સૈદ અલી, મીર (. 16મી સદી, તબ્રિઝ, ઈરાન; . 16મી સદી, ભારત) : ભારતીય મુઘલ લઘુચિત્રકલાના બે સ્થાપક ચિત્રકારોમાંના એક (બીજા તે અબ્દુસ-સમદ). ઈરાનની સફાવીદ ચિત્રકલાના મશહૂર ચિત્રકાર મુસાવ્વીર સોલ્તાનિયે મીરના તે પુત્ર. મુઘલ બાદશાહ હુમાયૂંના આમંત્રણથી 1545માં ચિત્રકાર અબ્દુસ-સમદ સાથે તેઓ કાબુલ થઈને દિલ્હી આવી પહોંચ્યા. હુમાયૂંએ ભારતભરમાંથી દિલ્હી ખાતે એકઠા કરેલા ચિત્રકારોને ચિત્રકાર અબ્દુસ-સમદ સાથે વિશેષ તાલીમ અને દિગ્દર્શન આપવાં શરૂ કર્યાં. આ ભારતીય ચિત્રકારોએ મોટા કદનાં 1500 ચિત્રોમાં ઈરાની મહાકાવ્ય ‘હમ્ઝાનામા’ને આલેખ્યું. આ ચિત્રોમાં આકૃતિઓની ગોઠવણી અબ્દુસ-સમદની તથા રંગાયોજન મીર સૈદ અલીનાં ગણાય છે. આ 1500 ચિત્રોમાંથી આજે માત્ર 60 ચિત્રો બચેલ છે, જે દિલ્હી અને પશ્ચિમી દેશોનાં નામાંકિત સંગ્રહાલયોમાં પ્રદર્શિત છે.

અમિતાભ મડિયા