સિંહ, . મિનાકેતન (. 1906, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરી કવિ, નાટ્યકાર, વાર્તાકાર, અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અસૈબાગી નિનાઇપોડ’ (1976) માટે 1977ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

તેમણે 1930માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ શાળા તથા યુનિવર્સિટી કક્ષાએ સતત 41 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ ઇમ્ફાલ ખાતે અનુસ્નાતક અભ્યાસ માટેના જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સેન્ટરમાં મણિપુરી ભાષા અને સાહિત્યમાં સહ-પ્રાધ્યાપક તરીકે કામ કરી સેવાનિવૃત્ત થયા. મણિપુરના બૌદ્ધિક વર્ગમાં એક અગ્રેસર પ્રતિભા તરીકે તેઓ ઊભર્યા અને પ્રદેશની સાહિત્યિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા.

તેઓ પાંચમા ધોરણમાં હતા ત્યારે પ્રથમ મણિપુરી સામયિક ‘મૈતાઈ ચાનૂ’માં તેમનાં કાવ્યો પ્રગટ કરાતાં. તેમના 4 કાવ્યસંગ્રહો પૈકીના 2 તેઓ ઇન્ટરમીડિયેટ વર્ગમાં હતા ત્યારે પ્રગટ થયેલા. કાવ્યસંગ્રહ ઉપરાંત તેમણે નાટકો, વાર્તાસંગ્રહો, ઐતિહાસિક પ્રણયકથાઓ તથા મણિપુરી વ્યાકરણ અંગેનો ગ્રંથ આપ્યા છે. વળી તેમણે રવીન્દ્રનાથ ટાગોર અને શેક્સપિયરની કૃતિઓને મણિપુરીમાં અનૂદિત કરી છે.

‘અસૈબાગી નિતાઇપોડ’ ખંડકાવ્ય લેખાય છે. કાલિદાસ અને જયદેવ જેવા સંસ્કૃત અને વૈષ્ણવ કવિઓથી પ્રભાવિત થઈને તેમણે સમગ્ર કાવ્યમાં સંસ્કૃત કવિઓના પિંગળની ચુસ્ત અનુભૂતિ કરાવી છે. તેમણે મણિપુરીમાં કેટલાક છંદો શોધ્યા છે. પુરસ્કૃત કૃતિ બે સાહિત્યિક ભાવનાપ્રધાન કાવ્યોની બનેલી છે : (1) ‘પી-થાડોઈ’ (એક પક્ષી પરથી અપાયેલ શીર્ષક) અને (2) ‘નુગાશી વખૈબા’ (Love’s Last). પ્રથમ કાવ્યમાં મણિપુરના લોકગાથાગીત (પગોડા) ‘ખંબા થોઇબા’ના જાણીતા ખલનાયક નાગબાનનો આત્મા મનાતા ‘પી-થાડોઈ’ પક્ષીના અમર પ્રેમની અભિવ્યક્તિ જોવા મળે છે. બીજા કાવ્યમાં એક સુંદર સ્ત્રી ઇતિબહેન અને સુંદર પુરુષ ચલામ્બા વચ્ચેના અમર પ્રેમની કથા વણી લેવામાં આવી છે. છોકરીના પિતાને રાજાએ શિકારમાં બચાવેલો, તે અહેસાન હેઠળ તે તેની પુત્રીને રાજા સાથે પરણાવી દેતાં તે બંને પ્રેમીઓ વચ્ચેનો અસહ્ય વિયોગ પ્રેમિકાના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહે છે. પ્રેમિકાના અવસાનના સમાચાર સાથે જ પ્રેમી પણ પોતાના પ્રાણનો ત્યાગ કરે છે અને તેમના બંનેના મૃતદેહોને બાજુ-બાજુમાં અગ્નિસંસ્કાર કરાતાં બે ધૂમ્રસેરો સ્વર્ગ તરફ જતાં તે બંને આકાશમાં મળે છે. આમ, આ બંને અમર પ્રેમીઓનું મિલન સ્વર્ગમાં સંપન્ન થાય છે.

પુરસ્કૃત કૃતિ ‘અસૈબાગી નિતાઇપોડ’, તેમાંની અતિ સુંદર ભાષા અને લયબદ્ધ શૈલી, માધ્યમ પરની પ્રભુતા, ઉત્તમ લોકવાર્તા અને દંતકથાની સર્જનાત્મક ગૂંથણી અને પ્રેમની અમરતામાંની કવિની દૃઢ શ્રદ્ધાના કારણે તત્કાલીન મણિપુરી સાહિત્યમાં એક ઉત્તમ પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા