સિંહ, ખુમનથેમ પ્રકાશ (. 1937, સાગોલબંદ મીનો લેરક, ઇમ્ફાલ) : જાણીતા મણિપુરી કવિ. વિશેષત: ઊર્મિકાવ્યના રચયિતા અને વાર્તાકાર. તેઓ ‘તમો પ્રકાશ’ તરીકે ખૂબ જાણીતા છે. તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી થોડો વખત શાળાના શિક્ષક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. 1960માં તેઓ આકાશવાણીમાં જોડાયા અને હાલ (2001) તેઓ જવાહરલાલ નેહરુ મણિપુર ડાન્સ અકાદમી, ઇમ્ફાલના નિયામક તરીકે ફરજ બજાવે છે.

મુખ્યત: તેઓ ગીતકાર છે છતાં તેમણે ઉત્તમ ટૂંકી વાર્તાઓ આપી છે. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ઇચેકી શામ’ છે. તેમનાં હજારો ગીત રેડિયો-નાટક અને સંગીતરૂપકો દ્વારા પ્રકાશિત – પ્રસારિત થઈ ચૂક્યાં છે. પત્રકારત્વ એ તેમનું બીજું ક્ષેત્ર છે, જેમાં તેમણે ઉલ્લેખનીય પ્રદાન કર્યું છે. હાલ તેઓ ‘કાઙ્લા’ સામયિકના સંપાદન-વિભાગ સાથે સંકળાયેલા છે તેમજ તેઓ મણિપુરીની વિભિન્ન સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘મંગી ઇસેઇ’ સામાજિક પરિસ્થિતિનું નિરૂપણ કરતી 12 વાર્તાઓનો સંગ્રહ છે. તેની મનોવૈજ્ઞાનિક માવજત અને સામાજિક પ્રાસંગિકતાને લીધે આ કૃતિ સમકાલીન મણિપુરી સાહિત્યમાં એક વિશિષ્ટ પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા