સુનીતા નિડોમ્બમ

January, 2008

સુનીતા, નિડોમ્બમ (. 1967, થૌબલ ક્ષેત્રિલીકાઈ, મણિપુર) : મણિપુરી ભાષાનાં લેખિકા. તેમણે વાઈ. કે. કૉલેજ, વાનજિંગ, મણિપુરમાં બી.એ.ની ડિગ્રી મેળવી તથા હિંદીમાં ‘રત્ન’ની પદવી મેળવી. તેઓ અંગ્રેજી પણ જાણે છે. તેમને તેમની કૃતિ ‘ખોંગજી મખોલ’ બદલ 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

નિડોમ્બમ સુનીતા

તેઓ થૌબલ રાઇટર્સ ઍસોસિયેશનનાં સ્થાપક-સભ્ય છે અને મણિપુરી સાહિત્ય પરિષદમાં કાર્યકારી સભ્ય છે. તેઓ શેક્સપિયર, ચાર્લ્સ ડિકન્સ, રવીન્દ્રનાથ ઠાકોર, એમ. કે. વિનોદિની, શરતચંદ્ર, હિજમ ગુનો વગેરેની કૃતિઓથી પ્રભાવિત થયાં છે. સમાજસેવામાં તેમની રુચિ રહી છે. 1997થી 1999 સુધી તેમણે મણિપુરી માસિક-પત્રિકા ‘અથોન્બા’નું સંપાદન કર્યું.

કિશોરાવસ્થામાં જ તેમણે લેખનકાર્ય શરૂ કરેલું. અત્યાર સુધીમાં તેમણે 4 વાર્તાસંગ્રહો આપ્યા છે. તેમને નહરોલ સાહિત્યપ્રેમી સમિતિ, ઇમ્ફાલના ખૈદેમ પ્રમોદિની સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ખોંગજી મખોલ’ 15 વાર્તાઓનો સંગ્રહ છે; તેમાં મણિપુરનાં ગ્રામીણ ક્ષેત્રોમાં વસતી સ્ત્રીઓની સહજ-સરળ જીવનકથાને અત્યંત અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. આ વાર્તાઓ દ્વારા લેખિકાના માનવમનની ઊંડી સમજ ઉજાગર થાય છે. ભાવનાઓ તથા મનોવેગોની અર્થપૂર્ણ અભિવ્યક્તિ, ગ્રામજીવનનું યથાર્થ નિરૂપણ, સ્ત્રીઓના મનોવિજ્ઞાનમાં તેમની ઊંડી પહોંચ બદલ મણિપુરીમાં રચિત આ કૃતિ ભારતીય કથાસાહિત્યમાં આગવા પ્રદાનરૂપ ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા