સેંટ ઇલિયાસ પર્વતો

February, 2008

સેંટ ઇલિયાસ પર્વતો : ઉત્તર અમેરિકા ખંડના અલાસ્કા અને યુકોનના પ્રદેશો વચ્ચેની સીમા પર આવેલા સમુદ્રકાંઠા નજીકના પર્વતોની ઊબડખાબડ ભૂમિદૃશ્ય રચતી શ્રેણી. આ ગિરિમાળા આશરે 480 કિમી. લંબાઈની છે. તેની પહોળાઈ, તેના કંઠાર મેદાન તેમજ તળેટીપટ્ટાને બાદ કરતાં 160 કિમી. જેટલી છે. માઉન્ટ સેંટ ઇલિયાસ અને માઉન્ટ ફૅરવેધર વચ્ચેના કિનારાથી તેની સીમા 48 કિમી. જેટલી છે.

ઉત્તર અમેરિકામાં બીજા અને ચોથા ક્રમે ગણાતાં ઉન્નત શિખરો સેંટ ઇલિયાસ પર્વતોમાં આવેલાં છે. તે પૈકીનું માઉન્ટ લોગાન (5951 મીટર) યુકોનમાં, જ્યારે માઉન્ટ સેંટ ઇલિયાસ (5489 મીટર) અલાસ્કામાં આવેલાં છે. આ ઉપરાંત બાકીનાં બીજાં બાર શિખરોમાં વાનકુવર, ફૅરવેધર અને હબ્બાર્ડનો સમાવેશ થાય છે. આ બધાં અલાસ્કાથી બહારનાં યુ.એસ.નાં શિખરોમાં વધુ ઊંચાં છે.

આ ગિરિમાળાનું ભૂમિદૃશ્ય ઊબડખાબડ લક્ષણવાળું હોઈ તેનું વધુ ખેડાણ થયું નથી, ઘણાખરાં શિખરોને નામ પણ અપાયાં નથી. અહીંના ખડકો પ્રથમ અને મધ્ય જીવયુગના છે. મુખ્યત્વે તે જળકૃત અને જ્વાળામુખી પ્રકારના છે. વરસાદ વારંવાર પડ્યા કરે છે. આખાય પહાડી ભાગમાં હિમનદીઓ આવેલી છે. અહીંની મોટી અને જાણીતી માલાસ્પિના હિમનદી રહોડ ટાપુ-રાજ્યની હિમનદી કરતાં પણ મોટી છે.

જાહનવી ભટ્ટ