સોમલ (White Arsenic) વિષ : તીવ્ર ઝેરી ખનિજ-દ્રવ્ય. જગતના તીવ્રતમ ઝેરમાં તેની ગણતરી થાય છે. સોમલ કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવતું ભયંકર ઝેરી ખનિજ છે. તેની 123 મિગ્રા. જેટલી માત્રા પણ વ્યક્તિના પ્રાણ સદ્ય હરી લે છે. તે સર્પવિષ કરતાં પણ ઝડપી મારકતા ધરાવતું દ્રવ્ય છે.

આ ખનિજ-દ્રવ્યનો આયુર્વેદના રસવૈદ્યો એક ઉત્તમ ઔષધ રૂપે ઉપયોગ કરે છે. એ ઉપરાંત, તે વિવિધ ઉદ્યોગોમાં એક મહત્વના પદાર્થ તરીકે પણ વપરાય છે. આ દ્રવ્ય કાતિલ ઝેરી હોઈ બજારમાં કે દેશી ઓસડિયાં વેચનારા વેપારીઓને ત્યાં પણ તે સહેલાઈથી ઉપલબ્ધ થતું નથી. આ દ્રવ્યની ઔષધ તરીકેની વધુ લેવાયેલ માત્રા દર્દીના પ્રાણ માટે જોખમકારક હોઈ, અલ્પજ્ઞ કે નાના વૈદ્યો પણ તેનો તેના મૂળ સ્વરૂપમાં ઉપયોગ કરતા નથી.

વિવિધભાષી નામો : સંસ્કૃત (આયુર્વેદોક્ત) : शंखमूष, शंखविष, सोमल, मल्लाक; गौरी पाषाण; दारूमूष, आखुपाषाण, एन्दुरूमारम् ।  હિન્દી : शंखिया, सोमल, संख्या, संबुल; ગુજરાતી : સોમલ, શંખિયો; બંગાળી : शंखविष, शेंकोविष; મરાઠી : सोमलखार; અરબી : सम्मुलफार; ફારસી : मगमूश; અંગ્રેજી : White Arsenic; લૅટિન : Qxidum Arsenicum.

દ્રવ્ય સ્વરૂપવર્ણન : સોમલ ખનિજ-દ્રવ્ય રૂપે ખાણમાંથી સ્વયંભૂ સ્થિતિમાં બહુ અલ્પ પ્રમાણમાં મળે છે. પ્રાય: તે સોના, ચાંદી, તાંબું, સીસું જેવી ધાતુઓની ખાણોમાંથી અન્ય ધાતુઓ સાથે મિશ્ર રૂપમાં પિંડ આકારે મળે છે. સોમલ તેના રંગની દૃષ્ટિએ સફેદ, રાતો, પીળો અને કાળો – એમ ચાર જાતનો મળે છે; પરંતુ સફેદ જાત જ વધુ વપરાય છે. સફેદ સોમલ કૃત્રિમ હોય છે અને લાલ સોમલ ખાણમાંથી પ્રાપ્ત થતો મનાય છે. રાસાયણિક દૃષ્ટિએ શુદ્ધ સોમલમાં આર્સેનિક અને ઑક્સિજન – આ બે જ તત્વો હોય છે. તેનું સૂત્ર As2O3 છે. સોમલ શરૂઆતમાં અર્ધપારદર્શક કાચ જેવો ચમકતો અને શંખ જેવો સફેદ હોય છે; પણ ધીરે ધીરે તે આછા પીળા રંગનો થઈ જાય છે. તે તાપ અને વિદ્યુતવાહક હોય છે. તેને તોડતાં કાચ જેવો ભૂકો થાય છે. નિર્વાત પાત્રમાં તેને ગરમ કરાય તો 68° સે. તાપમાને તે પીગળે છે. તેમાં ઘાતક અને અઘાતક બંને તત્વો રહેલાં હોય છે. રસવૈદ્યો (ખનિજ-ધાતુઓમાંથી ઔષધ બનાવનારા) સોમલનાં ઘાતક તત્વોને દૂર કરવા તેનું શોધન કરી, તેની ભસ્મ બનાવી, તેનો એક ઉત્તમ ઔષધ રૂપે ઉપયોગ કરે છે.

સોમલની ઘનતા 5.7 છે અને પરમાણુની માત્રા 74.9 છે. તેના ચિકિત્સા-ઉપયોગી મુખ્ય યૌગિક પદાર્થો હરતાલ (As2S3) તથા મન:શિલ (As2S2) છે. સોમલનું ચૂર્ણ લોટ જેવું સફેદ, વજનમાં ભારે, પાણીમાં ન ઓગળે તેવું, સ્વાદરહિત, અંગારા પર તેને નાંખતાં ધુમાડો થઈ ઊડી જાય તેવું અને ધુમાડો લસણની ગંધવાળો તથા આંખોને નુકસાન કરે તેવો ઝેરી હોય છે.

પ્રાપ્તિ : ભારતમાં સોમલ દાર્જિલિંગ અને હજારીબાગની ખાણોમાંથી તથા ચિત્રાલ, કુમાઉ અને અલમોડાની પહાડીઓની ખાણોમાંથી મળે છે. તે સિવાય ચીન તથા યુરોપીય દેશોમાંથી તે ભારતમાં આયાત થાય છે.

ઘાતકતા : સોમલ(અશુદ્ધ કે શુદ્ધ)ની પુખ્ત વ્યક્તિ માટેની પ્રાણહર ઘાતક માત્રા 123 મિગ્રા.થી 192 મિગ્રા. જેટલી ગણાય છે. તેની ધુમાડીથી આંખે અંધત્વ આવી શકે છે. ત્વચા માટે તેનો સ્પર્શ પણ ઝેરી છે. તેની ઘાતક માત્રા લીધા પછી એકાદ કલાકમાં કે થોડાક કલાકોથી માંડીને 48 કલાકમાં વ્યક્તિ મૃત્યુ પામે છે; તેથી વૈદ્યો તેની દવા અતિ સૂક્ષ્મ માત્રામાં દર્દીને આપે છે. સફેદ સોમલ બીજી જાતો કરતાં વધુ ઘાતક કે ઝેરી હોય છે.

આયુર્વેદના મતે સોમલના ઔષધિ રૂપે ગુણધર્મો : આયુર્વેદના મતે શુદ્ધ કરેલ સોમલ કે તેની બનાવેલી ભસ્મ તેની મુકરર કરેલ સૂક્ષ્મ માત્રામાં, યોગ્ય અનુપાન સાથે એક ઔષધિ તરીકે સેવન કરવાથી બળકારક, વાજીકર, રસાયનરૂપ તરીકે અસર કરે છે. તે ઝડપી અસરકર્તા ઔષધિ છે. તે દમ-શ્વાસ, ઠંડીનો (શીત-મલેરિયા) તાવ, પાંડુરોગ, હાથીપગાનો રોગ, સંધિવાત, બરોળની વૃદ્ધિ, ફિરંગ (ઉપદંશ – syphilis), દૂઝતા હરસ, નાડીવ્રણ, વાઈ (epilepsy), ગઠિયો વા, ગલગંડ; ત્વચારોગો  દાદર, કોઢ, રક્તવિકાર, વિસ્ફોટક તથા સર્પવિષ, વીંછીનું ઝેર, આમવાત, વાતવ્યાધિ, ગર્ભાશયની પીડા, અતિઆર્તવ, જૂની શરદીનાં દર્દ, કુકડિયા ખાંસી (whooping-cough) વગેરે રોગો ખૂબ ઝડપથી મટે છે. અનુભવી રસવૈદ્યો સોમલયુક્ત દવાઓની ખૂબ સૂક્ષ્મ માત્રા દર્દીને આપીને, પુરુષોની નામર્દાઈ કે નપુંસકતાના દર્દને ચમત્કારી રીતે મટાડે છે. આમ સોમલ કે તેની ભસ્મ તીવ્ર ઝેર હોવા છતાં, તેના જાણકાર વૈદ્યો તેનો ઉત્તમ ઔષધ તરીકે ઉપયોગ કરીને, દર્દીઓને દર્દમુક્ત કરી યશ મેળવે છે.

સોમલયુક્ત અન્ય આયુર્વેદિક ઔષધિઓની યાદી : ઘણા વૈદ્યો શુદ્ધ સોમલ ભસ્મ વાપરવાને બદલે સોમલ જેમાં હોય તેવાં અન્ય ખનિજ મન:શિલ અને હરતાલની ભસ્મો અથવા સોમલયુક્ત રસ-ઔષધિઓ જેમ કે  ચંડેશ્વર રસ (સર્વ જ્વર માટે), શંખ-વિષોદય રસ (વિષમ તથા સંનિપાત જ્વરમાં), વાતેભકેસરી રસ (કફજ શ્વાસ-ખાંસી-સંનિપાતમાં), સમીરપન્નગ રસ તથા મલ્લસિંદૂર રસ જેવી ઔષધિઓ વાપરીને યશ મેળવે છે.

સોમલ ઝેરથી થતા રોગો–ઉપદ્રવો : સોમલયુક્ત દવા કે શુદ્ધ સોમલ ભસ્મની વધુ માત્રા ખવાઈ જાય તો તેનાથી થતા વિષ-પ્રભાવથી કંઠ-હોજરીમાં દાહ સાથે તીવ્ર પીડા, ભારે તરસ, ઊલટી અને કંઠશોષ થવો, વમનમાં લોહી પડવું, ભારે પીડા સાથે ઝાડા થવા, મુખની લાળ પડવી, ઝાડો (મળ) કાળો કે લાલ થવો, મૂત્રાલ્પતા કે લોહી સાથે મૂત્રત્યાગ થવો, પગના ગોટલા બાઝવા, બેચેની થવી, આંખો લાલાશ પડતી કાળી થવી, નાડી ક્ષીણ, અનિયમિત અને વિષમ થવી, શ્વાસ-કષ્ટ થવું, આંચકા આવવા, આંખે નહિ દેખાવું (અંધતા), પગ તરફથી શરૂ કરી ઉપર જતાં શરીરનું ઠંડું પડવું, બોલવામાં લવરી થવી, ખૂબ તાવ આવવો અને ભારે મસ્તક-પીડા થવી વગેરે પરિણામ આવે છે અને છેવટે મૂર્ચ્છા થઈને મૃત્યુ થાય છે. સોમલના ઝેરની ઉત્તમ શાંતિ માટે ખૂબ સારી માત્રામાં દર્દીને ચોખ્ખું (પ્રાણીજ) ઘી પાવું જોઈએ અને વૈદ્યની સારવાર તત્કાલ લેવી જરૂરી છે.

સોમલની પરેજી : સોમલ કે તેનાથી બનતી કોઈ પણ રસ-ઔષધિના સેવન વખતે દર્દીએ કડક પરેજી પાળવી જરૂરી છે. આ દર્દીએ ખોરાકમાં ખારું (નમકયુક્ત), ખાટું અને તીખું, તળેલું વગેરે, ગરમ મસાલેદાર વાનગી; રાઈ, મેથી, હિંગ, લસણ, ભીંડો, રીંગણાં, આથેલો ખોરાક ખાસ બંધ કરવો જરૂરી છે. દર્દીએ ઘી, દૂધ, ઘઉં, ચોખા, માખણ, મગ, પરવળ, મીઠાં ફળોનો એકદમ સાત્વિક–સાદો ખોરાક જ લેવો આવશ્યક છે.

ઉપયોગ : આયુર્વેદ, ઍલૉપથી તથા હોમિયોપથી ચિકિત્સા-વિજ્ઞાનમાં સોમલનો એક શીઘ્ર લાભકારી ઔષધ તરીકે ઘણી સાવચેતીપૂર્વક ઉપયોગ થાય છે. આ ઉપરાંત સોમલ વિવિધ ઉદ્યોગોમાં – જેમ કે કાગળ, કાચ અને રંગ બનાવવામાં ખાસ વપરાય છે. વળી વહાણનાં લાકડાં પાણીથી જલદી ફુગાઈ ન જાય તે માટે તેને લાકડા ઉપર લગાવાય છે. આ ઉપરાંત, ઉંદર મારવાની દવા બનાવવામાં તે ખાસ વપરાય છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા