સૅન્સી : ભારતીય ઉત્પત્તિ ધરાવતો અગ્નિજ્વાળા સમો દેખાતો તેજસ્વી પાણીદાર હીરો. તેનો મૂળ આકાર પીચના ફળ જેવો અને વજન 55 કૅરેટ જેટલું છે. તેનો ઇતિહાસ ઘણો લાંબો અને રોમાંચક છે. તે ઘણાં શાહી કુટુંબોમાં ફરતો રહ્યો છે. ટર્કીમાંના ફ્રેન્ચ એલચી નિકોલસ હાર્લે દ સૅન્સીએ આશરે 1570ના ગાળામાં તેને કૉન્સ્ટન્ટિનોપલમાં ખરીદેલો. તે પછીથી તેણે ફ્રેન્ચ રાજવીઓ હેન્રી ત્રીજાને અને હેન્રી ચોથાને ધીરેલો. ત્યારબાદ ઇંગ્લૅન્ડની રાણી એલિઝાબેથ પહેલીએ ખરીદેલો. પછીથી તે સ્ટુઅર્ટ્સ-વંશવારસામાં મળતો ગયેલો. 1688માં ઇંગ્લૅન્ડનો જેમ્સ બીજો ફ્રાન્સમાં ગયો ત્યારે આ હીરો ફ્રાન્સમાં ગયો અને લુઈ ચૌદમાના મુગટમાં અન્ય રત્નો સાથે જોવા મળ્યો. 1792માં આ રત્નો ચોરાઈ ગયાં. વળી પાછો 1828માં ફરીથી તે મળી આવ્યો. 1828માં તેને રશિયાના રાજકુમાર દેમિદોવે ખરીદ્યો અને તેના કુટુંબ પાસે તે 1900 સુધી રહ્યો. તે પછીથી તે લેડી નૅન્સી અસ્તોરનો બની રહેલો.

ગિરીશભાઈ પંડ્યા