સિંહ, લૈશરામ સમરેન્દ્ર (. 1925) : પ્રતિષ્ઠિત મણિપુરી કવિ અને ચિત્રકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘મમાન્ગ લેઇકાઇ થામ્બલ શાતલે’ (1974) માટે 1976ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમણે 1948માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવીને અધ્યાપનકાર્ય શરૂ કર્યું. પછી ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ઑવ્ સ્કૂલ્સ બન્યા. ત્યારબાદ મણિપુર સરકારમાં કળા, સંસ્કૃતિ અને સમાજકલ્યાણના સંયુક્ત નિયામક તરીકે સેવા બજાવી.

વિદ્યાર્થી-અવસ્થામાં તેમણે લખેલાં બે કાવ્યો ‘લેઇલન્ગબા’ અને ‘સીતા’એ તેમને પ્રસિદ્ધિ અપાવી. એ બંને કૃતિઓ રૂપકોના નાવીન્ય અને આહલાહક ભાષાના ઉપયોગ માટે નોંધપાત્ર છે. ત્યારબાદ સામયિકોમાં તેમનાં સંખ્યાબંધ કાવ્યો પ્રસિદ્ધ થયાં. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે : ‘વા અમન્તા હેઇગે તેલંગા’ (વન વર્ડ વિથ યુ કાઇટ, 1962). તેમાંનાં કાવ્યો ભાવનાપ્રધાન અને વાસ્તવવાદી છે અને તેમાં સૌમ્ય વક્રોક્તિ પણ છે. લૈશરામને બાળપણથી જ સંગીત અને ચિત્રકાર્યમાં રુચિ હોવાને કારણે તે કળાની પ્રતીતિ તેમનાં કાવ્યોમાં થાય છે. તેમનાં કાવ્યો સંગીતમય અને ઊર્મિપ્રધાન છે,

તેઓ અનેક સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. કલ્ચરલ ફૉરમ, મણિપુર અને નાહરોલ સાહિત્યપ્રેમી સમિતિમાં તેમણે જુદાં જુદાં પદ શોભાવ્યાં હતાં. તેઓ કલ્ચરલ ફૉરમના ત્રિમાસિક ‘ઋતુ’ના સંપાદક પણ હતા. ‘મમાન્ગ લેઇકાઇ થામ્બલ શાતલે’ (લૉટ્સ ઇન ધ ફ્રન્ટિયર) નામની પુરસ્કૃત કૃતિ માટે તેમને 1976માં મણિપુર સાહિત્ય પરિષદનો જામિની સુંદર સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. આ પુરસ્કૃત કૃતિનાં કાવ્યો વધુ પ્રૌઢ, વધુ સઘન-સુશ્ર્લિષ્ટ અને સંયમપૂર્ણ છે.

બળદેવભાઈ કનીજિયા