિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટી તથા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીનાં પ્રાદેશિક કેન્દ્રો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સક્રિય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સમૃદ્ધ ગ્રંથાલયની સુવિધા છે; જેમાં 1,69,000 જેટલાં પુસ્તકો છે, 170 જેટલાં સામયિકો આવે છે. વળી, આશરે 4000 જેટલાં ઈ-જર્નલ્સ(E-Journals)નો લાભ પણ મળે છે. ગ્રંથાલયમાં પીએચ.ડી.ના થીસિસ તથા એમ.ફિલ.ના ડિઝર્ટેશન માટે અલાયદી વ્યવસ્થા છે, તો ફોટોકૉપી(ઝેરૉક્સ)ની સુવિધા પણ છે. સવારે 8-00થી રાત્રિના 8-00 સુધી ખુલ્લા રહેતા યુનિવર્સિટી ગ્રંથાલયનો વિદ્યાર્થીઓ, સંશોધકો અને અધ્યાપકો લાભ લે છે.

યુનિવર્સિટીમાં વિદ્યાર્થીકલ્યાણ અને પ્રતિભાપ્રોત્સાહનની પ્રવૃત્તિઓ રૂપે પ્રતિવર્ષ યુવક મહોત્સવ અને રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે; જેમાં વક્તૃત્વ, ગઝલ-શાયરી-કાવ્યલેખન, એકાંકી, એકપાત્રીય અભિનય, પ્રાચીન રાસ, હળવું કંઠ્યસંગીત, સમૂહગીત, લોકગીત, સમૂહનૃત્ય, શાસ્ત્રીય નૃત્ય વગેરે થઈને ત્રીસેક જેટલી સ્પર્ધાઓ ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનના યુવક મહોત્સવમાં યોજાય છે. એવી જ રીતે ખો-ખો, કબડ્ડી, ફૂટબૉલ, વૉલીબૉલ, ક્રિકેટ જેવી ખેલકૂદની આંતરકૉલેજ હરીફાઈઓ પણ યુનિવર્સિટી પરિસરમાં તથા વિવિધ કૉલેજોમાં થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનાં સાહસ અને શક્તિને ખીલવવાના આશયથી મનાલી ખાતે ટ્રૅકિંગનું આયોજન પણ કરાય છે. યુનિવર્સિટીની રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) અંતર્ગત સંલગ્ન કૉલેજોનાં એન.એસ.એસ. યુનિટ કાર્યરત છે, જેના દ્વારા યોજાતી શિબિરોમાં વિદ્યાર્થીઓ શ્રમયજ્ઞ અને સેવાકીય કામગીરી કરે છે. સંલગ્ન કૉલેજોમાં એન.સી.સી.ની પ્રવૃત્તિઓ પણ ચાલે છે. યુનિવર્સિટીના નિરંતર શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણોપયોગી તથા સામાજિક જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાય છે. યુનિવર્સિટીમાં આરોગ્યકેન્દ્ર પણ ચાલે છે, જેનો લાભ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓને મળે છે. યુનિવર્સિટીમાં ચાલતી ‘નહેરુ ચૅર’ ભારતની રાજકીય અને સામાજિક સ્થિતિ-ગતિને અનુલક્ષીને પ્રવૃત્તિઓ કરે છે, તો યુનિવર્સિટીમાં સ્થપાયેલી ‘વિદુષી’ના ઉપક્રમે નારીકેન્દ્રી કાર્યક્રમો થતા રહે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું National Assessment and Accreditation Council (NAAC) દ્વારા મૂલ્યાંકન થયું છે અને ઈ. સ. 2002માં યુનિવર્સિટીને ‘Four Star’નો દરજ્જો મળ્યો છે. શ્રેષ્ઠી શ્રી દીપચંદભાઈ ગારડી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સતત અનુદાન મળતું રહ્યું છે, જેને પરિણામે યુનિવર્સિટી ખાતે વિવિધ ભવનોનું નિર્માણ થયું છે અને શૈક્ષણિક સુવિધાઓ પણ વધતી રહી છે. આ ઉપરાંત યુ.જી.સી., ડિપાર્ટમેન્ટ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી, ડિપાર્ટમેન્ટ ઑવ્ બાયૉટૅક્નૉલૉજી, મિનિસ્ટ્રી ઑવ્ એન્વાયરન્મેન્ટ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન, ડિપાર્ટમેન્ટ ઑવ્ ઍટમિક એનર્જી વગેરે દ્વારા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વિશિષ્ટ અનુદાન મળતું રહે છે. યુનિવર્સિટીનાં બાયૉસાયન્સ, અંગ્રેજી અને તુલનાત્મક સાહિત્ય, રસાયણશાસ્ત્ર તથા ભૌતિકશાસ્ત્ર ભવનો યુ.જી.સી.ના Special Assistance Program (SAP/DRS) હેઠળ સંશોધન-વિસ્તરણકાર્ય કરી રહ્યાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના California State University, Long Beach, U.S. તથા Griffith University, Brisbane, Australia સાથે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના આદાનપ્રદાન માટેના કરારો થયા છે. આ ઉપરાંત પણ દેશ-વિદેશની અન્ય અનેક શૈક્ષણિક તથા સંશોધનસંસ્થાઓ સાથેનું યુનિવર્સિટીનું જોડાણ છે. યુનિવર્સિટીમાં ‘ઇન્ટરનલ ક્વૉલિટી એસ્યૉરન્સ સેલ’ના નેજા હેઠળ અનુસ્નાતક ભવનો તથા સંલગ્ન કૉલેજોના શૈક્ષણિક સંવર્ધન અંગેની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે.

યુનિવર્સિટીના મુખ્ય વહીવટી વિભાગોમાં (1) વિદ્યાકીય, (2) અનુસ્નાતક શિક્ષણ, (3) પરીક્ષા, (4) હિસાબ, (5) જમીન-જાયદાદ, (6) શારીરિક શિક્ષણ, (7) યુવક-કલ્યાણ, (8) એન.એસ.એસ., (9) પ્રકાશન વગેરેનો સમાવેશ થાય છે.

યુનિવર્સિટીના પ્રકાશન વિભાગ દ્વારા કેટલાંક પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે અને અધ્યાપક-લેખકને એમનાં પુસ્તકો પ્રકાશિત કરવા માટે આંશિક આર્થિક સહાય પણ આપવામાં આવે છે. યુનિવર્સિટી ‘વાક્’ સામયિક પ્રગટ કરે છે, જેમાં વિવિધ વિષયોના અભ્યાસલેખો પ્રકાશિત થાય છે. વળી ‘સાયુજ્ય’ નામનું યુનિવર્સિટીનું માસિક મુખપત્ર પણ નિયમિત રીતે પ્રગટ થાય છે.

યુનિવર્સિટીના પદાધિકારીઓમાં કુલાધિપતિ (Chancellor), કુલપતિ (Vice Chancellor), ઉપકુલપતિ (Pro Vice Chancellor), કુલસચિવ (Registrar), વિવિધ વિદ્યાશાખાના અધ્યક્ષો વગેરેનો સમાવેશ થાય છે. સેનેટ, સિન્ડિકેટ, એકૅડેમિક કાઉન્સિલ વગેરે યુનિવર્સિટીનાં મુખ્ય સત્તામંડળો છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ હોદ્દાની રૂએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિનું પદ ધરાવે છે. યુનિવર્સિટીના મુખ્ય વિદ્યાકીય અને વહીવટી અધિકારીની જવાબદારી કુલપતિ સંભાળે છે. કુલપતિની નિમણૂક નિશ્ચિત પ્રક્રિયા દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની સમિતિની ભલામણ પરથી કુલાધિપતિ કરે છે. ઉપકુલપતિની નિમણૂક કુલપતિની ભલામણ મુજબ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. કુલસચિવની પસંદગીવરણી સમિતિની ભલામણ અનુસાર સિન્ડિકેટ દ્વારા થાય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આદ્ય કુલપતિ તરીકે વિદગ્ધ વિદ્વાન અને વિદ્યાપુરુષ ડોલરરાય માંકડ મળ્યા હતા, ત્યાર બાદ આવેલા કુલપતિઓમાં સર્વ શ્રી એ. આર. બક્ષી, જે. બી. સાંડિલ, યશવંત શુક્લ, હરસુખભાઈ સંઘવી, દેવવ્રત પાઠક, એસ. આર. દવે, આર. બી. શુક્લ, કે. એન. શાહ, સિતાંશુ મહેતા, જયેશ દેસાઈ, હરસિદ્ધ જોષી, કનુભાઈ માવાણી તથા કમલેશભાઈ જોષીપુરાનો સમાવેશ થાય છે.

નીતિન વડગામા