સૂરદાસ (. 1478, સીહી, જિ. ગુરગાંવ, હરિયાણા; . 1580, પરાસૌલી) : 16મી સદીના હિંદી સાહિત્યના લોકપ્રિય શ્રેષ્ઠ ભક્ત કવિ. પ્રારંભમાં તેઓ મથુરા પાસે ગૌઘાટમાં સાધુ રૂપે વિનયનાં પદો લખીને ગાતા હતા, ત્યાં પુષ્ટિમાર્ગના પ્રણેતા વલ્લભાચાર્ય(1478-1530)નો મેળાપ થયો. તેમણે તેમને દીક્ષિત કર્યા અને ભગવાનનું લીલાગાન રચવા પ્રેર્યા. તેમની નિષ્ઠા જોઈને તેમને શ્રીનાથજીના મંદિરમાં કીર્તનસેવા સોંપવામાં આવી.

વલ્લભાચાર્યના પૌત્ર ગોકુળનાથે (1552-1640) કહેલી અને વલ્લભાચાર્યની પાંચમી પેઢીમાં હરિરાયે પુન:રચિત અને વિસ્તારેલી ‘ચૌરાસી વૈષ્ણવનની વાર્તા’ સૂરદાસના જીવન વિશે જાણવાનું એકમાત્ર મહત્ત્વનું સાધન છે. વલ્લભાચાર્યના બીજા પૌત્ર યદુનાથના ‘વલ્લભ-દિગ્વિજય’ મુજબ વલ્લભાચાર્ય કવિને 1510માં ગોકુળ લઈ આવેલા. હરિરાયના મતે કવિ ગરીબ સારસ્વત બ્રાહ્મણ માતાપિતાનું સંતાન હતા અને જન્મથી અંધ હતા. આંતરિક પુરાવા પ્રમાણે તેઓ ઉચ્ચ વર્ણના ન હતા અને જન્મથી અંધ પણ ન હતા. ‘વાર્તા’ના કથન પ્રમાણે સૂરદાસ 1496થી 1510 સુધી ગૌઘાટમાં અને પછી ગોવર્ધનમાં રહ્યા હતા. તેમનું સમગ્ર જીવન મથુરા અને આગ્રાની આસપાસ વ્રજપ્રદેશમાં કૃષ્ણની પ્રેમભક્તિમાં વ્યતીત થયું હતું. અકબર સાથે તેમનો મેળાપ થયાનું કહેવાય છે; પરંતુ તેમણે રાજાઓની પ્રશંસા કર્યા વિના ફક્ત કૃષ્ણપ્રેમનાં પદોમાં મસ્ત રહેવાનું પસંદ કરેલું. ‘આઈને અકબરી’ મુજબ તેઓ સંગીતકાર હતા અને અષ્ટછાપના કવિઓમાં મોખરે હતા.

સૂરદાસ

તેમની પ્રમાણિત કૃતિઓમાં ‘સૂરસાગર’, ‘સૂરસારાવલી’ અને ‘સાહિત્યલહરી’નો સમાવેશ થાય છે. તે ઉપરાંત ‘નાગલીલા’, ‘ગોવર્ધનલીલા’, ‘પ્રાણપ્યારી’, ‘પદસંગ્રહ’ અને ‘સૂરસાઠી’, ‘બાંસુરીલીલા’, ‘બારહમાસા વા માસી’, ‘ભાગવત’, ‘દશમસ્કંધ ભાગવત : ટીકા’, ‘દાણલીલા’, ‘રાધા નખશિખ’, ‘રાધા-રસ-કેલિ-કૌતુક’, ‘વૈરાગ્યસત્તક’, ‘સૂર બહોત્તેરી’ વગેરે જેવા ગ્રંથોનો ઉલ્લેખ મળે છે. ‘સૂરસાગર’ કૃષ્ણભક્તિની ઉત્તમ રચના છે. ‘ચૌરાસી વૈષ્ણવનની વાર્તા’ના મુખ્ય ઝોક પ્રમાણે સૂરદાસ વલ્લભાચાર્યના પરમોત્કૃષ્ટ અનુયાયી હતા અને તેમનું આખું જીવન કૃષ્ણ અને રાધાની અનન્ય ભક્તિ પાછળ વ્યતીત થયું હતું. તેની પ્રેરણા તેમને વલ્લભાચાર્ય પાસેથી મળી અને તેમનાં ગીતોમાં કૃષ્ણનાં પ્રેમ અને લીલાની ઉલ્લેખનીય કલાત્મક અભિવ્યક્તિ રહેલી છે. સૂરદાસનાં પદો ભગવાન કૃષ્ણના દર્શનથી ભાવવિભોર થયેલા ભક્તહૃદયની રચનાઓ છે, જે પરમ સૌંદર્ય અને આનંદની દ્યોતક છે. તેમનું શબ્દ અને નાદતત્ત્વ બંને પર પ્રભુત્વ છે. પ્રેમભક્તિનાં પદોમાં તેઓ ભગવદગીતાનું તત્ત્વજ્ઞાન રજૂ કરે છે. તેમાં તેમની કૃષ્ણમયતા પણ જોઈ શકાય. ‘સૂરસાગર’ની લોકોત્તર રચનાઓમાં સંગીત અને કવિતાનું સુંદર મિશ્રણ થયેલું છે.

એમ કહેવાય છે કે તેમણે સવા લાખ પદોની રચના કરેલી તે પૈકી હાલ પાંચેક હજાર પદો મળે છે. ‘સૂરસાગર’ના 12 સ્કંધો પૈકી દશમ સ્કંધનાં 4160 પદોનું વિશેષ મહત્ત્વ છે. બાકીના સ્કંધોમાં 800થી ઓછાં પદો છે. ‘સૂરસારાવલી’માં 1107 પદો છે, જેમાં કૃષ્ણલીલાગાન સિવાય વિવિધ અવતારો સાથેની રામાવતારની કથા વિસ્તૃત રીતે વર્ણવાઈ છે. ‘સાહિત્યલહરી’માં 118 પદો છે, જેમાં સૂરનાં કૂટ પદો સંગૃહીત છે. નાયિકાભેદ અને અલંકારનાં ઉદાહરણો પણ તેમાં જોવા મળે છે. તેઓ પરંપરાની સાથે તત્કાલીન પરિસ્થિતિઓ પ્રત્યે સભાન છે અને એમના કાવ્યમાં શૃંગાર અને એમાં પણ વિપ્રલંભ શૃંગારનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. ‘સૂરસાગર’ના ભ્રમરગીત પ્રસંગમાં તેમની કાવ્યપ્રતિભા પરાકાષ્ઠાએ પહોંચી છે. ઉદ્ધવના નિર્ગુણ જ્ઞાનથી વ્યથિત ગોપીઓની વાગ્વિદગ્ધતામાં તેમની કવિતા સોળે કળાએ ખીલી ઊઠી છે. કૃષ્ણની બાળક્રીડાનાં ચિત્રણ પણ ઉત્તમ છે. તેમાં ભારતીય લોકસંસ્કૃતિના ઉત્સવો, પર્વો અને અન્ય પ્રસંગોનો કલાત્મક વિનિયોગ કરવામાં આવ્યો છે.

ઇતિહાસકાર બદાયુનીના મતે સૂરદાસે હિંદી, સંસ્કૃત, ફારસી અને સંગીતશાસ્ત્રની વિદ્યા તેમના પિતા બાબા રામદાસ પાસેથી પ્રાપ્ત કરેલી. ‘ભક્તમાળ’ના મતે સૂરદાસના ‘સાહિત્યલહરી’ (દૃષ્ટિકૂટ) નામક ગ્રંથના પૃષ્ઠ નં. 107, છંદાવલિ 110માં નિજ જાતિનું વર્ણન કરેલ છે. પોતે બ્રહ્મરાવ અથવા બ્રહ્મભટ્ટ જાતિના હતા અને મહાકવિ ચંદના વંશમાં જન્મ્યા હતા. અકબરનાં નવરત્નો પૈકીના તેઓ એક હતા. તાનસેન સાથે તેમને મૈત્રી હતી. અકબરનો દરબાર છોડ્યા બાદ વ્રજમાં ચાલ્યા ગયેલા. અનેક પરિભ્રમણ બાદ સવાલાખ પદો રચ્યાં. તેમની ગણના વ્રજભાષાના 8 કવિઓમાં થતી.

આલોક ગુપ્તા