સુદામાચરિત્ર : ભગવાન શ્રીકૃષ્ણ સાથે સખ્યભક્તિથી જોડાયેલા તેમના બાલસખા સુદામાની ચરિત્ર-કથા. તે ભાગવતના દશમસ્કંધના 8081મા અધ્યાયમાં મળે છે. ભાગવતમાં સુદામાનો ‘કોઈ બ્રાહ્મણ’ તરીકે, કૃષ્ણના ગરીબ, બ્રાહ્મણ બાળમિત્ર તરીકે અને પછી ‘કુચૈલ’ તરીકે ઉલ્લેખ છે; પરંતુ ‘સુદામા’ એવો નામોલ્લેખ નથી. કૃષ્ણ-સુદામાની મૈત્રીને મધ્યકાળમાં વિવિધ કવિઓએ કાવ્યરૂપ આપ્યું છે. નરસિંહનું ‘સુદામાચરિત્ર’ પદમાળા રૂપે છે અને એમાં કૃષ્ણ-સુદામાની મૈત્રીની કથાનો તંતુ ગૂંથીને કવિ સુદામાની કૃષ્ણભક્તિનું નિરૂપણ કરે છે. નરસિંહે આલેખેલી ઋષિપત્ની ભક્ત-આત્માને શોભે એ રીતે નિર્ધનતાના વાસ્તવને વર્ણવે છે. કવિ જગન્નાથની રચના ‘સુદામો’ કોઈ વિભાજન વિના સળંગ રૂપે રચાઈ છે, તો કવિ સુંદરની ‘સુદામાની કથા’ આખ્યાન સ્વરૂપનાં ઢાળ-વલણવાળી છે. મોતીરામે, નરસિંહની જેમ ‘સુદામાપુરી’ને પદોમાં વર્ણવી છે. 15મી સદીની કવિ સોમની કૃતિમાં સુદામા-પત્નીના પાત્ર દ્વારા ભક્તિની સાથે પ્રાપ્તિ(સકામ ભક્તિ)ની વાત કહેવાઈ છે. ભીમે ‘હરિલીલાષોડશકલા’માં સુદામાની કથા 14 ‘ચુપૈ’માં વર્ણવી છે (ઈ. સ. 1485), તો ભાલણે ‘દશમસ્કંધ’માં સુદામાના વૃત્તાંતને પદોમાં આલેખ્યું છે. જોકે, એ સ્વતંત્ર રીતે આખ્યાનકૃતિ તરીકે પણ ટકી શકે એવું છે. સુદામાની દરિદ્ર-અવસ્થાના વર્ણનમાં પુરોગામીઓ કરતાં પ્રેમાનંદની કવિત્વશક્તિ વિશેષ ખીલી છે. ‘જેવો ઊગે તેવો આથમે’ – એ નાનકડી પંક્તિમાં સુદામા-પત્નીની કરુણ દયનીય અવસ્થા સચોટતાથી વર્ણવાઈ છે. સુદામા અને સુદામા-પત્ની વચ્ચેના સંવાદોની ‘મામ ન મૂકીએ રે’ અને ‘મામે વણસે કામ’ – એ ધ્રુવપંક્તિઓ એને યથાતથ રજૂ કરે છે. આમ, મોટા ગજાના કવિઓથી માંડીને મધ્યમ કોટિના કવિઓએ આ કથાનકનાં સખ્યભક્તિમૂલક કાવ્યો આપ્યાં છે.

અકિંચન સુદામાની પત્ની ભૂખ્યાં બાળકોનું દુ:ખ અસહ્ય બનતાં પતિને ભગવાન શ્રીકૃષ્ણની મૈત્રીનું સ્મરણ કરાવી, કંઈક પામવાની આશાએ શ્રીકૃષ્ણ પાસે જવા વીનવે છે. પત્ની પાડોશમાંથી માગી આણેલા પૌંઆ/તાંદુલ શ્રીકૃષ્ણને ભેટ આપવા માટે પતિને બાંધી આપે છે. દ્વારકામાં શ્રીકૃષ્ણ બાળમિત્ર સુદામાનો આદરસત્કાર કરે છે, વિદ્યાર્થીઅવસ્થાનાં સ્મરણો તાજાં કરે છે. ભાભીએ મોકલાવેલી ભેટ સામેથી માંગીને શ્રીકૃષ્ણ સુદામાની જાણ બહાર એને અપાર સંપત્તિ આપે છે. બીજે દિવસે વિદાય લેતા મિત્ર સુદામાને શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ રીતે કંઈ આપતા નથી, ત્યારે ધન મેળવીને હું પ્રભુભક્તિ વીસરીને અહંકારી બની જઈશ એમ વિચારીને સુદામા પોતાને ગામ આવી પહોંચે છે. પોતાના ઘરની જગ્યાએ ભવ્ય મહેલ જોઈને આશ્ર્ચર્ય અનુભવતા સુદામાને એમની પત્ની દાસ-દાસીઓ સાથે આવકારે છે અને પ્રભુકૃપાથી સંપત્તિવાન બનેલા સુદામા પ્રત્યેક જન્મ માટે શ્રીકૃષ્ણના દાસપણાની યાચના કરે છે.

પ્રેમાનંદ પોતાના આખ્યાનમાં સુદામાના કથાનકનાં, પુરોગામી કવિઓનાં કાવ્યોમાં અણવિકસિત રહી ગયેલાં રસબિંદુઓને કલાત્મકતાથી ખીલવે છે, જેમાં એની પ્રતિભાનો ઉન્મેષ જોવા મળે છે. પ્રેમાનંદ આખ્યાનકાર છે, કથાકાર છે. એ આખ્યાનકાર તરીકે સૌને અહીં ભક્તિરસ ચાખવાનું સૂચન કરે છે. ગુરુના આશ્રમમાંથી અભ્યાસ બાદ છૂટા પડતી વેળા સુદામા કૃષ્ણ પાસે એમની ભક્તિ કરવાનું વરદાન માગી-મેળવી લે છે અને આ ભક્ત-ભગવાનના પુનર્મિલનની ભૂમિકા રચાઈ જાય છે. સુદામાનો દસ બાળકોવાળો મોટો પરિવાર અકિંચન અવસ્થામાં જીવે છે. અજાચકવ્રતધારી સુદામા પત્નીના કહેવાથી દ્વારકા શ્રીકૃષ્ણના મહેલમાં પહોંચે છે, જ્યાં પ્રભુ ભક્તને ભાવપૂર્વક આવકારે છે. સુદામા-પત્નીએ મોકલેલી તાંદુલની ભેટની માગણી કરતા પ્રભુ યાચક બનીને ભક્તને મોટો બનાવે છે. પ્રેમાનંદે આધ્યાત્મિકતા અને સંસારભાવ વચ્ચેના સંઘર્ષમાં અટવાતા ભક્ત સુદામાને માનવસહજ શક્તિ-મર્યાદાઓના મિશ્રણવાળો દર્શાવ્યો છે. ઘરસંસાર પ્રત્યે ઉદાસીન રહેતા (‘મુનિનો મર્મ કોઈ નવ લહે’) આ ભક્ત ભગવાનની ભક્તિમાં સક્રિય રહે છે. પરિણામે એનાં પતિ, પિતા અને ભક્ત તરીકેનાં કર્તવ્યોની સમતુલા જોખમાય છે. અડગ, સ્થિર અને દૃઢ પ્રભુશ્રદ્ધા ધરાવતી સુદામા-પત્ની, ભૂખ્યાં બાળકોનાં દુ:ખથી વ્યથિત માતા, હવે પ્રભુને તકલીફ આપવાનું વિચારે છે અને ભક્ત અને ભગવાનના મિલનમાં નિમિત્ત બને છે. પતિની ભક્તિને એ સ્થિર કરે છે તો ભગવાન શ્રીકૃષ્ણ અહીં પોતાના ભક્ત, બાળસખા સુદામાની મનોવૈજ્ઞાનિક માવજત કરે છે. શ્રીકૃષ્ણ-સુદામાના ગુરુ સાંદીપનિના આશ્રમમાં સહાધ્યાયી તરીકે ગાળેલા સમયનું સ્મરણ કરતા સંવાદોમાં પ્રેમાનંદ બે મિત્રોની સ્નેહોર્મિનો સમથળ પ્રવાહ વહેવડાવે છે. પોતાની રાણીઓમાં મિત્ર સુદામા હાંસીપાત્ર ન બને એ માટે શ્રીકૃષ્ણ તાંદુલમાં અનુપમ સ્વાદ મૂકે છે. વિદાયવેળા પણ દેખીતી રીતે પોતાને કશું ન આપતા શ્રીકૃષ્ણની કૃપણતા સુદામાને નિરાશ-નારાજ કરે છે. નિ:શ્વાસ નાંખતા, ખાલી હાથે પાછા ફરતા સુદામા પોતાની આ પરિસ્થિતિ માટે પત્નીને દોષ દે છે, આત્મનિંદા કરે છે; પરંતુ પ્રભુ સુદામાને હાથોહાથ સંપત્તિ આપતા નથી, એમાં ગૃહસ્થાઈનો વિનય છે.

પોતાનાં આખ્યાનોમાં વિવિધ રસોનું કૌશલપૂર્વક નિરૂપણ કરતા પ્રેમાનંદે ‘સુદામાચરિત્ર’માં મુખ્યત્વે ભક્તિરસના અનુલક્ષમાં કરુણ અને હાસ્યનું નિરૂપણ કર્યું છે. સુદામાની દરિદ્રતાને કારણે કવિ કરુણને પણ હાસ્યનું મહોરું પહેરાવીને રજૂ કરે છે. નિર્ધન સુદામાના ખંડેરસમા ઘરનું વર્ણન ‘નીચાં ઘર ભીંતડિયો પડી, શ્વાન માંજાર આવે છે ચડી…..’ હાસ્યની સાથે કરુણતા પણ જગાવી જાય છે. સુદામા-પત્નીની આ ફરિયાદમાં હાસ્ય-કરુણનું અનોખું સંમિશ્રણ છે; તો આ બાળક પરણાવવાં પડશે, સતકુળની કન્યા ક્યાંથી જડશે ? આવી દારુણ ગરીબીમાં પણ બાળકો માટે સારા કુળની કન્યાની ચિંતા એને સતાવે એ થોડું રમૂજપ્રેરક તો ખરું જ. વળી પ્રભુ માટેના તાંદુલ પર ચીંથરાં વીંટતાં દંપતીનું દૃશ્ય પણ હસાવે એવું છે. પ્રેમાનંદે કુશળતાથી હાસ્યની ઓથે સુદામાની ગરીબીની કરુણતા પ્રગટાવી છે. ઉપરાંત, દ્વારકા જતા સુદામાના આલેખનમાં વર્ણન-આધારિત હાસ્ય છે. તેમાં અતિશયોક્તિનો પણ સહારો લેવાયો છે. વળી સુદામાની ટીખળ કરતી દ્વારકાની યાદવ સ્ત્રીઓનાં વ્યંગવચનોમાં પ્રેમાનંદ બેવડું હાસ્ય પ્રગટાવે છે. યાદવ સ્ત્રીઓની સુદામાની કંગાલિયતની મશ્કરીમાં સ્થૂળ હાસ્ય છે, પણ હરિભક્ત સુદામા કૃષ્ણદર્શન પામીને ધન્ય બનવાના છે એ જાણતો વાચક પેલી યાદવ સ્ત્રીઓના અજ્ઞાન પર હસે છે, ત્યાં સૂક્ષ્મ હાસ્ય છે. આવું બેવડું હાસ્ય પ્રેમાનંદની લાક્ષણિકતા છે.

હાસ્ય અને કરુણરસની સાથે કૃષ્ણના અંત:પુરના વર્ણનમાં શૃંગારરસની છાંટ પણ જોવા મળે છે. શ્રીકૃષ્ણ દ્વારા સુદામાને મળેલ અઢળક વૈભવનો વૃત્તાંત વિસ્મયપ્રેરક છે. તે અદભુત રસ જગાડે છે.

આ કાવ્યમાં સખ્યભક્તિનું પ્રગટીકરણ એ કવિનું પ્રધાન લક્ષ્ય છે અને વિવિધ પરિસ્થિતિઓને નિમિત્તે કવિએ શાંતરસ-ભક્તિરસ ઉપરાંત અન્ય રસો પણ નિષ્પન્ન કર્યા છે.

પ્રેમાનંદે સુદામાની ગરીબી અને શ્રીકૃષ્ણની સમૃદ્ધિ તથા દ્વારકા જતા સુદામાની અકિંચનતા અને દ્વારકાનગરીનો વૈભવ – એમ વિરોધી ચિત્રવર્ણનો દ્વારા અસરકારકતા સાધી છે. પરંપરિત વર્ણનોમાં રૂઢિગત સામગ્રીના વિનિયોગ દ્વારા પણ પ્રેમાનંદ પોતાની પ્રતિભાના બળે પ્રત્યક્ષીકરણ તથા સ્વાભાવિકતા લાવી શક્યા છે. આ વર્ણનોમાં ઝીણવટ ધ્યાન ખેંચી રહે છે.

આ ભક્તિકેન્દ્રિત રચનામાં પ્રેમાનંદનું ભાષાકૌશલ નોંધપાત્ર છે. કૃષ્ણનાં વિવિધ નામો કવિ મર્મજ્ઞતાથી પ્રયોજે છે. વિવિધ અલંકારો, પ્રાસાનુપ્રાસ, શબ્દપ્રયોગો અને વાક્યપ્રકારો, ક્રિયાપદો, તળપદા અને શિષ્ટ શબ્દોના વિશિષ્ટ પ્રકારના ઉપયોગમાં આ સમર્થ કવિની પ્રતિભાના ચમકારા જોઈ શકાય છે. કવિની ભાષામાં પ્રત્યક્ષીકરણની શક્તિ છે.

પ્રેમાનંદ પછી પણ જગન્નાથ, મોતીરામ, સુંદર, ઉપેન્દ્રાચાર્ય, નરસિંહરામ ભવાનીશંકર વગેરેની કલમે સુદામાકથા માવજત પામી છે અને અર્વાચીન કાળમાં પણ સુન્દરમ્ આદિ દ્વારા એ કથાને અનુલક્ષીને કવિતા થઈ છે; પરંતુ પ્રેમાનંદનું ‘સુદામાચરિત્ર’ પુરોગામીઓના પ્રભાવવાળું હોવા છતાં સખ્યભક્તિના કલાત્મક નિરૂપણવાળા આખ્યાનકાવ્ય તરીકે અનન્ય છે.

આરતી ત્રિવેદી