સૂર્યનમસ્કાર

January, 2008

સૂર્યનમસ્કાર : પ્રાત:કાળે ઊગતા સૂર્યની ભક્તિભાવપૂર્વક ઉપાસના સાથે કરાતો નમસ્કારનો વ્યાયામ. સૂર્યનમસ્કારના એક આવર્તનમાં 12 યોગાસનોનો સમાવેશ થઈ જાય છે, આમ સૂર્યનમસ્કાર એ 12 આસનોની શ્રેણી છે. દરેક આવર્તન વખતે સાત્ત્વિક ભાવના અને શ્રદ્ધાપૂર્વક સૂર્યનાં જુદાં જુદાં નામો સાથે મંત્રોચ્ચાર કરવાનો હોય છે.

શ્વાસોચ્છ્વાસના નિયમન સહિત નિયમિત સૂર્યનમસ્કાર કરવાથી શરીરનાં સર્વ અંગોને સુદૃઢ વ્યાયામ મળે છે, જેને પરિણામે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે; એટલું જ નહિ, પણ ચિત્તની પ્રસન્નતા પણ સાંપડે છે. નિરામય દીર્ઘાયુષ્ય માટે સૂર્યનમસ્કાર સિદ્ધ વ્યાયામ-પ્રકાર છે. સૂર્યનમસ્કારનો મહત્તમ લાભ મેળવવા માટે પાંચ સૂર્યનમસ્કારથી શરૂ કરી દર અઠવાડિયે શક્તિ અનુસાર સંખ્યા વધારતાં જઈ યુવાન વ્યક્તિએ 100થી 125 સુધી પહોંચવું જોઈએ.

સૂર્યનમસ્કારની સ્થિતિનાં ચરણો

સૂર્યનમસ્કારની શરૂઆત ટટ્ટાર ઊભા રહેવાની મૂળ સ્થિતિથી થાય છે. સૂર્યનમસ્કારના એક આવર્તનમાં જે 12 આસનોનો સમાવેશ થાય છે તેમાં ક્રમથી નામ, શ્વસનક્રિયાનો પ્રકાર તથા ચિત્રમાં ક્રમાંક નીચે સારણીમાં દર્શાવ્યાં છે.

સારણી

ક્રમ આસનનું નામ શ્વસનક્રિયા આકૃતિ મુજબ ક્રમાંક
દક્ષાસન ટટ્ટાર (સાવધાન) ઊભા રહેવાની મૂળ સ્થિતિ
1. નમસ્કારાસન મંત્રોચ્ચાર 1
2. પર્વતાસન શ્વાસ અંદર લો. 2
3. હસ્તપાદાસન શ્વાસ બહાર કાઢો. 3
4. એકપાદ-પ્રસરણાસન શ્વાસ અંદર લો. 4
5. સમકાય ભૂધરાસન 5
6. સાષ્ટાંગપ્રણિપાતાસન શ્વાસ બહાર કાઢો. 6
7. ભુજંગાસન શ્વાસ અંદર લો. 7
8. ભૂધરાસન 8
9. એકપાદસ્થિતાસન 9
10. હસ્તપાદાસન શ્વાસ બહાર કાઢો. 10
11. નમસ્કારાસન 11
12. દક્ષાસન

ટટ્ટાર (સાવધાન) ઊભા રહેવાની મૂળ સ્થિતિ

ચિનુભાઈ શાહ