સુતરિયા અનસૂયા

January, 2008

સુતરિયા, અનસૂયા (. 12 નવેમ્બર 1924, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતી રંગભૂમિનાં જાણીતાં અભિનેત્રી અને નાટ્યશિક્ષિકા. 12 વર્ષની વયે તખ્તા પર વિનોદિની નીલકંઠને અભિનય કરતાં જોઈને તેમને અભિનેત્રી બનવાની પ્રેરણા જાગી. 1949માં ‘રંગમંડળ’ના ‘‘વિનોદ’’ સપ્તાહનાં એકાંકીઓમાં બટુભાઈ ઉમરવાડિયાના નાટક ‘હંસા’માં તેમણે અભિનય કર્યો.

અનસૂયા સુતરિયા

પછી ‘ફેલ્ટ હૅટ’ વગેરે નાટકોમાં તેમણે ઠસ્સાદાર સ્ત્રીપાત્રો ભજવ્યાં. ‘સાથે શું બાંધી જવાના ?’ (મોઝાર્ટ – ‘યુ કાન્ટ ટેઇક વિથ યુ’નું રૂપાંતર), ‘મોંઘેરા મહેમાન’ (‘હી કેઇમ ટુ ડિનર’નું રૂપાંતર, દિગ્દર્શક : જયંતિ દલાલ), ‘ઇડરિયો ગઢ જીત્યા રે’ (દિગ્દર્શક : હીરાલાલ ભગવતી) વગેરે નાટકોમાં સબળ અભિનય દ્વારા અમદાવાદની રંગભૂમિમાં તેમની ગણના થવા લાગી. તેમણે જયંતિ પટેલ, દામિની મહેતા, બાલુભાઈ ત્રિવેદી, નરોત્તમ શાહ, પ્રભાબહેન પાઠક વગેરે સાથે અનેક પાત્રો પ્રસ્તુત કર્યાં.

1953માં નટમંડળમાં રસિકલાલ પરીખ-લિખિત ‘મેના ગુર્જરી’ નાટકમાં જયશંકર સુંદરી સાથે અને દલપતરામના ‘મિથ્યાભિમાન’માં તેમણે સુંદર અભિનય કર્યો હતો. ‘ઘરલખોટી’(દિગ્દર્શક : જશવંત ઠાકર)માં લલિતાના પાત્રથી પ્રતિષ્ઠિત અભિનેત્રીઓમાં તેમને સ્થાન મળ્યું.

1957માં તેમણે જશવંત સુતરિયા સાથે લગ્ન કર્યું. ત્યારથી તેમની મૂળ અટક ‘ચોકસી’ બદલાઈને ‘સુતરિયા’ થઈ. 1960માં જશવંત ઠાકરના અધ્યક્ષપદે શરૂ થયેલા નાટ્યવર્ગોમાં તેઓ પ્રાધ્યાપિકા તરીકે જોડાયાં અને ‘કાશીનાથ’ તથા ‘પરિત્રાણ’ નાટકોમાં તેમણે કલાત્મક ભૂમિકા ભજવી. ‘પરિત્રાણ’ નાટકમાં તેમણે ગાંધારીની ભૂમિકા ભજવી હતી. 1970માં તેઓ ગુજરાત કૉલેજના નાટ્યવિભાગમાં જોડાયાં અને 1974માં સેવાનિવૃત્ત થયાં.

જનક દવે