સૂર્યપંખી ઉર્ફે જાંબલી શક્કરખોરો

January, 2008

સૂર્યપંખી ઉર્ફે જાંબલી શક્કરખોરો : દેખાવે રૂપાળું ને મીઠું ગાતું સામાન્ય પંખી. તે ફ્લાવર પેકર્સ કુટુંબનું નીડર પંખી છે. તેનો Passeriformes વર્ગમાં અને Nectarinia famosa શ્રેણીમાં સમાવેશ થાય છે. તેને અંગ્રેજીમાં Purple Sun Bird કહે છે. તેનું કુળ Nectariniidae છે.

ચાંચથી પૂંછડી સુધીની તેની લંબાઈ 10 સેમી.ની છે. પીળી કરેણ, સરગવો કે દાડમડીનાં અથવા બીજાં કોઈ સુગંધિત ફૂલો પાસે ઊડતું ભમરા જેવું ને જેવડું, ખૂબ તરવરિયું પંખી લાગે. ફૂલે ફૂલે ભમીને, ઊંધે માથે લટકીને, ફૂલમાં ચાંચ પરોવી એનો રસ ચૂસવામાં મશગૂલ જણાય. ફૂલોનો મીઠો રસ ચૂસતું હોવાથી તેને સાકર ખાનારો ‘શક્કરખોરો’ કહેવાય છે.

પ્રથમ દૃષ્ટિએ કાળા રંગનો લાગે; પરંતુ સૂર્યપ્રકાશમાં એનું પોત બદલાય અને આખા અંગમાંથી ચળકતી જાંબલી ઝાંય જોવા મળે. લીલાશ પડતી વાદળી અને રતાશ પડતી જાંબલી રંગની શોભાથી તે ખૂબ રૂપાળું લાગે છે. તેની પાંખો કાળાશ પર, પૂંછડી વાદળી ઝાંયવાળી. ખભા પાસે પાંખની નીચે ગુલાબી અને પીળા રંગનાં પીછાં હોય છે. તે ફેલાવે તો જાપાની પંખા જેવું લાગે. તાર પર કે ઝાડની ડાળી કે ટોચ પર છાતી કાઢી, મોઢું ઊંચું કરી, પાંખમાંથી જાપાનીઝ પંખા જેવો ભાગ પ્રસારી બુલંદ અવાજે ‘ચીરીરીરીરી’ એવી મીઠી સિસોટી મારીને બંદૂકમાંથી ગોળી છૂટે તેમ ‘ઝૂ……..મ’ કરતા ઊડવાની તેની ખાસિયત છે.

સૂર્યપંખી ઉર્ફે જાંબલી શક્કરખોરો

એની માદા સાવ સાદી છતાં રૂપાળી હોય છે. ઉપરથી તેની પીઠ ને પાંખો લીલાશ પડતી રાખોડી-ભૂખરી, નીચેથી સુંદર ચળકતી પીળી. નરના બધા રંગ ભાદરવાથી માગશર સુધીમાં ઊતરી જાય છે.

તેમનો ખોરાક ફૂલોના રસ ઉપરાંત ઝીણી જીવાત, ઇયળો, કરોળિયા અને માખી ગણાવી શકાય.

પ્રજનન ઋતુમાં માદા ચીંથરાં, કાગળના કટકા, દોરા, પાતળાં ઘાસનાં તણખલાં કે કરોળિયાનાં જાળાં ચોંટાડીને જમરૂખ-ઘાટનો કે લંબગોળ માળો ઝાડ, છોડ કે વેલમાં કરે છે. બાજુમાં લંબગોળ કાણું રાખે છે અને તેની ઉપર વાછટિયું પણ રાખે છે. તેમાં રાખોડી કે લીલાશ પડતાં 3 ઈંડાં મૂકે છે અને માદા જ ઈંડાં સેવે છે. કાણા દ્વારા નર પંખી બચ્ચાંનું પોષણ કરે છે.

બળદેવભાઈ કનીજિયા