સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની

January, 2009

સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની : મૂક ચિત્રોના યુગમાં તે ક્ષેત્રે યોગદાન કરનાર ભારતની પ્રતિષ્ઠિત ચલચિત્રનિર્માણ કંપનીઓમાંની એક. આ કંપનીએ નિર્માણ કરેલા એક ચિત્ર ‘સમુદ્રમંથન’માં અડધો ડઝન જેટલાં દૃશ્યોમાં જે ટ્રિક-ફોટોગ્રાફીનો ઉપયોગ કરાયો હતો તેનાં માત્ર દેશમાં જ નહિ, વિદેશમાં પણ ભરપૂર વખાણ થયાં હતાં. રાજકોટગોંડલ રોડ પર લોધાવડ ગામ પાસે સ્થિત આ કંપનીએ કેટલાંક સફળ ચિત્રોનું નિર્માણ કર્યું હતું. તેની સ્થાપના ભાવનગરના બે ભાઈઓ વજેશંકર પટ્ટણી અને ચંપકરાય પટ્ટણીએ 1921ના જાન્યુઆરીમાં કરી હતી. ‘સમુદ્રમંથન’ આ કંપનીએ બનાવેલું પ્રથમ ચિત્ર હતું અને આ પ્રથમ ચિત્રથી જ તેની નોંધ દેશભરમાં લેવાવા માંડી હતી. તેમાં ટ્રિક-ફોટોગ્રાફી કરનાર ચંપકરાયના કામથી પ્રભાવિત થઈને બ્રિટનની ‘રૉયલ ફોટોગ્રાફિક સોસાયટી’એ 1925માં તેમને માનદ સભ્યપદ આપ્યું હતું. આ સભ્યપદ મેળવનારા તેઓ પ્રથમ ભારતીય બન્યા હતા.

ચંપકરાય પટ્ટણી(1897–1957)ના પિતા કાનજીભાઈ પટ્ટણી કોટડાસાંગાણી રજવાડાના રાજવૈદ્ય હતા. ભાવનગર રાજ્યના દીવાન પ્રભાશંકર પટ્ટણી તેમના ભત્રીજા હતા. પ્રભાશંકર પટ્ટણી તથા લંડન અભ્યાસ કરવા ગયેલા તેમના પુત્ર અનંતરાયે આ બંને પટ્ટણી-બંધુઓનો કળા પ્રત્યેનો રસ જોઈને તેમને ચલચિત્રનિર્માણ કંપની સ્થાપવા પ્રેર્યા હતા અને તે માટે તેમને આર્થિક સહાય પણ કરી હતી. અનંતરાયે તેમને લંડનથી એક મૂવી કૅમેરા મોકલ્યો હતો. તેને કારણે ચલચિત્રો બનાવવાની આ બંને ભાઈઓને ઓર ચાનક ચઢી અને વજેશંકરે તો એક ચિત્રની પટકથા પણ લખી નાંખી. પરિણામે 1921માં લોધાવડ ગામ પાસે ‘સૌરાષ્ટ્ર સિનેમેટોગ્રાફ કંપની’ અસ્તિત્વમાં આવી હતી. 1926 સુધીમાં કંપની ખોટમાં જતાં તેને લિમિટેડ બનાવીને ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની લિમિટેડ’ નામ અપાયું હતું. આ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર વી. કે. પટ્ટણી હતા અને કંપનીના જનરલ મૅનેજર તરીકે કેશવલાલ પોપટલાલ વ્યાસ નિમાયા હતા.

એ પહેલાં ‘સમુદ્રમંથન’ની સફળતા પછી આ કંપનીએ બે સામાજિક ચિત્રો ‘શરીફ બદમાશ’ અને ‘અનાથ અબળા’નું નિર્માણ કર્યું. થોડા જ સમયમાં આ કંપનીની નામના દેશભરમાં એવી ફેલાઈ ગઈ કે તેની સાથે કામ કરવા માટે મુંબઈથી કલાકારો અને કસબીઓ સૌરાષ્ટ્ર આવવા માંડ્યા. 1924માં ગાંધીજીના સાબરમતી આશ્રમ પર એક દસ્તાવેજી ચિત્ર ‘સ્વાશ્રય’નું નિર્માણ કરીને આ કંપનીએ તેને પોતે જ બનાવેલા ‘ચરખા’ ચિત્ર સાથે દર્શાવી હતી. ‘ચરખા’ અને ‘સ્વાશ્રય’ આ બંને ચિત્રોમાં ગાંધીજીનો મહિમા હોવાને કારણે અંગ્રેજો ખૂબ નારાજ થયા હતા. જોકે કંપનીએ તેની પરવા કર્યા વગર ચિત્રનિર્માણ ચાલુ રાખ્યું હતું. 1925માં પટ્ટણીબંધુઓએ ‘સનમની શોધમાં’ અને 1926માં ‘કલાબાજ આશિક’ ચિત્રોનું નિર્માણ કર્યું. તેમાં એ સમયની ખ્યાતનામ અભિનેત્રી એમર્લિને અભિનય કર્યો હતો. આ બંને ચિત્રો નિષ્ફળ જવાને કારણે કંપનીને ભારે આર્થિક નુકસાન થતાં એક સમયે તો તેને તાળાં મારી દેવાં પડે એવી નોબત આવી, પણ જ્યારે આ વાતની ખબર કાઠિયાવાડનાં મહારાણીને પડી, ત્યારે તેમણે કંપનીને લિમિટેડ બનાવવાની સલાહ આપી અને તેના કેટલાક શૅરો ખરીદીને તેને આર્થિક સહાય કરતાં કંપનીનું કામ ફરી ધમધમવા માંડ્યું અને 1926માં ‘પ્રેમ અને વાસના’ તથા 1927માં ‘મોહબ્બત યા મુસીબત’ અને ‘સુધરેલો શેતાન’ ચિત્રોનું નિર્માણ કર્યું. ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’એ કુલ 11 જેટલાં કથાચિત્રો અને નવ દસ્તાવેજી ચિત્રો બનાવ્યાં હતાં. એ સમયના પ્રમાણમાં ચિત્રના શૂટિંગ માટે તમામ પ્રકારની સુવિધાઓ ધરાવતી ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’માં ફિલ્મ પ્રોસેસિંગ માટે એક ખાસ લૅબોરેટરી હતી. પરંતુ ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’ 1931માં ફડચામાં ગઈ હતી.

સૌરાષ્ટ્ર સિનેમેટોગ્રાફ કંપની નિર્મિત ચિત્રો : 1924 : (1) બાલિ યજ્ઞ (સરન્ડર ઍટ માસ્ટર્સ ફીટ), દિગ્દર્શક : કાનજીભાઈ રાઠોડ; (2) સમુદ્રમંથન (ચર્નિંગ ઑફ ધ સી), દિગ્દર્શક : કાનજીભાઈ રાઠોડ; (3) સોસાયટી સ્કાઉન્ડ્રલ (શરીફ બદમાશ), દિગ્દર્શક : કાનજીભાઈ રાઠોડ; 1925 (4) ચરખા (ધ સ્પિનિંગ વ્હિલ), (5) લુકિંગ ફૉર લવ (સનમની શોધમાં); સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની નિર્મિત ચિત્રો : (6) કલાબાઝ આશક (ચિત્રકાર પ્રેમી), દિગ્દર્શક : વજેશંકર પટ્ટણી, કલાકારો : માવજી મુફલિસ; 1927 : (7) એ ફેઝ ઑફ લાઇફ, (8) કલ્ચર્ડ ક્રિમિનલ, (9) લવ ઍન્ડ રોમાન્સ, (10) લ્યોર ઑફ લસ્ટ (મોહજાળ); 1929 : (11) બીવેર ઑવ્ વીમેન, કલાકારો : આર. એન. વૈદ્ય.

હરસુખ થાનકી