સર્વોદય : પ્રવર્તમાન ઉપભોગવાદી સંસ્કૃતિનો વિકલ્પ પૂરો પાડતી ગાંધીવાદી આચાર-વિચારની પ્રણાલી. સર્વોદય વીસમી સદીમાં ઉદ્ભવેલો એક નવો શબ્દ છે. પરંતુ આજે જે રીતે તે જીવનની એક ફિલસૂફીના અર્થમાં, એક ચોક્કસ વિચારધારાના અર્થમાં પ્રચલિત છે, એ રીતનો તેનો ઉપયોગ તો હજી માત્ર એક જ સદી જૂનો છે.

‘સર્વોદય’ શબ્દનું ગર્ભાધાન થયું 1904માં, જ્યારે રસ્કિનનું પુસ્તક ‘Unto this Last’ ગાંધીજીના હાથમાં આવ્યું ત્યારે. તેના વિશે આત્મકથામાં એમણે લખ્યું છે : ‘આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો મેં ઇરાદો કર્યો.’

રસ્કિનના પુસ્તકમાંથી ગાંધીજીને જીવનનું એક નવું દર્શન લાધ્યું. આ પુસ્તકના સારરૂપ મૂળ દર્શનના મુખ્ય સિદ્ધાંતો એમણે આ રીતે તારવી બતાવ્યા

(1) સહુના ભલામાં આપણું ભલું છે.

(2) સહુના કામની કિંમત એકસરખી હોય, કેમ કે જીવનનિર્વાહનો અધિકાર સહુનો એકસરખો છે.

(3) સાદું અને પરિશ્રમયુક્ત ખેડૂતનું જીવન જ સાચું જીવન છે.

ગાંધીજીએ નક્કી કરી લીધું કે ધીમે ધીમે વકીલનો ધંધો છોડવો જોઈએ અને એ ચોપડીમાં લખ્યું છે તે પ્રમાણે જીવન જીવવું જોઈએ. બીજા દિવસથી જ એમણે પોતાના જીવનને વળાંક આપવાનું શરૂ કરી દીધું. દક્ષિણ આફ્રિકામાં જૉહાનિસબર્ગ શહેર છોડી ગ્રામવિસ્તારમાં જઈ ફિનિક્સ આશ્રમ સ્થાપ્યો. ત્યાં તેમની ગહન ને ઉદાત્ત જીવન-સાધના ચાલી. ગાંધીજીએ રસ્કિનના શબ્દને પ્રત્યક્ષ જીવનમાં નાણી જોયો, માણી જોયો. ધરતીને ખોળે સાદું ને પરિશ્રમયુક્ત જીવન જીવી જોયું. રસ્કિનની સ્વનિયમન વાતને વ્યક્તિગત તેમજ સામુદાયિક કાર્યમાં ઉતારી જોઈ.

આમ, રસ્કિનનું વિચારબીજ ગાંધીજીની મનોભૂમિમાં, કર્મભૂમિમાં વિકસતું રહ્યું. એક જીવન-દર્શનરૂપે જ્યારે એ પરિપક્વ થયું, ત્યારે ‘સર્વોદય’ના મંત્રરૂપે પ્રગટ થયું. રસ્કિનના વિચારો ગાંધીજીના સમગ્ર અસ્તિત્વમાં રસાઈ જઈને મંત્રરૂપે પ્રગટ થયા.

આમ, સર્વોદયની ભાવનાનો જન્મ થયો 1908માં, જ્યારે રસ્કિનના પુસ્તકનો ગુજરાતી ભાવાનુવાદ પ્રગટ થયો ત્યારે. રસ્ક્ધિો પોતાના પુસ્તકનું નામ બાઇબલની એક કથા પરથી આપ્યું હતું. તેમાં છેલ્લામાં છેલ્લા(Unto this Last)ને પણ સરખું જ મળવું જોઈએ, એ વાત પ્રસ્થાપિત કરી હતી તથા તેના આધારે એક માનવીય અર્થશાસ્ત્ર રજૂ કર્યું હતું. પુસ્તકના નામનું રૂપાંતર કરવામાં ગાંધીજીની આગવી પ્રતિભા ઝળકી ઊઠી. તે વખતે ઉપયોગિતાવાદના પ્રવર્તક જેરેમી બેન્થમે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના સંદર્ભમાં ‘વધુમાં વધુ માણસોનું વધુમાં વધુ સુખ’(the greatest happiness of the greatest number)નો સિદ્ધાંત પ્રચલિત કરેલો. અર્થશાસ્ત્રી જ્હોન સ્ટુઅર્ટ મિલે તેનું સમર્થન કરેલું. તેનાથી જુદું દર્શન આ પુસ્તકમાં રજૂ થતું હતું, તે અત્યંત ચોટડૂક રીતે ‘સર્વોદય’માં શબ્દાંકિત થઈ ગયું. સર્વનો ઉદય, માત્ર વધુનો નહિ અને માત્ર છેલ્લાનો પણ નહિ.

આ રીતે ‘સર્વોદય’ એક નવી વિચારધારાનો દ્યોતક શબ્દ બન્યો. ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી सर्वेऽत्र सुखिन​:सन्तु અને सर्वभूतहिते रता: ની ભાવના વણાયેલી છે. ‘સર્વોદય’ શબ્દથી તેની સાથેનો અનુબંધ પણ અનાયાસ જ જોડાઈ ગયો.

વીસમી સદીના પહેલા દાયકાનો આ ગાળો ગાંધીજીના જીવનનો સૌથી મહત્ત્વનો ગાળો છે. આ ગાળા દરમિયાન એમના જીવનને એક ચોક્કસ ઘાટ મળ્યો. એમના જાહેર જીવનનો ધ્રુવતારક નજર સામે આવી ગયો. રસ્કિનના પુસ્તકનો ભાવાનુવાદ આપતી વખતે ગાંધીજીનું બધું ધ્યાન મુખ્યત્વે બે વાત ઉપર એકાગ્ર થઈ ગયું – ‘સર્વોદય’ના જીવનદર્શન અનુસાર હિંદુસ્તાનનું સ્વરાજ મેળવવાનો સાચો માર્ગ કેવો હોય તથા એક વાર અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા પછી ભારતના સ્વરાજનું સાચું સ્વરૂપ કેવું હોય. એમના મનમાં તીવ્ર વિચાર-મંથન ચાલતું હતું. તેમાંથી 1909માં ‘હિંદ સ્વરાજ’ પુસ્તક લખાયું. ‘હિંદ સ્વરાજ’ એટલે હિંદ માટે જેવું સ્વરાજ ઝંખ્યું છે, તેવું સ્વરાજ. હિંદનું સ્વરાજ આવું હોય; અને વ્યાપક અર્થમાં લઈએ તો આખીયે માનવજાતિ માટેનું સ્વરાજ પણ આવું વિશેષ સ્વરાજ હોય.

‘હિંદ સ્વરાજ’ સંપૂર્ણપણે એક અંત:પ્રેરણાથી અનુપ્રાણિત લખાણ છે. તેમાં ગાંધીજીના મૂળભૂત જીવન-સિદ્ધાંતો નિરૂપાયેલા છે. તેમાં તેમના જીવનદર્શનનો નિચોડ છે. ‘સર્વોદય’ના જીવનદર્શનનું એ બૃહદ ભાષ્ય છે. સર્વોદયી સમાજરચનાનું સ્વરૂપ કેવું હોય, તેની રૂપરેખા સંક્ષેપમાં ‘હિંદ સ્વરાજ’માં મળે છે. ‘હિંદ સ્વરાજ’ એ સર્વોદયનું ઘોષણાપત્ર છે. તેનું મહત્ત્વ ‘કૉમ્યુનિસ્ટ મેનિફેસ્ટો’થી કમ નથી; બલકે, એક આગવા નૂતન જીવનદર્શન રૂપે તો તેનાથી ક્યાંય વધારે છે.

‘સર્વોદય’ના પાયાના સિદ્ધાંતરૂપ ‘હિંદ સ્વરાજ’ની મૂળ વાત નખદર્પણમાં કહેવી હોય તો –

(1) માણસ પોતે પોતાના ઉપર રાજ ભોગવે, એ જ સ્વરાજ. સ્વશાસન, આત્મશાસન, પોતાના ઉપર પોતાનું રાજ, એ જ સ્વરાજ.

(2) આવા સ્વરાજની કામના કરનારો માણસ કેવળ શરીરસુખમાં જ ડૂબકાં નહિ ખાતો રહે. એ જીવનનાં કેટલાંક ઉચ્ચ સાધ્યો માટે પણ પુરુષાર્થ કરતો રહેશે.

(3) એ સહુના ભલાની કામના કરતો હોવાથી ‘ગળાકાપ હરીફાઈ’ને બદલે ‘સહયોગ’ને સમાજ-જીવનનો આધારભૂત સિદ્ધાંત માનશે. સહયોગની શરૂઆત થાય પોતાના પડોશીથી. તેમાંથી ‘સ્વદેશી’નો સિદ્ધાંત નિષ્પન્ન થાય છે. સ્વદેશીનું વર્તુળ ગામથી લઈને વધુ મોટું, તેનાથી વધુ, તેનાથી વધુ એમ મોટું ને મોટું થતું જશે.

(4) પૈસો એનો પરમેશ્વર ન થઈ શકે. નીતિ, ધર્મ, ઈશ્વરનિષ્ઠાના પાયા ઉપર જ સર્વોદય સમાજ ઊભો થઈ શકશે. અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા  બધામાં નીતિ-ધર્મ જ મુખ્ય કસોટી રહેશે.

(5) શહેરીકરણથી માણસનું કલ્યાણ નહિ થાય. હિંદુસ્તાનને ગામડાંઓએ જ બચાવ્યો છે.

(6) ધનના લોભને કારણે યંત્રોની પાછળ પડવું મહાપાપ છે. માણસને સખત મજૂરી કે નીરસ કામની વેઠમાંથી બચાવવો છે. એવા માનવપ્રેમથી પ્રેરિત થઈને બનાવેલું યંત્ર જ કલ્યાણકારી નીવડશે – જેવું કે સિંગરનું સિલાઈ મશીન. બાકી, માણસનાં અંગોને કામના અભાવમાં જડ તેમજ નિરુપયોગી બનાવી મૂકનારાં યંત્રો ન ખપે તથા યંત્રોની ઘેલછાને કારણે લાખો લોકો કામ વિના રસ્તા પર રઝળે, તેની સામેયે સર્વોદયનો વિરોધ છે.

(7) સારાં પરિણામ લાવવા સારાં સાધનો જ જોઈએ. અશુદ્ધ સાધનોથી અનિષ્ટ પરિણામ જ નીપજશે. હિંસાથી કોઈ સમસ્યાનો ઉકેલ નહિ આવે.

(8) સ્વરાજની ચાવી સત્યાગ્રહ છે. તે શસ્ત્રબળ કરતાં ક્યાંય વધારે કારગત છે. માણસમાં આવો ભાવ હોવો જોઈએ : ‘મને જે અન્યાય લાગે, તેને હું કદી કબૂલ નહિ કરું, ભલેને તેને લીધે મારે ગમે તેટલું કષ્ટ સહન કરવું પડે’ સત્યાગ્રહ માટે સત્યનું સેવન – આચરણ અનિવાર્ય છે.

(9) ‘સર્વોદય’ દ્વેષધર્મની જગ્યાએ પ્રેમધર્મ શીખવે છે, હિંસાને સ્થાને આપભોગને મૂકે છે, પશુબળની સામે ટક્કર ઝીલવા આત્મબળને ખડું કરે છે.

 સર્વોદયની ફિલસૂફીનું આ ઘોષણાપત્ર છે. સર્વોદયના પાયાના સિદ્ધાંત આમાં આવી જાય છે.

ગાંધીજી જીવનભર અને છેલ્લા શ્વાસ સુધી સર્વોદયની આ ફિલસૂફીને ચરિતાર્થ કરવા માટેનું ચિંતન-મનન કરતા રહ્યા. એમને મન સ્વરાજ એટલે સર્વોદય જ. સર્વોદયનાં આ મૂલ્યો અનુસાર સમાજ-જીવનના એક એક ક્ષેત્રમાં શું થઈ શકે તેની ખોજમાંથી નવાં-નવાં રચનાત્મક કામો એમને સૂઝતાં રહ્યાં.

ગાંધીજીના ગયા બાદ વિનોબા દ્વારા આ ખોજ આગળ વધી, અને તેમાંથી ભૂદાનયજ્ઞનો જન્મ થયો. સર્વોદયની દિશામાં આગળ વધવા માટે એક સગુણ-સાકાર પ્રત્યક્ષ કાર્યક્રમ હાથમાં આવ્યો. પ્રેમ અને સદ્ભાવનાની શક્તિનો આ સાક્ષાત્કાર હતો. વિનોબા પોતાની આગવી પ્રતિભાથી તેનો વિકાસ કરતા રહ્યા. ભૂદાન-ગ્રામદાન આંદોલન દ્વારા ‘સર્વોદય’ એક મુકામ સુધી પહોંચ્યો. સર્વોદયનું વિચાર-બીજ ગ્રામસ્વરાજની એક સમગ્ર પરિકલ્પના સુધી વિકસિત થયું. ગ્રામસ્વરાજના પાયા ઉપર અહિંસક સમાજરચનાની રૂપરેખા સામે આવી. વિનોબા, જયપ્રકાશ, દાદા ધર્માધિકારી વગેરે મનીષીઓ દ્વારા ગ્રામસ્વરાજથી લઈને ‘જય જગત’ સુધી સર્વોદયની વિચારસૃદૃષ્ટિ બહુ શક્તિશાળી ઢબે સમાજ સામે રજૂ થઈ.

સર્વોદય દૃષ્ટિના પાયાના સિદ્ધાંતોમાં મુખ્ય નીચે મુજબ છે :

1. જીવમાત્રને વિશે આદર.

2. તેના સંદર્ભમાં કુદરતી સંપત્તિ મહત્ત્વનું સાધન હોવાથી તેની ખિલવણી કરવી જોઈએ. જીવન અને કુદરત એ બે વચ્ચે જીવનનો વિકાસ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ અને તે માટે કુદરતી સંપત્તિની ખિલવણી કરવી જોઈએ.

3. જીવનનું ધોરણ અને રહેણીકરણીનું ધોરણ એ બે વચ્ચે ભેદ પાડવો જોઈએ. પહેલી વસ્તુ મૂળભૂત મહત્ત્વની છે. કુદરતી સંપત્તિની ખિલવણી જીવનના ધોરણની પ્રગતિ સાથે સુસંગત હોવી જોઈએ, રહેણીકરણીના ધોરણની બઢતી સાથે નહિ.

કિશોરલાલ મશરૂવાળાએ વિનોબાએ સૂચવેલા अंत​:शुद्धि, बहि:शुद्धि, श्रम​:, शान्ति, समर्पणम् – એ પાંચે બાબતોને લક્ષમાં રાખીને સર્વોદયનો કાર્યક્રમ ઘડવો જોઈએ એમ પ્રતિપાદન કર્યું છે.

આ સો વરસ દરમિયાન સર્વોદય વિચારધારાની ઘણી છણાવટ થઈ છે. ઘણા નવા આયામ સામે આવ્યા છે. નૅશનલ પ્લાનિંગ, વિકાસની તરાહ, વૈશ્ર્વિકીકરણ, લોકશાહીને તેના યથાર્થ સ્વરૂપમાં કેમ ચરિતાર્થ કરવી, વિજ્ઞાન ને અધ્યાત્મનો સમન્વય, ટૅક્નૉલૉજીને માનવ-કલ્યાણ માટે કઈ રીતે પ્રયોજવી વગેરે કેટલીયે મહત્ત્વની બાબતો વિશે ‘સર્વોદય’ની એક વૈકલ્પિક વિચારધારા વિકસિત થઈ છે. સમાજ-પરિવર્તનના એક પરિબળના રૂપમાંયે ‘સર્વોદય’ સમાજના એજન્ડા ઉપર આવ્યો છે. ‘સર્વોદય’માં આસ્થા ધરાવતી પ્રબુદ્ધ ચિંતકો-મનીષીઓ-વિચારકો-કર્મવીરોની એક જાગતિક બિરાદરી ઊભી થઈ છે. સમાજવિજ્ઞાનના ક્ષેત્રે ‘સર્વોદય’ એ માનવીય ક્રાંતિ તેમજ ઉત્ક્રાંતિ માટે ચાલતી એક અવિરત ખોજ છે.

કાન્તિ શાહ