સોનગઢ (તાલુકો) : સૂરત જિલ્લાના સોનગઢ તાલુકાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 21° 10´ ઉ. અ. અને 73° 35´ પૂ. રે.. તેની ઉત્તરે ઉમરપાડા તાલુકો, પૂર્વે ઉચ્છલ તાલુકો, પશ્ચિમે વ્યારા તાલુકો તથા દક્ષિણે ડાંગ જિલ્લો આવેલા છે. આ તાલુકાનો વિસ્તાર 1207 ચોકિમી. જેટલો છે. તાલુકાની જમીનો કાળી, ગોરાડુ તેમજ ખડકાળ છે. જંગલ-વિસ્તાર 51,722 હેક્ટર જેટલો છે. વૃક્ષોમાં સાલ, સાદડ, વાંસ, ટીમરુ અને મહુડો તથા જંગલપેદાશોમાં આમળાં, અરીઠાં, ગુંદર, ટીમરુ પાન અને મહુડાનાં ફૂલનો સમાવેશ થાય છે.

એક વખતનું સમૃદ્ધ અને ઐતિહાસિક મહત્વ ધરાવતું આ નગર આજે ખંડિયેર સ્થિતિ ધરાવે છે, કારણ કે એક સૈકા અગાઉ તેનો ધ્વંસ થયો હતો. ત્યાર બાદ અહીંથી એક કિમી.ના અંતરે નવી વસાહત ઊભી થઈ અને તેને નવું સોનગઢ નામ અપાયું. અહીં પશ્ચિમે આવેલી એક ટેકરી પર કિલ્લાનું નિર્માણ થયેલું છે. કિલ્લાની અંદર 8  10 મીટરના કદનું નાનું કૃત્રિમ ચતુષ્કોણીય તળાવ છે, તે ઉપરાંત આજુબાજુમાં પણ નાનાં તળાવો આવેલાં છે. એક એવી માન્યતા પ્રવર્તે છે કે કિલ્લાના મધ્ય ભાગમાં ખંડિયેર હાલતમાં એક બહુમાળી મહેલ હતો; આજે તે જગાએ કેટલીક કટાયેલી તોપો જોવા મળે છે, જે કિલ્લાની મહત્વની યાદ અપાવે છે. મુઘલોના શાસનકાળ દરમિયાન આ કિલ્લો બંધાયો હોય અથવા તેનો જીર્ણોદ્ધાર કરાયો હોવાનું માનવામાં આવે છે. આ સિવાય અહીં ભગ્નાવસ્થામાં જોવા મળતાં કેટલાંક મંદિરોનાં શિલ્પ-સ્થાપત્ય નમૂનેદાર છે.

નવા સોનગઢમાં નવી વસાહતો ઊભી થઈ છે. નગરમાં સરકારી ચિકિત્સાલય તથા વાંસમાંથી કાગળ બનાવવાની મિલ આવેલાં છે. તાલુકામાં 2 નગરો અને 177 જેટલાં ગામો છે. આ તાલુકાની તથા નગરની વસ્તી અનુક્રમે 1,75,000 અને 22,426 (2001) જેટલી છે. અક્ષરજ્ઞાનનું પ્રમાણ 44 % જેટલું છે. તાલુકામાં મુખ્ય વસ્તી આદિવાસીઓની છે. આ નગર સૂરત–નંદરબારને જોડતા ધોરી માર્ગ પર તેમજ રેલમાર્ગ પર આવેલું છે.

ઇતિહાસ : સોનગઢ હાલમાં સૂરત જિલ્લાનો એક તાલુકો છે. પાષાણયુગીન ઇતિહાસના નાના કદનાં હથિયારો સોનગઢમાંથી પ્રાપ્ત થયાં છે, જે સોનગઢની પ્રાચીનતા પુરવાર કરે છે. પ્રાચીન કાલના અન્ય સમય વિશે સોનગઢમાંથી કોઈ પુરાવાઓ મળ્યા નથી; પરંતુ વડોદરાના ગાયકવાડી અમલ દરમિયાન સોનગઢ મહત્વનો વહીવટી એકમ હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં ગાયકવાડ હસ્તકના 14 મહાલોમાંનો એક અગત્યનો મહાલ સોનગઢ પણ હતો. સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડે ઊંચી ટેકરી પર બનાવેલ પ્રાચીન કિલ્લો છે, જ્યાં જૂના વખતની સુરંગો, બુરજો અને કોટ જોવા મળે છે. ગાયકવાડની લશ્કરી વ્યૂહરચના અને સંધિકરારોના સ્થળ તરીકે સોનગઢનું ખાસ મહત્વ હતું.

ગાંધીયુગ દરમિયાન સોનગઢ સ્વાતંત્ર્યની લડતો અને રચનાત્મક પ્રવૃત્તિઓ માટે જાણીતું હતું. દક્ષિણ ગુજરાતનાં ગ્રામસેવાકેન્દ્રોમાં તથા દારૂની પિકેટિંગની પ્રવૃત્તિઓમાં સોનગઢ મહત્વનું કેન્દ્ર હતું. 1942ની ‘હિંદ છોડો’ લડત વખતે આદિવાસીઓમાં પણ લોકલડતનો વાયરો ફૂંકાયો હતો. સોનગઢ તાલુકાના આદિવાસીઓએ લડત દરમિયાન ઘાસના ઢગલાઓ સળગાવી, ખજૂર-તાડી તથા દારૂના પીઠા પર હુમલાઓ કરી શાહુકારોનાં દફતરોનો નાશ કર્યો હતો. આદિવાસીઓનું આ આંદોલન 8 ફેબ્રુઆરી 1943 સુધી ચાલ્યું હતું.

સોનગઢ ગામમાં ભૈરવનાથનું અને ટેકરીની તળેટીમાં ફિરંગી માતાનું મંદિર આવેલું છે. ગાયકવાડે સોનગઢનો કિલ્લો જીતી ફિરંગી-વિજયની યાદગીરી રૂપે ફિરંગી માતાની સ્થાપના કરી હતી. ચૈત્ર સુદિ પૂનમ(એપ્રિલ)ના દિવસે આદિવાસી પ્રજાનો મોટો મેળો ત્યાં ભરાય છે.

આઝાદી પછી સહકારી ધોરણે ધીરધારની પ્રવૃત્તિઓ, સહકારી ધોરણે કાગળઉદ્યોગ વગેરે આર્થિક પ્રવૃત્તિઓનો સોનગઢમાં વિકાસ થયો હતો. યુ. એસ. પઠાણ નામની બધિર વ્યક્તિએ સોનગઢમાં અપંગો માટેની તાલીમ સંસ્થાની સ્થાપના કરેલી, જેની પ્રવૃત્તિઓનો ઇતિહાસ માનવીય મૂલ્યો પર આધારિત અને પ્રશંસનીય રહ્યો છે. સોનગઢ જનશિક્ષણ નિલયમ્ યોજના(J.S.N.)નું પણ અગત્યનું કેન્દ્ર છે.

સૂરતથી 85 કિમી. અંતરે આવેલું સોનગઢ તાલુકામથક હોવાથી આવાગમન અને જરૂરી સુવિધાઓ ધરાવે છે જોકે ગાયકવાડી તાબાનો પ્રદેશ રહ્યો હોવા છતાં ગાયકવાડના અન્ય વિસ્તારોની તુલનામાં સોનગઢને પછાત ગણવું પડે. તેના પછાતપણાનું મહત્વનું કારણ જંગલ-વિસ્તાર અને આદિવાસી વસ્તીની મોટી સંખ્યા છે. ગુજરાતના પ્રસિદ્ધ સર્જક અને વિવેચક સુરેશ જોષીએ પોતાની ‘જનાન્તિકે’ કૃતિમાં સોનગઢના કિલ્લાનું તથા ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે.

અરુણ વાઘેલા

નીતિન કોઠારી