સુંદરી સુબોધ : અમદાવાદના બંધુસમાજનું માસિક મુખપત્ર. કેળવણી પ્રચાર, સમાજ અને જ્ઞાતિના પરંપરિત રીતિ-રિવાજોની સુધારણા અને સ્વદેશીને ઉત્તેજન આપવાનાં કાર્યોમાં અમદાવાદના બંધુસમાજની સેવા નોંધપાત્ર છે. આ મંડળે ઈ. સ. 1903ના સપ્ટેમ્બરથી શ્રી રામમોહનરાય જસવંતરાય દેસાઈના તંત્રીપદે ‘સુંદરી સુબોધ’ નામનું માસિક શરૂ કરેલું.

સ્ત્રીસમાજની નિરાશાજનક અને અજ્ઞાનભરી સ્થિતિને સુધારવા માસિકપત્ર દ્વારા જ્ઞાનપ્રચારનો ઉદ્દેશ બંધુસમાજે સેવ્યો હતો. સ્ત્રીઓને વિવિધ વિષયો પરત્વે દિશાદર્શન આપી એના વિચારજગતને કેળવવાનું અને સ્ત્રીઓને પ્રોત્સાહિત કરવાનું આ માસિકનું લક્ષ્ય હતું. એ કારણે એમાં સ્ત્રીઓને અનુકૂળ આનંદદાયક, સદબોધક વાચનસામગ્રી પ્રકાશિત કરવામાં આવતી. સ્ત્રીઓના પ્રશ્ર્નોને વાચા મળે તે હેતુથી આ માસિકે સ્ત્રીઓને લેખો, કાવ્યો અને અનુભવો મોકલી આપવા અપીલ કરેલી. જુદી જુદી સ્પર્ધાઓ દ્વારા સ્ત્રીઓને લખવા માટે પ્રેરણાદાયી વાતાવરણ ઊભું કરવાનો પ્રશંસનીય પ્રયત્ન કર્યો હતો. પરિણામે અનેક સુશિક્ષિત સ્ત્રીઓનાં લખાણો આ માસિકનાં પાનાં પર પ્રકાશિત થયાં. વિનોદિની – નીલકંઠ, શારદાબહેન મહેતા અને કૃષ્ણાગૌરી રાવલ ‘સુંદરી સુબોધ’માં અવારનવાર લખતાં. વિજયાલક્ષ્મી ત્રિવેદીએ લખેલો ‘મનુષ્યજીવનની સફળતા’નો લેખ ગાંધીજીને પસંદ પડતાં એમણે ‘ઇન્ડિયન ઓપિનિયન’માં છાપેલો. જમનાબહેન સકૈએ પંચમહાલ અને સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં 1911માં દુકાળ પડ્યો ત્યારે સમાજસેવાનું કામ કરેલું. ‘સુંદરી સુબોધે’ એમની પાસે ‘દુકાળનો મારો અનુભવ’ વિષય પર લેખ લખાવીને પ્રકાશિત કરેલો. આ અગાઉનાં સામયિકો ‘સ્ત્રીબોધ’, ‘પ્રિયંવદા’ અને ‘ગુણસુંદરી’નાં લખાણો ઉપદેશાત્મક વિશેષ છે; જ્યારે ‘સુંદરી સુબોધ’માં સ્ત્રીઓએ લખેલાં સર્જનાત્મક લખાણો વિશેષ છે. અહીં ગૃહવ્યવસ્થા, ગૃહિણીધર્મ અને સંસારવિષયક સ્ત્રીઓના પ્રશ્ર્નો વિશેનાં અનેક લખાણો જેમ સંગૃહીત થયાં છે તેમ સ્ત્રીઓ દ્વારા નિબંધ, વાર્તા, કાવ્યો, ચરિત્રોનું પ્રકાશન પણ થયું છે. માસિકમાં પ્રકાશિત થયેલા આદર્શો અને સઘળા વિચારો આજે પ્રાથમિક દશાના લાગવાનો સંભવ છે; પણ એ સમયગાળામાં ‘સુંદરી સુબોધ’નાં લખાણોએ ગુજરાતની સ્ત્રીસમાજને વિચારભાથું બાંધી આપવાનો ને એમના ગુણોને ખીલવવાનો જે પુરુષાર્થ કર્યો એની ગુજરાતી પ્રજા પર વ્યાપક અસર થયેલી. મન, બુદ્ધિ અને વિચારોની ખિલવણી, હૃદયને શુદ્ધ અને ઉદાર બનાવી તેમાં સદગુણ, બુદ્ધિ, ચારિત્ર્યની દૃઢ છાપ પાડે તેવું સાંસારિક, વ્યાવહારિક જ્ઞાન આપવાનું આ માસિકનું કાર્ય મૂલ્યવાન છે.

કિશોર વ્યાસ