સતીન્દર સિંગ (. 14 જાન્યુઆરી 1942, અમૃતસર, પંજાબ) : પંજાબી લેખક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબીમાં એમ.એ. તથા અંગ્રેજીમાં એમ.એ.ની અને ગુરુ નાનકદેવ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી છે. તેમણે ગુરુ નાનકદેવ કમિટીમાં વિશ્વ યુનિવર્સિટી સેવાના અધ્યક્ષ તરીકે કારકિર્દી શરૂ કરી; ગુરુ નાનકદેવ યુનિવર્સિટીમાં સ્કૂલ ઑવ્ પંજાબી સ્ટડિઝમાં પ્રાધ્યાપક તથા વડા તરીકે કામગીરી કરી. તેઓ ભાષા-વિદ્યાશાખાના ડીન હતા. પંજાબ યુનિવર્સિટીમાં સ્થાયી સમિતિના સભ્ય; પતિયાળામાં ભાષાવિભાગના રાજ્ય સલાહકાર બૉર્ડના સભ્ય તથા કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક રહેલા.

તેમણે પંજાબીમાં 15 ગ્રંથો આપ્યા છે. ‘ગુરુ નાનક કા અધ્યયન’ (1969); ‘આધુનિક પંજાબી કા રૂપ અધ્યયન’ (1980); ‘બરકત રામ યમન : જીવન તે રચના’ (1978); ‘ભાઈ વીર સિંગ : જીવન તે રચના’ (1982)  આ વિવેચનગ્રંથો છે. ‘તુલનાત્મક ભારતી સાહિત’ (1985); ‘ગુરુ તેગબહાદુર : ચિંતન કલા તે બાની’  સંપાદિત બંને વિવેચનગ્રંથો છે.

તેમને પંજાબ રાજ્ય સરકાર લિટરેચર ઍવૉર્ડ, 3 વખત; પંજાબ યુનિવર્સિટી બેસ્ટ બુક ઍવૉર્ડ અને ભાઈ મોહનસિંગ વૈદ ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા