સતના : મધ્યપ્રદેશનો ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 23° 58´થી 25° 15´ ઉ. અ. અને 80° 15´થી 81° 15´ પૂ. રે.ની વચ્ચેનો 7,502 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બાંદા (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વ તરફ રેવા જિલ્લો, અગ્નિ તરફ સીધી જિલ્લો, દક્ષિણ તરફ શાહડોલ અને જબલપુર જિલ્લા તથા પશ્ચિમ તરફ પન્ના જિલ્લો આવેલા છે. જિલ્લાનું નામ જિલ્લામથક સતના પરથી અને જિલ્લામથકનું નામ શહેરની નજીકમાંથી પસાર થતી તેમજ ટોન્સ નદીને મળતી સતના નદી પરથી પડેલું છે. જિલ્લામથક સતના જિલ્લાની મધ્યમાં આવેલું છે.

સતના જિલ્લો

ભૂપૃષ્ઠ : આ જિલ્લો 300થી 330 મીટરની ઊંચાઈવાળા વિંધ્ય ઉચ્ચપ્રદેશ પર પથરાયેલો છે. આ ઉચ્ચપ્રદેશમાંથી, વિંધ્ય રચનાના ખડકોથી બનેલી ઘણી ટેકરીઓ ઊપસી આવેલી છે. નાગોડ તાલુકાવાળો દક્ષિણ ભાગ પહાડી છે. આ ટેકરીઓની ઊંચાઈ 510થી 600 મીટર જેટલી છે, પરંતુ જિલ્લાની દક્ષિણ તરફની નીચી ટેકરીઓની ઊંચાઈ 240 મીટર જેટલી છે. કૈમૂર ટેકરીઓ, પન્ના ટેકરીઓ અને ઉત્તર તરફ વિંધ્યની હારમાળાઓ આ જિલ્લાનું પહાડી ભૂપૃષ્ઠ રચે છે.

આ જિલ્લાના કૈમૂર-પન્ના ઉચ્ચપ્રદેશ વિસ્તારમાં મિશ્ર પ્રકારનાં જંગલો આવેલાં છે. સતના, મઝગાંવ, નાગોડ અને મૈહરનાં જંગલો ચાર વિભાગમાં વહેંચાયેલાં છે. જંગલપેદાશોનું મુખ્ય બજાર સતના ખાતે આવેલું છે. સતના અને નાગોડ વિસ્તારમાં સાગનાં વૃક્ષો આવેલાં છે. વાંસ, સાજા, સલાઈ, ટીમરુ અને ખેર અહીંનાં સામાન્ય રીતે જોવા મળતાં વૃક્ષો છે.

જળપરિવાહ : સતના અહીંની મુખ્ય નદી છે. તે ટોન્સ નદીની સહાયક નદી છે. ટોન્સ, સોન, પૈસુની અહીંની અગત્યની નદીઓ છે. મોટાભાગની નદીઓ પૂર્વ તરફના પરિવાહવાળી છે; તેમ છતાં ભૂપૃષ્ઠનો ઢોળાવ ઉત્તર તરફી છે. ટોન્સ એ જિલ્લાની મુખ્ય નદી છે. તે કૈમૂર ટેકરીઓમાંના તમસાકુંડમાંથી નીકળી ઈશાન તરફ વહે છે. મહા નદી આ જિલ્લાની શાહડોલ જિલ્લા સાથેની અગ્નિ સરહદ પરથી પસાર થાય છે.

ખેતી : જિલ્લાના કુલ વિસ્તારની 66 % ભૂમિ ખેડાણને યોગ્ય છે. ઘઉં, જુવાર, ડાંગર, મગફળી અને ચણા અહીંના મુખ્ય કૃષિપાકો તથા ગાયો અને ભેંસો અહીંનાં મુખ્ય પાલતુ પ્રાણીઓ છે.

ઉદ્યોગવેપાર : જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગૃહઉદ્યોગો બીજા ક્રમે આવે છે; તેમાં બીડીનો ગૃહઉદ્યોગ, સિમેન્ટનાં કારખાનાં અને ચૂનાખડકોનું ખનન મુખ્ય છે. યુનિવર્સલ કેબલ્સ લિ. અહીંનો મુખ્ય ઉદ્યોગ છે. તેમાં ઍલ્યુમિનિયમ અને તાંબાના તાર તથા તારનાં દોરડાં બનાવાય છે. બીડી જિલ્લાનાં પાંચ શહેરોમાં બને છે. ચૂનો, સિમેન્ટ અને ધાતુના ઘડા સતના નગરમાં બને છે. જિલ્લામાંથી ચૂનો, સિમેન્ટ, બીડી અને ઘઉંની નિકાસ જ્યારે કાપડ, દવાઓ, કોલસો અને કરિયાણાની આયાત કરવામાં આવે છે.

પરિવહનપ્રવાસન : સતના એ અલ્લાહાબાદ-મુંબઈ મધ્ય રેલવિભાગનું મહત્વનું રેલમથક છે. સતનાથી જતા રેલમાર્ગો દ્વારા અલ્લાહાબાદ, કોલકાતા, જબલપુર અને મુંબઈ તરફ જઈ શકાય છે. રાજ્યનાં મુખ્ય મથકો સાથે તે સડકમાર્ગોથી પણ જોડાયેલું છે.

રામના વનવાસ સાથે સંકળાયેલ ધાર્મિક મહત્વ ધરાવતું ચિત્રકૂટ સતના જિલ્લામાં આવેલું છે. સતના જિલ્લાનો ઇતિહાસ પણ વિવિધ પ્રકારના શિલાલેખોના સંગ્રહથી ભરપૂર છે. મકરસંક્રાંતિ, વસંતપંચમી, રામનવમી, દીપધૂન, નાટ્યબાબા, શિવરાત્રિના તહેવારો તથા રાજલા મેળો, શંકરજીનો મેળો, રામમેળો, સિદ્ધનાથ મેળો, હનુમાનજી મેળો, ચંડીનો મેળો, બિહારીજીનો મેળો તથા અન્ય ઉત્સવો યોજાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 18,68,648 જેટલી છે. તે પૈકી આશરે 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે તથા ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80 % અને 20 % જેટલું છે. જિલ્લામાં હિન્દુઓની વસ્તી વિશેષ છે. તે પછી ક્રમ મુજબ મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી, શીખ અને બૌદ્ધ લોકોની વસ્તી છે. અહીં બોલાતી મુખ્ય ભાષાઓ હિન્દી અને સિંધી છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 35 % જેવું છે. તબીબી સેવાઓની સુવિધા જિલ્લાનાં મુખ્ય શહેરોમાં ઉપલબ્ધ છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાને 5 તાલુકા અને 8 સમાજ-વિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 11 શહેરો અને 2,040 (256 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા