સૈફી પ્રેમી (ખલિલઉર્રેહમાન, સૈયદ) (. 2 જાન્યુઆરી 1913, ગુન્નુર, જિ. બદાઉન, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ કવિ અને લેખક. તેમણે 1948માં અલીગઢ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને 1959માં એમ.એડ. તથા 1969માં દિલ્હી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશન, જામિયાનગર, નવી દિલ્હીના સેક્રેટરી રહ્યા હતા. તેઓ રુરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જામિયા મિલિયા, નવી દિલ્હીમાંથી પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા.

તેમણે અત્યાર સુધીમાં ઉર્દૂમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ખાલિશ’ (1964, ગઝલસંગ્રહ) અને ‘જિગર બ્રેલ્વી : શખ્શિયત ઔર ફન’ (1970, વિવેચન) ગ્રંથ છે. ‘હમારે મુહાવરે’ (1972) અને ‘કહાવત ઔર કહાની’ (1977) તેમના ભાષાશાસ્ત્રવિષયક નિબંધસંગ્રહો છે. ‘ઉસુલે તાલીમ-ઓ-અમલ-એ-તાલીમ’ (1978) (શિક્ષણવિષયક અનૂદિત) અને ‘આધી ઘડી’ (1978) (હિન્દીમાંથી અનૂદિત) ગ્રંથ છે. તેમણે નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રૅનિંગ માટે પણ ગ્રંથો રચ્યા છે. વળી સંખ્યાબંધ ઉર્દૂ સામયિકોનું સંપાદનકાર્ય પણ તેમણે સંભાળ્યું છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને ઉત્તરપ્રદેશ ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયેલો.

બળદેવભાઈ કનીજિયા