સાલિયેરી ઍન્તૉનિયો

January, 2008

સાલિયેરી, ઍન્તૉનિયો (. 18 ઑગસ્ટ 1750, લેન્યાનો, ઇટાલી; . 7 મે 1825, વિયેના, ઑસ્ટ્રિયા) : ઑપેરાઓ રચવા માટે જાણીતો ઇટાલિયન સ્વરનિયોજક. સોળ વરસની ઉંમરે સાલિયેરીએ સ્વરનિયોજક એફ. એલ. ગાસ્માન (Gassmann) હેઠળ સ્વર-નિયોજનની તાલીમ મેળવવી શરૂ કરી. ગાસ્માને તેની ઓળખાણ વિયેનાના સમ્રાટ જૉસેફ બીજા સાથે કરાવી. સાલિયેરીના પહેલા ઑપેરા ‘લ દોને લેતેરાતે’(Le donne Letterate)નો પ્રીમિયર શો 1770માં વિયેનાના બર્ગ થિયેટરમાં થયો. 1774માં સમ્રાટ જૉસેફ બીજાએ સાલિયેરીને દરબારી સ્વરનિયોજકનો હોદ્દો આપ્યો. આ હોદ્દા પર સાલિયેરી છત્રીસ વરસ સુધી રહ્યો. આ છત્રીસ વરસ દરમિયાન સાલિયેરીએ વિયેનાના રાજદરબાર ઉપરાંત ઇટાલી અને ફ્રાંસની ઑપેરા કંપનીઓ માટે પણ ઑપેરા લખ્યા. એનો સૌથી સફળ ઑપેરા ‘તારારે’ (1787) ગણાય છે. આ ફ્રેન્ચ ઑપેરા પછીથી ઇટાલિયન ભાષામાં અનૂદિત થઈને લોકપ્રિયતા પામ્યો. વિયેનાની જનતાને પ્રસિદ્ધ સંગીતકાર અને સ્વરનિયોજક વુલ્ફગૅન્ગ મોત્સાર્ટના ઑપેરા ‘ડોન જિયોવાની’ કરતાં પણ સાલિયેરીનો ‘તારારે’ વધુ ગમ્યો હતો. સાલિયેરી એક પછી એક ઑપેરા લખતો ગયો. એનો છેલ્લો ઑપેરા 1804માં લખાયેલો. એ પછી એ ધાર્મિક સંગીતના સર્જન તરફ વળ્યો.

ઍન્તૉનિયો સાલિયેરી

પ્રસિદ્ધ સંગીતકાર અને સ્વરનિયોજક લુડવિગ વાન બીથોવનને સાલિયેરીએ માનવકંઠ માટેની રચનાઓના સ્વરનિયોજનનું ટ્યૂશન આપ્યું હતું. આમ તે બીથોવનનો ગુરુ હતો. પ્રસિદ્ધ સંગીતકાર અને સ્વરનિયોજક વુલ્ફગૅન્ગ મોત્સાર્ટ સાલિયેરીને હંમેશાં શંકાશીલ નજરે જોતો, કારણ કે મોત્સાર્ટની કારકિર્દીના વિકાસમાં સાલિયેરી એક પછી એક અડચણો ઊભી કરતો ગયો. મોત્સાર્ટના ઑપેરાઓ પર પ્રતિબંધ લાદવા માટે સાલિયેરીએ વિયેનાના સમ્રાટના કાન ભંભેરેલા, જેમાં સાલિયેરીને પૂરી સફળતા મળી હતી.

પુરાવા નથી મળતા પણ અફવા એવી ફેલાઈ હતી કે મોત્સાર્ટને ઝેર પિવડાવવાની કોશિશ સાલિયેરીએ કરેલી. આ અફવાને કથાનક બનાવીને રશિયન રંગદર્શી કવિ પુશ્કિને ‘મોત્સાર્ટ ઍન્ડ સાલિયેરી’ નામે લાંબું નાટ્યકાવ્ય લખેલું, જેના આધારે રશિયન સ્વરનિયોજક અને સંગીતકાર નિકોલાય રિમ્સ્કી-કૉર્સાકૉયે ઑપેરા ‘મોત્સાર્ટ ઍન્ડ સાલિયેરી’ (1898) લખેલો.

સાલિયેરી અને મોત્સાર્ટની પારસ્પરિક ઈર્ષાને વિષય બનાવીને પીટર શાફરે 1979માં લાંબું નાટક ‘અમાડિયસ’ (Amadeus) દિગ્દર્શિત કર્યું અને પછી એણે જ એ નાટક પરથી એ જ શીર્ષક ધરાવતી ફિલ્મ 1984માં ઉતારી. એ ફિલ્મને પાંચ ઑસ્કાર ઍવૉર્ડ મળેલા.

અમિતાભ મડિયા