સિક્સ કૅરેક્ટર્સ ઇન સર્ચ ઑવ્ ઍન ઑથર

January, 2008

સિક્સ કૅરેક્ટર્સ ઇન સર્ચ ઑવ્ ઍન ઑથર : નોબેલ પારિતોષિક સન્માનિત પિરાન્દેલોની સર્વોત્તમ યશસ્વી નાટ્યકૃતિ. પિરાન્દેલો તેના ‘વાસ્તવ’, ‘વ્યક્તિત્વ’ અને તદ્વિષયક સત્ય વિશેના વિશિષ્ટ દૃષ્ટિબિન્દુને આ નાટ્યકૃતિમાં ખૂબ અસરકારક રીતે, વિલક્ષણ નાટ્યપ્રયોગ રૂપે વ્યક્ત કરે છે.

આ કૃતિ નાટકનું નાટક કહેવાય; કારણ કે તેમાં સીધેસીધું નાટક નહિ, પણ નાટકની નિર્માણપ્રક્રિયા રૂપે રજૂઆત થઈ છે. એની નાટ્યાત્મકતા આરંભબીજથી અંતિમ પરિણતિ સુધી વિકસતી વાસ્તવિક ઘટનામાં નથી, પણ એક નાટકના નિર્માણના પ્રયત્નમાંથી પ્રગટતા વાસ્તવિક જગતનું ‘વાસ્તવ’ અને નાટકમાંનું ‘વાસ્તવ’ એ બે વચ્ચેના ભેદ-અભેદની વિલક્ષણ સ્થિતિને કારણે અપૂર્ણ રહેતા નિર્માણમાં છે.

વસ્તુ તરીકે નાટકમાં અપૂર્ણ નાટકનાં, પૂરું ‘અસ્તિત્વ’ નહિ પામેલાં છ પાત્રોએ નાટ્યનિર્માતાને કરેલી તે અપૂર્ણ નાટકના કથાનકની વાત પરથી નાટક નિપજાવવાની વિનંતીના પરિણામે તેવું નાટક તે પાત્રોની જ સહાયથી નિર્માણ કરવાના પ્રયોગની વાત છે.

નિર્માણાધીન નાટકમાં તે પાત્રોમાંનાં માતા-પિતાનું દામ્પત્ય, તેમનું છૂટાં પડવું, માતાનાં તે પ્રથમ લગ્નનાં સંતાન ઉપરાંત તેણે કરેલાં બીજા લગ્નનાં સંતાનોની વાત, બીજા લગ્નથી જન્મેલી પુત્રીની આશ્રયદાતા સ્ત્રી દ્વારા વારવનિતા તરીકેનો ઉપયોગ થતાં, તેવા સંબંધમાં પિતા અને અપરપુત્રીનો થતો સંયોગ અને માતાને તેની જાણ થતાં, હકીકત પ્રગટ થતાં ઉપસ્થિત થતી વિલક્ષણ માનસિક સંઘર્ષાત્મક પરિસ્થિતિ, પિતા તે સંતાનને અપનાવતાં પ્રથમ લગ્નના પુત્રનો વિરોધ અને અંતે પુત્રીનો આત્મઘાત — એવી એવી, પાત્રોએ કહેલ મૂળ અપૂર્ણ નાટકની વાત પર આધારિત ઘટનાઓ નાટકને તખ્તાપરક અતિરંજનાત્મક તેમજ આઘાતક રીતે વિચારપ્રેરક સામગ્રીથી સભર કરે છે; પરંતુ અંતે તે એવા બિંદુ પર આવીને અટકે છે જ્યાં નવનિર્માણ કરતા નાટકકારને પણ રજૂ થતી ઘટના જીવનનું વાસ્તવ છે કે નાટકનું એ વિશે, ભેદાભેદ-વિષયક અનિર્ણયાત્મક સંભ્રમ ઉપજાવે છે અને એવા ‘વાસ્તવ’-વિષયક પ્રશ્ર્નાર્થમાં જ નાટક પૂરું થાય છે; કારણ કે નિર્માતા-દિગ્દર્શક આ પ્રશ્નને નિર્ણયાત્મક રીતે ઉકેલી ન શકતો હોઈને નિર્માણ અધૂરું જ છોડી દે છે.

આ વિલક્ષણ નાટકના ફિલ્મનિર્માણમાં પિરાન્દેલો પોતે નાટ્યલેખકનું પાત્ર ભજવનાર હતા; પણ તે ફિલ્મનિર્માણ પહેલાં જ અવસાન પામે છે. ફિલ્મ પણ નાટકની જેમ જ યશસ્વી નીવડી છે.

‘સિક્સ કૅરેક્ટર્સ ઇન સર્ચ ઑવ્ ઍન ઑથર’ એ નાટક પિરાન્દેલોનું તેમજ અર્વાચીન નાટકોમાંનું એક ઉત્તમ પ્રશિષ્ટ નાટક ગણાય છે. વિચારદૃષ્ટિએ તેમજ પ્રાયોગિક તખ્તાપરક નિર્માણદૃષ્ટિએ તેની વિલક્ષણતા વિશ્વભરના નાટ્યક્ષેત્રમાં નોંધપાત્ર બની રહી છે.

વિનોદ અધ્વર્યુ