સોમદેવસૂરિ : ઈસવી સનની પંદરમી સદીમાં થઈ ગયેલ જૈન આચાર્ય. તેઓ શ્વેતામ્બર સંપ્રદાયના તપાગચ્છના આચાર્ય રત્નશેખરસૂરિના શિષ્ય હતા. આચાર્ય રત્નશેખરસૂરિએ સોમદેવસૂરિને રાણકપુરમાં આચાર્યપદ આપ્યું હતું.

સોમદેવસૂરિ ઉત્તમ કવિ ઉપરાંત પ્રખર વાદી પણ હતા. એમની કાવ્યકળાથી મેવાડપતિ રાણો કુંભ આકર્ષિત થયો હતો. પાવાપુર–ચંપકનેરનો રાજા જયસિંહ અને જૂનાગઢનો રા’ મંડલિક 3જો (ઈ. સ. 1451–1469) પણ એમની વિદ્વત્તા અને કાવ્યકળાથી પ્રસન્ન થયેલા.

આચાર્ય સોમદેવસૂરિએ રચેલો મહાન કથાગ્રંથ ‘કથામહોદધિ’ જૈન સાહિત્યમાં અત્યંત પ્રસિદ્ધ છે. ‘કથામહોદધિ’માં નાનીમોટી મળી 150 કથાઓ છે. આ કૃતિ સંસ્કૃત ગદ્ય અને પદ્યમાં રચાયેલી છે.

વજ્રસેનના શિષ્ય હરિષેણે રચેલા ઉપદેશાત્મક કાવ્ય ‘કર્પૂરપ્રકર’ અપરનામ ‘સૂક્તાવલી’નાં 179 પદ્યોમાં વર્ણવાયેલા 97 જૈન ધાર્મિક અને નૈતિક નિયમોની સંકેત રૂપે આપવામાં આવેલી દૃષ્ટાંતકથાઓનું પૂર્ણ વિવરણ આપવા માટે ‘કથામહોદધિ’ની રચના થઈ હતી. આ કારણે તેને ‘કર્પૂરકથામહોદધિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ‘કર્પૂરપ્રકર’ કાવ્યનો પ્રારંભ ‘કર્પૂરપ્રકર…’ શબ્દોથી થાય છે, તેથી તેનું નામ પણ તે જ થઈ ગયું. તેનું પ્રત્યેક પદ્ય ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવ્યું છે. પ્રસંગોને અનુરૂપ દૃષ્ટાંતો દ્વારા સમજાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે જીવદયા ઉપર નેમિનાથનું તથા પરસ્ત્રીગમનના કુફળ વિશે રાવણનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. પ્રત્યેક પદ્યમાં એક કે વધુ દૃષ્ટાંતરૂપ કથાઓનો સંકેત છે. આથી સંકેતોને આધાર બનાવી, કથાઓનો વિસ્તાર કરી ‘કથામહોદધિ’ની રચના કરવામાં આવી છે. આ રચનાનું વર્ષ કર્તાએ વિ. સં. 1504 (ઈ. સ. 1448) આપ્યું છે. સોમદેવસૂરિએ આ ઉપરાંત જિનપ્રભસૂરિકૃત ‘સિદ્ધાંતસ્તવ’ ઉપર ટીકા રચી હતી.

રમણીક શાહ