સાલિહ આબિદ હુસેન

January, 2008

સાલિહ આબિદ હુસેન (. 1913, પાણીપત, હરિયાણા) : ઉર્દૂ લેખિકા. તેઓ ઉર્દૂના અદ્યતન યુગના અગ્રદૂત એવા જાણીતા કવિ ખ્વાજા અલ્તાફ હુસેન હાલીનાં પૌત્રી અને જાણીતા લેખક સ્વ. કે. જી. સકલીનનાં પુત્રી હતાં. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી ખાનગી ઉમેદવાર તરીકે બી.એ.(ઓનર્સ)ની પદવી મેળવી. 1933માં પ્રખ્યાત વિદ્વાન સ્વ. આબિદ હુસેન સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.

તેમણે સ્ત્રી-માસિકોમાં વાર્તાઓ મોકલી કારકિર્દીની શરૂઆત કરી. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘નક્શ-એ-અવ્વલ’ 1939માં અને પ્રથમ નવલકથા ‘અઝરા’ 1940માં પ્રગટ થયા. તેમણે સંખ્યાબંધ ગ્રંથો આપ્યા છે. તેમના નોંધપાત્ર ગ્રંથોમાં ‘અઝરા’ (1940); ‘આતિશ ખામોશ’ (1952); ‘કત્ર સે ગૌહર હોને તક’ (1957); ‘રાહ-એ-અમલ’ (1963); ‘યાદોં કે ચરાગ’ (1966); ‘અપની અપની સાલીબ’ (1972) અને ‘ગોરી સોયે સેજ પર’ (1978) – એ નવલકથાઓનો સમાવેશ થાય છે. તેમાં ‘કત્ર સે ગૌહર હોને તક’ને ઉત્તરપ્રદેશ સરકારનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

 તેમના જાણીતા વાર્તાસંગ્રહોમાં ‘નક્શ-એ-અવ્વલ’ (1939); ‘સાઝ-એ-હસ્તિ’ (1946); ‘નિરાશ મેં આશ’ (1948); ‘નૌવેજ’ (1959) અને ‘દર્દ-ઓ-દર્મન’(1965)નો સમાવેશ થાય છે. નાટકોમાં ‘જિંદગી કે ખેલ’ (1957) અને ‘ઇફ્ફત’ (1946) છે જેને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તરફથી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો. ‘ઇમ્તિહાન’ (1952) અને અન્ય ઍવૉર્ડ-વિજેતા ‘પ્રેમ ઔર સેવા કી જીત’(1958)નો સમાવેશ થાય છે. ‘યાદગાર હાલી’ (1950) અને ‘જિક્ર-જમીલ’ (1974) તેમના ચરિત્રગ્રંથો છે, ત્યારે ‘અદબી ઝલ્લકિયાઁ’ (1959) તથા ‘ખવાતીન કરબલા’ (1973) તેમના જાણીતા વિવેચનગ્રંથો છે.

આ ઉપરાંત તેમણે બાળકો માટે પણ ઘણા ગ્રંથો પ્રગટ કર્યા છે. વળી તેમણે ઘણા ગ્રંથો હિંદી તથા ઉર્દૂમાં અનૂદિત કર્યા છે.

બળદેવભાઈ કનીજિયા