સરિસૃપ : પૃષ્ઠવંશી પ્રાણીઓનો પેટે ઘસડાઈ ચાલતો, જમીનનિવાસી પ્રાણીઓનો એક વર્ગ. સરિસૃપ કરોડરજ્જુવાળાં ચતુષ્પાદ (tetrapods) પ્રાણીઓ તેમના ગર્ભની આસપાસ ઉલ્વ(amnion)નું આવરણ આવેલું હોવાથી તે ઉલ્વધારી (amniote) કહેવાય છે. અત્યારે નીચે મુજબની ચાર શ્રેણીઓ (orders) હયાત છે :

1. ક્રૉકોડિલિયા (મગર, કેઇમન, ઍલિગેટર જેવાં પ્રાણીઓ) : 23 જાતિઓ.

2. રિન્કોસિફેલિયા (ન્યૂઝીલૅન્ડના ટુઆટારા) : 2 જાતિઓ.

3. સ્કુઆમાટા (ગરોળીઓ, સાપ, અમ્ફિસ્બીનીડ) : આશરે 7,600 જાતિઓ.

4. ટેસ્ટ્યુડાઇન્સ (કાચબા) : આશરે 300 જાતિઓ.

સરિસૃપ પેટે ઘસડાઈને પ્રચલન કરે છે. દક્ષિણ ધ્રુવ સિવાય પૃથ્વી પર બધે જ જોવા મળે છે; ઉષ્ણ પ્રદેશોમાં તેમનું વિસ્તરણ વધુ છે. તેઓ શરીરના તાપમાન માટે પર્યાવરણ પર આધારિત હોવાથી તે અસમતાપી (ectothermic) ગણાય છે. મોટાભાગનાં સરિસૃપનાં શરીર ભીંગડાંથી આચ્છાદિત હોય છે. મોટાભાગનાં સરિસૃપ અંડપ્રસવી એટલે કે ઈંડાં મૂકે છે; કેટલાંક બચ્ચાં જણે છે.

વર્ગીકરણ : બેન્ટન (Benton, 2004) મુજબ તેનું વર્ગીકરણ નીચે મુજબ છે :

વર્ગ : સૌરોપ્સીડા (Sauropsida)

વંશ : કેપ્ટોરાઇનિડી (Captorhinidae) – લુપ્ત

વંશ : પ્રોટોરોથાઇરિડિડી (Protorothyrididae) – લુપ્ત

ઉપવર્ગ : એનાપ્સીડા (Anapsida)

વંશ : મીઝોસાઉરિડી (Mesosauridae) – લુપ્ત

શ્રેણી : પ્રોકોલોફોનીયા (Procolophonia) – લુપ્ત

શ્રેણી : ટેસ્ટ્યુડાઇન (Testudines)-કાચબાઓ

ઉપવર્ગ : ડાયાપ્સીડા (Diapsida)

ઉપરિશ્રેણી : ઇક્થિઓટેરીજિયા (Ichthyopterygia) – લુપ્ત

અધ:વર્ગ : લેપિડોસોરોમોર્ફા (Lepidosauromorpha)

ઉપરિશ્રેણી : સાઉરોપ્ટેરિજિયા (Sauropterygia) – લુપ્ત

ઉપરિશ્રેણી : લેપિડોસોરિયા (Lepidosauria)

શ્રેણી : સ્ફિનોડોન્શિયા (Sphenodontia) : ટુઆટારા

શ્રેણી : સ્કયુમાટા (Squamata) : ગરોળીઓ અને સાપ

અધ:વર્ગ : આર્કોસાઉરોમોર્ફા (Archosauromorpha)

શ્રેણી : ક્રોકોડિલિયા (Crocodilia) : મગર જેવાં પ્રાણીઓ.

શ્રેણી : ટેરોસોરિયા (Pterosauria) – લુપ્ત

ઉપરિશ્રેણી : ડાયનોસોરિયા (Dinosauria)-ડાયનોસોર્સ – લુપ્ત

ઉત્ક્રાંતિ : સરિસૃપની ઉત્પત્તિ ઉભયજીવી(amphibians)માંથી થઈ છે. હાયલોનોમસ (Hylonomus) સૌથી પ્રાચીન સરિસૃપ હોવાનું જણાય છે. શરૂઆતમાં સરિસૃપનાં એનેપ્સીડા (anapsida) અને ડાયાપ્સીડા (diapsida) તરીકે ઓળખાતાં બે જૂથ અસ્તિત્વમાં આવ્યાં હતાં. ત્રીજું જૂથ જે સાયનેપ્સીડા (synapsida) તરીકે જાણીતું છે તેમાંથી સસ્તનોની ઉત્પત્તિ થઈ હોવાનું જણાય છે.

શરીરરચના : રુધિરાભિસરણતંત્ર : હૃદયના ત્રણ ભાગ છે – બે અલિંદ (atna) અને એક નિલય (ventride). મોટાભાગના સરિસૃપમાં ઑક્સિજનવાળું અને ઑક્સિજન વગરનું એવું મિશ્ર રુધિર શરીરમાં વહે છે.

શ્વસનતંત્ર : બધા જ સરિસૃપ ફેફસાં વડે શ્વસન કરે છે.

ઉત્સર્જનતંત્ર : ઉત્સર્જન બે નાના મૂત્રપિંડ દ્વારા થાય છે. આ મૂત્રપિંડની સૂક્ષ્મ રચનામાં હેન્લેનો પાશ જોવા મળતો નથી. ખૂબ જ સાંદ્ર યુરિક ઍસિડ મૂત્ર સ્વરૂપમાં ઉત્સર્જિત થાય છે.

ચેતાતંત્ર : ઉભયજીવીઓની સરખામણીમાં સુવિકસિત ચેતાતંત્ર છે; મસ્તિષ્કચેતાઓની બાર જોડી આવેલી છે.

પ્રજનનતંત્ર : મોટાભાગના સરિસૃપ લિંગી (sexual) પ્રજનન કરે છે. ગરોળીના છ વંશમાં અને એક સાપમાં અલિંગી (asexual) પ્રજનન નોંધાયું છે. અલિંગી પ્રજનનમાં માદા અલિંગી પરંતુ દ્વિકીય રંગસૂત્રો ધરાવતાં ઈંડાં મૂકે છે. એમ્નીઓનનું આવરણ ધરાવતાં સરિસૃપનાં ઈંડાં પર ચૂનાનું કે ચર્મીય કવચ હોય છે. ગર્ભાવસ્થામાં એમ્નીઓન, કોરીઓન અને એલેન્ટોઇસ જોવા મળે છે.

ભારતીય સરિસૃપ (Indian Reptiles) : ભારતમાં સરિસૃપની 447 જાતિઓ (species) મળી આવે છે. આ જાતિઓ પૈકી IUCN-2006 મુજબ 26 જાતિઓને ભયગ્રસ્ત જાતિઓની યાદીમાં મુકાઈ છે. આ પૈકી કાચબાની 13 જાતિઓ, ઘોની 1 જાતિ, ક્રોકોડાઇલની 3 જાતિઓ, 3 સાપની જાતિઓ અને 6 અન્ય સરિસૃપ જાતિઓનો સમાવેશ થાય છે.

વિનોદ સોની